યુવાનના આપઘાતના છ મહિના બાદ પત્નિ અને સાસરીયાઓ સામે ગુનો
- ગાંધીનગરના ઈન્દ્રોડા ગામમાં
- આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠીને એફએસએલમાં મોકલ્યા બાદ રીપોર્ટ આવતાં ભાઈની ફરિયાદ લીધી
ગાંધીનગર, તા. 29 જૂન 2020, સોમવાર
ગાંધીનગર શહેરને અડીને આવેલા ઈન્દ્રોડા ગામમાં રહેતા યુવાને ગત ડીસેમ્બર મહિનામાં આપઘાત કરી લીધો હતો અને તેના આપઘાત પાછળ પત્નિ અને સાસરીયા જવાબદાર હોવાનું અંતિમ ચીઠ્ઠીમાં લખ્યું હતું પરંતુ પોલીસે આ ચિઠ્ઠીને એફએસએલમાં મોકલ્યા બાદ રીપોર્ટ આવતાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદના આધારે યુવાનની પત્નિ સહિત પાંચ વ્યક્તિઓ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે ઈન્દ્રોડા ગામમાં રહેતા જગદીશભાઈ ચંદુભાઈ નાગરે ઈન્ફોસીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમનો ર8 વર્ષીય નાનો ભાઈ કિરણે વર્ષ ર018માં સે-1પમાં રહેતી નીતાબેન રાજુભાઈ મારવાડી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.આ લગ્ન બાદ કિરણ અને તેની પત્નિ નીતા ઈન્દ્રોડામાં રહેવા આવ્યા હતા.
બન્ને વચ્ચે સુખેથી જીવન ચાલતું હતું પરંતુ કિરણની સાસુ ધનીબેન ઉર્ફે બિન્દુબેન રાજુભાઈ મારવાડી તથા તેની મોટી બેન નીશાબેન અવારનવાર કિરણના ઘરે આવી નીતાને ચઢાવીને પિયર પાછી લઈ જવાની ધમકીઓ આપતા હતા. નીતાની માસી કેસરબેન તેમજ તેનો દીકરો કિરણ દિનેશભાઈ રહે.દહેગામ પ્રમુખ ઓર્ચીડ દ્વારા પણ કિરણને હેરાન કરવામાં આવતો હતો.
આ લોકો નીતાને પિયરમાં લઈ ગયા ત્યારબાદ કિરણ માનસિક તણાવમાં રહેતો હતો અને તા.પ ડીસેમ્બર ર019ના રોજ તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેમાં તેના સાસરીયાઓને આપઘાત માટે જવાબદાર ઠેરવી અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. પરિવારજનોએ આ સંદર્ભે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ચિઠ્ઠી પણ તપાસ માટે એફએસએલમાં મોકલી હતી. જેમાં મૃતક કિરણના જ હસ્તાક્ષર હોવાનું બહાર આવતાં ઈન્ફોસીટી પોલીસે પત્નિ નીતા સહિત સાસુ અને સાળી તેમજ અન્ય બે વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો.