mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા રદ્દ , ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત

- SIT એ અહેવાલ આપ્યા બાદ સિનિયર મંત્રીઓ સાથેની ચર્ચા-વિચારણ બાદ મુખ્યમંત્રીનો નિર્ણય

Updated: Dec 16th, 2019

બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા રદ્દ , ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત 1 - image


ગાંધીનગર, તા. 16 ડિસેમ્બર 2019, સોમવાર

તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની ભરતી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં પેપર લીકેજની ગંભીર પરીક્ષા સાથે હજારો ઉમેદવારોએ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ્દ કરવાની માગણી કરી હતી તેમજ ગાંધીનગરમાં ચાર-પાંચ દિવસ સુધી ભૂખ હડતાલ કરી હતી જેને પગલે સરકારે તેની ગંભીર નોંધ લઇને પરીક્ષામાં પેપર ફુટ્યા હતા કે તેની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી હતી.

બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા રદ્દ , ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત 2 - image

SIT દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્ર ઘટનાની તપાસ કરીને રિપોર્ટ અપાયા હતો જેના મુખ્યમંત્રીએ આજે સિનિયર મંત્રીઓ અને સનદી અધિકારી મિટિંગ કરી ચર્ચા વિચારણા કરી હતી જેમાં બિન સચિવાલય ક્લાર્કની સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મોડી સાંજે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરાયો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. 

બિન સચિવાયલ ક્લાર્કની પરીક્ષા રદ્દ , ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત 3 - image

પ્રદિપસિંહે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ દસ મોબાઇલ ફોન આપ્યા હતા. SITના અધિકારીઓએ FSLના નિષ્ણાંતોને સાથે રાખીને વૈજ્ઞાનીક ઢબે તપાસ હાથ ધરી હતી જેમાં CCTV ફૂટેજની ચકાસણી કરાઇ હતી તેમજ કેટલાક ઉમેદ્દવારોએ મોબાઇલ ફોનમાંથી પેપરો લખતા હતા તેની ચકાસણી થઇ હતી ઉપરાંત પેપર લીક થયા છે તેવી ફરિયાદની પણ ઉંડી તપાસ કરી હતી.

આ તમામ તપાસમાં SITએ રિપોર્ટ સાથે આ પરીક્ષાને રદ્દ કરવાની ભલાણ કરી છે. આથી મુખ્યમંત્રી એવા નિષ્કર્સ પર આવ્યા હતા કે કોઇ પણ પરીક્ષા પારદર્શક હોવી જોઇએ ઘણા સમયથી પરીક્ષામાં પાસ મહેનત કરી રહેલા નિર્દોષ ઉમેદ્દવારોને કોઇ અન્યાય થવો જોઇએ નહીં. પરંતુ આ પરીક્ષાના પેપર લીક થયાનું પુરવાર થયું છે જેને કારણે કોઇ પણ શેહશરમ રાખ્યા વગર ગુજરાતના લાખો વિદ્યાર્થીના હીતને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાનું નક્કી કરાયું છે.

આ પરીક્ષામાં ગેરરીતિ કરનારા કે તેમાં મદદ કરાનારા તમામ લોકોની સામે પોલીસ કાર્યવાહી કરાશે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, SIT દ્વારા રજૂ કરાયેલ આ અહેવાલ સંદર્ભે આજે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ મંત્રી તરીકે મારી, મુખ્ય સચિવ,  SITના તમામ સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેઓએ ઉમેર્યું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ૬ લાખથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી. અને ૩,૧૭૩ જેટલા કેન્દ્રો પર સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજવામાં આવી હતી. પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી આગેવાનો દ્વારા ગેરરીતિ સંદર્ભે ૧૦ મોબાઇલ, સી.સી.ટી.વી. ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કરાયા હતા. આની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ વીડીયો ફૂટેજની તપાસ વિદ્યાર્થી આગેવાનોની હાજરીમાં કરી હતી.

મોબાઇલ ફોનમાં જે વીડીયો ફૂટેજ અને સોશ્યલ મીડીયાનો ઉપયોગ થયો છે તે મોબાઇલ ફોન વૈજ્ઞાનિક તપાસ અર્થે FSLને મોકલી આપવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓની તપાસ આગેવાનોની ઉપસ્થિતિમાં FSLની મદદ લઇને કરી છે. જેમાં સી.સી.ટી.વી. ફૂટેજની ચકાસણીમાં કેટલીક જગ્યા પર વિદ્યાર્થીઓ મોબાઇલથી પેપર લખતા હોવાના દ્રશ્યો, એક-બીજાને પૂછીને લખતા હોય તેવા દ્રશ્યોના પુરાવાઓ મળ્યા છે, તેની સંપૂર્ણ ન્યાયિક અને તલસ્પર્શી તપાસ FSLની મદદથી કરવામાં આવી છે. જેના આધારે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.

જાડેજાએ ઉમેર્યું કે, પરીક્ષાની ગેરરિતી સંદર્ભે સરકાર સહેજપણ ચલાવી લેવા માંગતી નથી અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય તે માટે SITના અહેવાલોના તારણોના આધારે પરીક્ષાઓ યોજાશે. તેમણે ઉમેર્યું કે, બિન સચિવાલય કારકુનની આ પરીક્ષામાં સાચો રહી ન જાય તેમજ ખોટો લાભ ન લઇ જાય તે માટે SIT દ્વારા નિર્ણય કરાયો છે તેમાં સી.સી.ટી.વી. ફૂટેજમાં મોબાઇલથી ચોરી કરતા વિદ્યાર્થીઓને ૩ વર્ષ માટે ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરાયો છે અને તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવશે.

બનાસકાંઠા - ૨, સુરેન્દ્રનગર - ૧ અને ગીર સોમનાથ જિલ્લામાં - ૧ મળી કુલ ૪ FIR હાલ દાખલ કરવામાં આવી છે. એજ રીતે પરીક્ષા ખંડમાં જે વિદ્યાર્થીઓ એક-બીજાને પૂછીને પેપર લખતા હતા તેઓને પણ ૩ વર્ષ માટે ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાથે સાથે પરીક્ષા કેન્દ્રના સંચાલકો, વર્ગ ખંડ નિરીક્ષક, સુપરવાઇઝરની પણ ગેરરીતિમાં મેળાપીપળી જણાશે તો તેમની સામે પણ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેમજ આવી સંસ્થાઓને ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર તરીકે બ્લેક લીસ્ટ પણ કરવામાં આવશે.

જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ૨ લાખથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડ્યા છે, અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબધ્ધ છે. આગામી સમયમાં પણ આ પરીક્ષામાં પેપર લીકની ઘટના માટે કોઇપણ વ્યક્તિ પ્રેરાય તે માટે પણ ક્રિમીનલ કાર્યવાહી કરાશે. પ્રસ્તૃત કિસ્સામાં રાજ્ય સરકારે ગાંધીનગરમાં આ ગેરરીતિ અંગે FIR કરવાનો નિર્ણય લીધેલ છે. તેમ તેમણે ઉમેર્યું છે.

Gujarat