Get The App

ગુડ ન્યુઝઃગાંધીનગરમાં 24 કલાકમાં એક પણ કેસ નહીં

- ગાઇડલાઇન બદલાતા ટેસ્ટની સંખ્યા પણ ઘટીઃએક દિવસમાં ફક્ત ૩૬ ટેસ્ટ જ કરાયાઃપોઝિટિવ દર્દી નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

Updated: May 14th, 2020

GS TEAM

Google News
Google News
ગુડ ન્યુઝઃગાંધીનગરમાં 24 કલાકમાં એક પણ કેસ નહીં 1 - image


ગાંધીનગર,તા.13 મે 2020, બુધવાર

કોરોનાની મહામારીમાં છેલ્લા ઘણા દિવસોથી દર્દી ડિસ્ચાર્જ થવાની સંખ્યા વધી રહી છે તો બીજીબાજુ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સુખદ ઘટાડો આવી રહ્યો છે. આવી સ્થિતિ ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. ગાંધીનગર શહેરમાં ગઇકાલે એક પણ પોઝિટિવ દર્દી ન હતો ત્યારે આ સુખદ બાબતનું જિલ્લામાં પણ પુનરાવર્તન થયું છે. મંગળવારે શહેરમાં એક પણ પોઝિટિવ દર્દી મળ્યો ન હતો ત્યારે બુધવારે જિલ્લામાં પણ એક પણ પોઝિટિવ દર્દી મળ્યો નથી. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા તા. ૨૬મી એપ્રિલે એટલે કે, ૧૮ દિવસ પહેલા એક પણ કેસ ન હોય તેવો દિવસ હતો ત્યારે આજે એક પણ દર્દી નોંધાયો નથી જેને લઇને ગાંધીનગરના તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જો કે, ગાઇડલાઇન બદલાવવાને કારણે ગાંધીનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં ફક્ત ૩૬ ટેસ્ટ જ કરવામાં આવ્યા છે તે બાબત પણ નોંધવી જરૂરી છે. 

ગાંધીનગરમાં કોરોનાનો વાયરસ દુબઇથી આવ્યો હતો. સે-૨૯નો ઉમંગ દુબઇ જઇને તા.૧૭મી માર્ચે ગાંધીનગર પરત આવ્યા બાદ બે દિવસ પછી એટલે કે, તા. ૧૯મીએ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ આ એક જ પરિવારના ૧૧ વ્યક્તિ તબક્કાવાર કોરોનામાં સપડાયા હતા. તે દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ખોરજમાં રહેતો અને મુંબઇ-અમદાવાદ થઇને આવેલો યુવાન તથા તેની પત્નિ પોઝિટિવ આવ્યા હતા. 

જો કે, ૧૪ દિવસે મોટાભાગના તમામ દદી નેગેટિવ આવતાની સાથે તેમને હોસ્પિટલમાંથી કોરોનામુક્ત જાહેર કરીને રજા આપી દેવામાં આવતી હતી. જેમાં ૩૨ દિવસ બાદ તા.૨૦મી એપ્રિલે ઉમંગને રજા આપતા ગાંધીનગર શહેરમાં એક પણ એક્ટિવ પેસન્ટ હતો નહીં અને ગાંધીનગર જાણે કોરોનામુક્ત બની ગયું હોય તેમ નગરજનોને લાગતું હતું. ત્યાર બાદ લોકડાઉનમાં મળલે બિનસત્તાવર છુટને કારણે અમદાવાદથી કોરોનાની એન્ટ્રી ગાંધીનગર શહેર તથા જિલ્લાના ગામડાઓમાં થઇ હતી. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા હોય તેવા કોરોના વોરિયર્સ સહિત સરકારી કર્મચારીઓ પણ ધીમે ધીમે કોરોનાના અજગરી ભરડામાં ફસાતા ગયા હતા.

ગાંધીનગરમાં એકલ દોકલ દર્દીઓ પ્રકાશમાં આવતા હતા તેમાં એકાએક વધારો આવ્યો હતો અને એક દિવસમાં ૧૪,૧૫,૧૮ દર્દીઓ જ નહીં, પરંતુ તા.૯ એપ્રિલે તો વિક્રમી રીતે  શહેર જિલ્લામાં મળીને કુલ ૨૨ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જે સાથે કોરોનાની સેન્ચુરી પણ ગાંધીનગરમાં પુર્ણ થઇ ગઇ હતી તેમ છતા કોરોનાની ઝડપ ધીમી પડી ન હતી ત્યારે ગાઇડલાઇમાં ફેરફાર થવાને કારણે ટેસ્ટીંગની પેટર્ન પણ બદલવામાં આવી છે. અગાઉ કોઇ પણ વ્યક્તિ કહે કે તેને લક્ષણો છે એટલે અથવા દર્દીની ઇચ્છાથી ટેસ્ટ થતા હતા પરંતુ હવે ડોક્ટરની સુચના હોય તો જ જે તે શંકાસ્પદ દર્દીના ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટીંગ ઘટવાની સીધી અસર જાણે પોઝિટિવ દર્દીઓ ઉપર પડી છે જે આંકડાઓ જોતા સ્પષ્ટ થાય છે. 

