Get The App

ગૌણ સેવાના બોગસ નિમણૂંકપત્ર કૌભાંડમાં ભૂગર્ભમાં ઉતરેલા સરોજબા અને પંકજ ઠક્કરના આગોતરા નામંજૂર

-સંખ્યાબંધ ઉમેદવારોને સરકારી નોકરી આપવાની લાલચ આપી લાખો રૃપિયાનું ઉઘરાણું કર્યું હતું

Updated: Sep 28th, 2018

GS TEAM

Google News
Google News
ગૌણ સેવાના બોગસ નિમણૂંકપત્ર કૌભાંડમાં ભૂગર્ભમાં ઉતરેલા સરોજબા અને પંકજ ઠક્કરના આગોતરા નામંજૂર 1 - image

ગાંધીનગર,તા.27 સપ્ટેમ્બર 2018,ગુરૂવાર

ગૌણ સેવા પસંદગી મંડળના વર્ગ-૩માં નોકરી આપવાના બહાને ઉમેદવારો પાસેથી ઉઘરાણાં કરી બોગસ નિમણૂંકપત્રો આપવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર પ્રકરણનો ભાંડો ફુટી જતાં સે-૭ પોલીસે નવ વ્યક્તિઓને પકડયા હતા.  આ કૌભાંડમાં સરોજબા અને પંકજ ઠક્કરનું નામ ખુલ્યા બાદ તેમણે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે આજે આ અરજી નામંજુર કરી દીધી હતી.

જો કે પ્રથમ દિવસથી જ આ બન્ને વ્યક્તિઓ પોલીસથી ભાગી રહી છે. આ નવ વ્યક્તિઓ જ નહીં પણ અન્ય સંખ્યાબંધ લોકો પાસેથી નોકરીના બહાને લાખો રૃપિયા ઉઘરાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. 

  ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી વર્ગ-૩ની પરીક્ષામાં પ્રતિક્ષા યાદીમાં રહેલા ઉમેદવારીને ગૌણ સેવા પસંદગી મંડળે નિમણૂકપત્રો મોકલી આપ્યા હતા. જે પૈકી અમુક ઉમેદવારોએ બોગસ નિમણૂંક પત્રો રજૂ કરતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને આ સંદર્ભે સે-૭ પોલીસને જાણ કરતાં પોલીસે નવ જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

જેમણે પુછપરછમાં પેથાપુરમાં રહેતા સરોજબા રહેવર અને ધર્મેન્દ્રસિંહ રાઠોડ નામના વ્યક્તિઓને રૃપિયા આપી આ નિમણૂંકપત્રો લીધા હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પોલીસે પેથાપુરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ દશરથસિંહ રાઠોડને ઝડપી પાડયો હતો.પોલીસની તપાસમાં સે-૧૧માં શિવ ફાઉન્ડેશનના નામે ઓફિસ શરૃ કરીને સરોજબા અને પેથાપુરમાં રહેતા પંકજ ઠક્કરે ઉમેદવારોને સરકારી નોકરીની લાલચ આપીને લાખો રૃપિયા ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

જો કે પોલીસે પ્રથમ દિવસે જ તેમની તપાસ નહીં કરતાં આ બન્ને વ્યક્તિઓ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સુનાવણી બાદ કોર્ટે આજે તેમના આગોતરા જામીન નામંજુર કરી દીધા છે. આ બન્ને વ્યક્તિઓ દ્વારા રાજ્યના અલગઅલગ વિસ્તારોમાંથી પરીક્ષા નહીં આપનાર લોકોને પણ બોગસ કોલલેટર આપી સરકારી નોકરી મળી જશે તેવું આશ્વાસન આપી લાખો રૃપિયા ઉઘરાવ્યા હતા.

પોલીસ સુત્રોનું માનીએ તો ફકત આ નવ વ્યક્તિઓ જ નહીં પરંતુ તે દિવસે ૭૦થી વધુ લોકો પાસે બોગસ કોલલેટર હતા જે આ બન્ને વ્યક્તિઓએ આપ્યા હોવાનું લાગી રહયું છે. જેની હાલ તપાસ પણ ચાલી રહી છે. સરોજબા અને પંકજ ઠક્કર સિવાય ગાંધીનગરના અન્ય બે વ્યક્તિઓના નામ પણ પોલીસ તપાસમાં ટુંક સમયમાં બહાર આવવાના છે.

પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરશે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની પણ શક્યતા જોવાઈ રહી છે. કેમકે સમગ્ર રાજયમાંથી ઉમેદવારો શોધવા માટે તેમણે એજન્ટો પણ રાખ્યા હતા અને તેમને કમિશન પણ ચુકવવામાં આવતું હતું. 

Tags :