ગાંધીનગરમાં નીલગાય નિર્ભય બની સાપ નિકળવાના બનાવો પણ વધ્યા
- લાંબા લોકડાઉનને કારણે પ્રાણી-પક્ષીઓની વર્તણૂક બદલાઇ
- શાંત વિસ્તારમાં રહેતા મોર ઘ-રોડ સુધી પહોંચી ગયાઃકુતરાનો ત્રાસ વધ્યોઃપક્ષીઓએ મેદાનને બદલે રોડ પર મુકામ બનાવ્યું
ગાંધીનગર,તા.01 મે 2020, શુક્રવાર
કોરોનાની દરેક જીવસૃષ્ટી ઉપર સારી-ખરાબ અસર પડી છે. એક બાજુ કોરોનાને કારણે મનુષ્ય ભયભીત થયો છે તો બીજીબાજુ માનવ વસાહતમાં ગભરાઇને રહેતા પશુ-પક્ષીઓ નિર્ભય બન્યા હોય તેમ મુક્તપણે હરી ફરી રહ્યા છે. લોકડાઉનને કારણે શહેરમાં ઘણા વખતથી અવર-જવર કે ભીડ નહીં રહેવાને કારણે ગાંધીનગરમાં સચિવાલયની પાછળના જંગલોમાં રહેતી નીલગાય નવા સેક્ટરોના વસાહતોમાં કોઇ પણ ડર વગર ફરતી જોવા મળે છે તો શાંત વિસ્તારમાં જ ખાસ કરીને જ અને છ રોડ સુધી જ માંડ આવી શક્તા મોર હવે ચ રોડ વટાવીને ઘ રોડ ઉપર પરિવાર સાથે ચણતા થયા છે. જ્યારે ગરમીને કારણે શહેરમાં સાપ નિકળવાના બનાવો પણ હવે વધી રહ્યા છે.
કોરોનાની મહામારીમાં વાયરસ ફેલાય નહીં તે માટે આપવામાં આવેલા લોકડાઉનની સ્થિતિમાં માણસનો સતત ઘરમાં રહેવાને કારણે સ્વભાવ બદલાયો છે તો બીજીબાજુ મનુષ્યની વસ્તી વચ્ચે રહેતા પશુ-પક્ષીઓની પણ આ લાંબા લોકડાઉનને કારમે વર્તણૂક બદલાઇ છે તે સામાન્ય માણસ પણ નજરે જોઇને અનુભવી શકે છે ત્યારે જંગલી અને ઘરેલુ પ્રાણી-પક્ષીના છેલ્લા ૧૦ વર્ષથી રેસ્ક્યુ કરતા સ્નેક સ્કવોડના મયુર પારેખે આ બાબતે કહ્યું હતું કે, માણસની અવર-જવર નહીંવત્ થવાને કારણે માણસ વસ્તીમાં પણ ભયભીત થઇને રહેતા પશુ-પક્ષીઓ હવે નિર્ભય બની ગયા છે અને નગરમાં મુક્તપણે વિહરતા જોવા મળી રહ્યા છે.
નિલગાય અંગે તેમણે કહ્યું હતું કે, પહેલા સચિવાલયની પાછળના ભાગમાં તેમજ નદી કિનારાના ગાંધીનગરના જંગલોમાં નીલગાય દેખાતી હતી પરંતું હાલ માણસની અવર-જવર ઘટી છે ત્યારે ખોરક પાણીની ખોજમાં આ સરમાળ પ્રકૃત્તીનું પ્રાણી પણ હવે નિર્ભય થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે અને ચ રોડ જ નહીં ઘ રોડને અડીને આવેલા સેક્ટરોના માનવ વસાહતમાં ઝુંડમાં જોવા મળે છે. આવી જ રીતે ગાંધીનગર શહેરમાં મોર પણ સામાન્યરીતે જ અને છ રોડને અડીને આવેલા વિસ્તારો અને ઝાડીઓમાં જોવા મળતા હતા પરંતુ હવે નગરના એક સમયે ધમધમતા રહેતો ચ રોડ વટાવીને છેક ઘ રોડ સુધી પહોંચી ગયા છે અહીંના સેક્ટરોમાં હવે સવારે અને સાંજે મોરના ટહુકા સાંભળવા મળી રહ્યા છે. તો બીજીબાજુ ગાંધીનગરમાં જાણે એકાએક કુતરાનીં સંખ્યા વધી ગઇ હોય તેમ લાગી રહ્યું છે.
કુતરા રોડ અને કોમનપ્લોટમાં અડીંગો જમાવીને આખો દિવસ ભસતાં સાંભળવા મળી રહ્યા છે.તો એકલ દોકક બાઇકસવારની પાછળ પણ કુતરાઓ પડી રહ્યા છે કુતરાની આ વર્તણૂક એ બતાવે છે કે, સતત લોકડાઉનને કારણે કુતરાઓને ખોરાક-પાણી સરળતાની મળતા નથી જેથી તેઓ ગુસ્સે ભરાય છે.
શહેરમાં ફરતી ગાયોની હાલત પણ જાણે આવી જ છે ગરમી શરૂ થઇ ગઇ છે પરંતુ ગાયને પાણી મળતું નથી જેથી ગાય પણ બહુ ફરવાને બદલે છાંયડા નીચે બેસવાનું જ પસંદ કરી રહી છે. જ્યારે કબુતર, કાગડો, કાબર, ચકલી સહિતના અન્ય ઘરેલુ પક્ષીઓ કે જે મેદાનો કે ચબુતરામાં ચણતા જ જોવા મળતા હતા તે હવે રોડ ઉપર બિન્દાસ બેસીને જીવજંતુને પોતાનો ખોરાક બનાવી રહ્યા છે.
હાલ ગરમી અને લોકડાઉન દરમિયાન સવારે વહેલા અને સાંજે સાપ નીકળવાના બનાવો ખાસ બની રહ્યાં છે. સાપ પકડવાની સેવા પ્રવૃત્તિ કરતાં દરેક સ્નેકલવર્સને હાલ સાપ પકડવાના કોલ વધી ગયા છે. સામાન્ય રીતે શિયાળાના અંત બાદ સાપ સહિતના અન્ય શરીરસૃપો બહાર આવી જતાં હોય છે.
ગરમીના દિવસોમાં ખોરાકની શોધમાં તેમજ શરીર ઉપરની કાચલી કાઢવા માટે સાપ બહાર આવતાં હોય છે. ત્યારે હાલ લોકડાઉનની સ્થિતિ હોવાના કારણે ચહલપહલ ઓછી હોવાના કારણે સાપ પણ નગરમાં જોવા મળી રહ્યાં છે. ગરમી અને લોકડાઉનના દિવસોમાં સાપ સહિત કોઇપણ વન્ય પ્રાણી બચાવવા માટે મયુર પારેખ ૯૯૨૪૩૭૩૩૭૩ તથા સાપ- પક્ષીને બચાવવા માટે પ્રદિપ સોલંકી ૯૮૨૪૨૫૬૪૧૦નો સંપર્ક કરવા નગરજનોને જણાવવામાં આવ્યું છે.