ગાંધીનગર શહેરમાં ગઇકાલે એટલે કે, ૩૦ જેટલા ટેસ્ટ કર્યા હતા જેમાંથી એક પણ પોઝિટિવ દર્દી મળ્યો ન હતો.જ્યારે જિલ્લામાં બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે આજે ગાંધીનગર શહેરમાં ૨૦ જેટલા જ્યારે જિલ્લામાં ૧૩ જ શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી એક પણ દર્દી પોઝિટિવ આવ્યો નથી. એટલે એક પણ પોઝિટિવ દર્દી નહીં આવ્યો હોવાને ગાંધીનગર માટે સુખદ સમાચાર ગણી શકાય પરંતુ બીજીબાજુ જે રીતે ટેસ્ટની સંખ્યા ઘટાડવામાં આવી છે જે આગામી દિવસમાં જોખમી પુરવાર થાય તેમ છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં તા.૨૬મી એપ્રિલે એક પણ કેસ નોંધાયો ન હતો ત્યારે તેના ૧૮ દિવસ બાદ બુધવારે પણ એક પણ કેસ નોંધાયો નથી. 

સારવારની જરૂર ન હોય તેવા કોરોના પોઝિટિવ દર્દીને સિવિલમાં નહીં રખાય

- કોવિડ હોસ્પિટલમાં લોડ ઘટાડવા માટે એસીમ્ટોમેટીક દર્દીઓને કોલવડા ગોયેન્કા અને એસએમવીએસમાં ખસેડવામાં આવ્યા

ગાંધીનગર શહેર અને  જિલ્લામાં થઇને કોરોનાના અત્યાર સુધી ૧૪૨ દર્દીઓ નોંધાયાં છે. ત્યારે હાલની સ્થિતિએ ૭૫ જેટલાં એક્ટીવ કેસ છે જે ગાંધીનગર સિવિલ સહિત અન્ય હોસ્પિટલોમાં સારવાર અથવા સંભાળ હેળઠ છે. ગાંધીનગરની કોવિડ હોસ્પિટલ એટલે કે સિવિલમાં પોઝિટિવ દર્દીઓનો લોડ વધી રહ્યો છે ત્યારે એસીમ્ટોમેટીક એટલે કે કોઇ લક્ષણો નહીં ધરાવતાં દર્દીઓને કોલવડા, ગોયેન્કા અથવા તો એસએમવીએસમાં ખસેડવામાં આવી રહ્યાં છે. 

ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલ સિવિલમાં બનાવવામાં આવી છે. અહીં ૬૦૦ બેડની હોસ્પિટલમાં આ કોવિડ હોસ્પિટલ ઉભી કરાઇ છે.આઇસીયુ, ડાયાલીસીસ સેન્ટર સહિત તમામ વોર્ડ જુની બિલ્ડીંગમાં ફેરવવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં દરરોજ કેસ વધવાના કારણે સિવિલમાં ૪૦ થી ૫૦ દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. દિવસે અને દિવસે હોસ્પિટલનો લોડ વધતો જતો હતો.

જેને લઇને કોવિડ ઉપરાંત અન્ય હોસ્પિટલો પણ સરકારે પોતાની હસ્તક કરી દીધી છે. જેમાં પણ દર્દીઓને દાખલ કરવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે જે દર્દીઓને સારવારની જરૂર નથી તેવા દર્દીઓને કોલવડા આયુર્વેદ કોલેજમાં ઉભા કરવામાં આવેલાં કેર સેન્ટરમાં ખસેડવામાં આવે છે. એટલું જ નહીં ગાંધીનગર નજીક ગોયેન્કા અને બીજી તરફ એસએમવીએસ હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર સિવિલમાં હાલની સ્થિતિમાં ૩૬ દર્દીઓ દાખલ છે.

જેમને કોરોના સિવાય અન્ય બિમારી છે જેના કારણે અહીં તેમની સારવાર પણ ચાલી રહી છે. તો સામે સાત દર્દીઓ કોલવડાના કેર સેન્ટરમાં, ૧૮ ગોયેન્કામાં અને બે પોઝિટિવ દર્દી એસએમવીએસ હોસ્પિટલમાં દાખલ છે. ગાંધીનગર સિવિલમાં જે કોરોના પોઝિટિવ દર્દીઓને સારવારની જરૂર હોય તેને જ રાખવામાં આવ્યા છે અને આગામી દિવસમાં પણ પોઝિટિવ દર્દી હોય અને કોઇ લક્ષણો કે અન્ય બિમારી ન હોય તેને કોલવડા, ગોયેન્કા અથવા એસએમવીએસમાં દાખલ કરાશે.

Tags :