- માર્કિંગ કરેલા ૧,૪૦૦ ઝાડ બચાવી લેવાયાઃ૮૫ વૃક્ષ અને ૩,૪૦૦ રોપાઓનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
ચિલોડા-ગાંધીનગર-સરખેજના માર્ગને સંપુર્ણ સીક્સલેન કરવાના પ્રોજેક્ટ અંતર્ગત સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે.જો કે,વૃક્ષોને બચાવવા પર્યાવરણપ્રેમીઓએ આંદોલન છેડયો હતો તેમ છતા વિકાસની આંધળી દોડમાં ઝાડ કાપવાની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી. ચિલોડા સર્કલથી બ્રીજ સુધીના વિસ્તારમાં ૨,૧૦૦ જ્યારે સરગાસણથી વૈષ્ણોેદેવી સુધીના માર્ગ ઉપર ૨,૬૦૦ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. તો આ વિસ્તારમાંથી કુલ ૮૫ વૃક્ષોને ઉપાડીને અન્ય જગ્યાએ પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે આવી જ રીતે ૩,૪૦૦ રોપાઓનું પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર દ્વારા ચિલોડાથી સરખેજ સુધીના માર્ગને સંપુર્ણ સીક્સલેન કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે સ્ટેટ હાઇવેની ટીમ કામે લાગી છે તો બીજીબાજુ માર્ગને પહોળો કરવા માટે અડચણરૂપ વૃક્ષોને કાપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વનવિભાગને જાણ કરી હતી જેને લઇને વનવિભાગ દ્વારા આ નડતરરૂપ વૃક્ષોનું માર્કિંગ કરીને તેમને કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન વૃક્ષપ્રેમીઓ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને સરકારને વૃક્ષો બચાવવા માટે આવેદનપત્ર પણ આપ્યું હતું પરંતુ આગામી ૫૦ વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માર્ગો પહોળા કરવા આવશ્યક હોવાનું કહીને વૃક્ષ કટીંગની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી હતી.
જે અંતર્ગત ગાંધીનગર વનવિભાગના વિસ્તારમાં જ કુલ ૪,૭૦૦ વૃક્ષોને કાપવામાં આવ્યા છે. ચિલોડા સર્કલથી બ્રીજ સુધી ૨,૧૦૦ જ્યારે સરગાસણથી વૈષ્ણોદેવી સુધીના માર્ગ ઉપર ૨,૬૦૦ વૃક્ષો કાપવામાં આવ્યા છે. અગાઉ સરગાસણથી વૈષ્ણોદેવી સુધીના માર્ગ ઉપર ચાર હજારથી વધુ વૃક્ષો નડતરરૂપ હોવાનું માર્કિંગ કરવામાં આવ્યું હતું પરંતુ પુનઃ માર્કિંગ કરતા ૧૪૦૦ જેટલા વૃક્ષો માર્ગમાં નહીં આવતા હોવાને કારણે તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
તો બીજીબાજુ ચિલોડાથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના માર્ગ ઉપરથી કુલ ૮૫ જેટલા વૃક્ષોને મશીન દ્વારા મૂળ સાથે ઉખાડીને અન્ય જગ્યાએ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. આવી જ રીતે બ્યુટીફિકેશન માટે માર્ગની વચ્ચે તેમજ આજુબાજુના વિસ્તારમાં રોપવામાં આવેલા પ્લાન્ટનું પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના કુલ ૩,૪૦૦ જેટલા રોપાઓને અડાલજ બ્રીજ નીચેના ભાગે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.


