સે-6માં ઉભરાતી ગટરો રહીશો માટે આફત બની
- કોરોનાની મહામારી વચ્ચે
- સત્વરે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક રહિશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે
ગાંધીનગર, તા.14 મે 2020, ગુરૂવાર
ગાંધીનગર શહેરના સેક્ટર-૬ના સરકારી વસાહતમાં છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી ગટરના પગલે ગંદા પાણી સ્થાનિક વિસ્તારમાં વહેતા હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયાં છે. દુર્ગંધ યુક્ત પાણી વહેતુ હોવાથી સ્થાનિક રહિશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે ગંદકીમાં વસવાટ કરતાં રહિશોની હાલત કફોડી બની છે.
પાટનગરમાં અવાર નવાર ઉભરાતી ગટરોની સમસ્યાનો સામનો સ્થાનિક રહિશોને કરવો પડતો હોય છે. જે અંગે રજુઆતો કરવા છતાં તે બાબતે કોઇ જ કામગીરી કરવામાં નહીં આવતાં ઘણા દિવસો સુધી દુર્ગંધ યુક્ત પાણીની વચ્ચે વસવાટ કરવાની નોબત આવતી હોય છે ત્યારે શહેરના સેક્ટર-૬/એમાં આવેલા જ ટાઇપની સરકારી વસાહતમાં છેલ્લા ઘણા દિવસથી ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાય છે.
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવતું હોય છે ત્યારે સરકારી વસાહતોમાં ફેલાતી ગંદકીને દુર કરવા માટે તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવતાં આ વિસ્તારના રહિશોની હાલત પણ કફોડી બની જવા પામી છે. આ સમસ્યા અંગે સ્થાનિક નગર સેવકે તંત્રને રજૂઆત કરી છતાં પણ હજુ સુધી કોઇ કામગીરી નહીં કરાતાં સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે.