લોકડાઉનમાં જ સાસરીયાઓએ પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી
- પતિના ફોનમાં શંકાસ્પદ મેસેજ અંગે પૃચ્છા કરતાં
- આખી રાત લારી નીચે સુઈ રહયા બાદ જાગૃત મહિલાએ જાણ કરતાં 181 મહિલા હેલ્પલાઈન મદદે આવી પહોંચી
ગાંધીનગર, તા.14 મે 2020, ગુરૂવાર
લોકડાઉન વચ્ચે ગાંધીનગર તાલુકાના ગામમાં પરિણીતાને સાસરીયાઓએ તગેડી મુકયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિના ફોનમાં આવેલા શંકાસ્પદ મેસેજ અંગે પરીણીતાએ પુછપરછ કરતાં પતિ સહિત સાસરીયાઓએ તેને કાઢી મુકી હતી અને આખી રાત એક લારીની નીચે વિતાવ્યા બાદ જાગૃત મહિલાએ ૧૮૧ અભ્યમ્ મહિલા હેલ્પલાઈનને જાણ કરી હતી. જો કે આ હેલ્પલાઈનની મદદ કરવા છતાં સમાધાન નહીં થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
કોરોના અટકાવવા અપાયેલા લોકડાઉનના કારણે ઘણા પરિવારોમાં તકરારો પણ વધી ગઈ છે ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર તાલુકાના ગામમાં રહેતી પરિણીતાએ તેના પતિના ફોનમાં શંકાસ્પદ મેસેજ જોયો હતો. આ મેસેજ અંગે પરિણીતાએ પૃચ્છા કરતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નિ સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ સાસુ સસરાએ પણ આ પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. લોકડાઉનના કારણે હવે આ મહિલા કયાં જાય તે મોટું સંકટ ઉભું થયું હતુ અને રસ્તામાં એક લારી નીચે જ આખી રાત વિતાવી હતી.
ત્યારબાદ સવારે દુધ લેવા નીકળેલી એક જાગૃત મહિલાએ આ પરિણીતાને રડતી જોઈ હતી અને આ પરિણીતાને તેના ઘરે લઈ આવી હતી. જયાંથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનને જાણ કરવામાં આવતાં ટીમ પહોંચી હતી. જયાં મહિલાએ ટીમને કહયું હતું કે તેના પ્રેમલગ્ન થયા છે અને બે જોડીયા બાળકો છે. ત્યારબાદ પરિણીતાને લઈ આ ટીમ તેની સાસરીમાં પહોંચી હતી.
જોકે આ ટીમની હાજરીમાં જ તેના સસરાએ ઉંચા અવાજે બોલવાનું શરૂ કરી દીધું હતું અને પરિણીતાને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. અહીં સમાધાનની પ્રક્રિયા નિષ્ફળ જતાં આ ટીમ મહિલા અને તેના બે બાળકોને લઈ પોલીસ મથકે આવી પહોંચી હતી. જયાં મહિલા દ્વારા સાસરીયાઓ સામે ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.