રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલા બારા વિજયી
- ભાજપે કોંગ્રેસની બે બેઠકો પર વિજયની ઇચ્છા પર પાણી ફેરવ્યું
- કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલના વિજય સાથે એક બેઠકથી સંતોષ માનવો પડયો પણ ભરત સોલંકીને સૌથી ઓછા 31.8 મત મળતા પરાજિત
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા.19 જૂન 2020, શુક્રવાર
રાજ્યસભાની ચાર બેઠકો માટે આજે ગુજરાતમાં યોજવામાં આવેલી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ત્રણ ઉમેદવારો, નરહરિ અમીન, રમીલા બારા અને અભય ભારદ્વાજનો આજે વિજય થયો છે. જ્યારે કોન્ગ્રેસના હાઈકમાન્ડે પ્રમોટ કરેલા ફર્સ્ટ પ્રેફરન્સના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલનો પણ વિજય થયો છે. ભાજપના રમીલા બારા ૩૬ મત, અભય ભારદ્વાજ ૩૬ મત અને નરહરી અમીન ૩૫.૯૮ મત મેળવીને વિજયી બન્યા હતા. જ્યારે કોન્ગ્રેસના ફર્સ્ટ પ્રેફરન્સ તરીકે મૂકાયેલા શક્તિસિંહગોહિલે ૩૬ મત મેળવી વિજય હાંસલ કર્યો હતો. તેમની તુલનાએ ગુજરાત કોન્ગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ૩૧.૯૮ મત મેળવતા તેમનો પરાજય થયો હતો.
જોકે આ વિજયની ઉજવણી ન કરવાનો ભાજપે નિર્ણય કર્યો છે. ચીનને અડીને આવેલી સરહદના ગલવાન વિસ્તારમાં ભારત અને ચીનના સેન્ય વચ્ચે થયેલી ઝપાઝપીમાં ભારતના ૨૦થી વધુ જવાનો મૃત્યુ પામ્યા હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં મળેલા વિજયની ઉજવણી કરવાનું ટાળ્યું હતું. આજે યોજાયેલી ચૂંટણીમાં ૧૭૦ મત પડયા હતા. ભારતીય ટ્રાયબલ પાર્ટિના મનસુખ વસાવા અને મહેશ વસાવાએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. એનસીપીના કાંધલ જાડેજાએ પક્ષના વ્હિપનો અનાદર કરીને ભાજપને મત આપ્યો હતો. કાંધલ જાડેજાએ ભાજપની તરફેણમાં મત નાખ્યો હતો. મતના ગણિતોને જોતા જણાય છે કે કોન્ગ્રેસે જે બે મત માટે વિરોધ નોંધાવ્યો તે બે મત ગણતરીમાં ન લેવાયા હોત તો પણ ભાજપનો વિજય નિશ્ચિત જ હતો. આ જ રીતે ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે મત કોન્ગ્રેસની તરફેણમાં પણ પડયા હોત તોયે ભાજપના ત્રણેય ઉમેદવારનો વિજય નિશ્ચિત જ હતો.
અભય ભારદ્વાજ ૩૬ મત મેળવી વિજયી થયા હતા. સ્વ. ચીમનભાઈ શુક્લના ભાણેજ હોવાથી ભાજપના ભાણિયા તરીકે જ જાણીતા બનેલા અભય ભારદ્વાજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકલાયેલા હોવાથી ભાજપના રાજ્યસભાના સભ્ય તરીકે નરેન્દ્ર મોદીના માનીતા ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા હતા. જોકે તેમણે ભાજપના લીગલ સેલમાં સેવા આપી છે. તેમણે લૉ કમિશનના સભ્ય તરીકે પણ સેવા આપેલી છે. રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે તેમણે સેવા આપેલી છે. તેઓ યુવા ભાજપમાં પણ સક્રિય રહ્યા હતા તેમણે પરશુરામ યુવા સંસ્થાની સ્થાપના કરી છે. અને રાજકોટમાં અનેક જાહેરસભાઓ તેમણે તેમની વાકછટાથી ગજવી છે. તેમણે ભાજપના સ્ટાર વક્તા પ્રમોદ મહાજન સાથે પણ કામ કર્યું છે. વિપક્ષના દરેક પ્રહારનો વળતો કડક જવાબ આપવાની તેમની અજોડ ક્ષમતા છે. ૧૯૯૫ની સાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટમાં અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડયા હતા.
અભય ભારદ્વાજની માફક જ ૩૬ મત સાથે વિજયી થયેલા સાબરકાંઠાના આદિવાસી પરિવારમાં જન્મેલા રમીલા બારાએ વિદ્યાનગરમાં શાળાના શિક્ષક તરીકે કારકીર્દિ શરૂ કરી હતી. ૨૦૦૪માં ખેડબ્રહ્માની બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડયા હતા. તેમણે ગુજરાત ભાજપના વાઈસ પ્રેસિડન્ટ તરીકે ત્રણ મુદત સુધી સેવા આપી છે. તેમ જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ગાર્ડિયન તરીકે પણ સક્રિય રહ્યા છે. તેમે ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચૅરમૅન તરીકે પણ સેવા આપી છે. ૨૦૧૭માં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ખેડબ્રહ્માની બેઠક પરથી ચૂંટણી લડયા હતા.
ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન પણ વિજયી સરસાઈ જાળવી રાખવામાં સફળ થયા હતા. નરહરિ અમીન કોલેજમાં આવ્યા ત્યારથી જ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને સિન્ડિકેટના સભ્ય તરીકે ૧૯૭૭થી સક્રિય થઈ ગયા હતા. આ કામગીરી તેમણ ૩૮થી વધુ વર્ષ સુધી નિભાવી હતી. ભાજપના ત્રીજા વિજયી ઉમેદવાર નરહરી અમીને રાજ્યસભાના સભ્ય બનતા પહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે એપ્રિલ ૧૯૯૪થી માર્ચ ૧૯૯૫ સુધી સેવા આપી છે. નારણપુરાના મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે તેમની કારકીર્દિનો આરંભ થયો હતો. અમદાવાદના સાબરમતી મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા નરહરિ અમીને ૧૯૯૦ના માર્ચથી નવ મહિના જેટલા સમયગાળા માટે તેમણે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી, યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના રાજ્યમંત્રી તરીકે તથા ૧૯૯૦થી ૧૯૯૪ દરમિયાન કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી છે. નવેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૨૦ સુધી તેમણે ગુજરાત આયોજન પંચના વાઈસ ચેરમૅન તરીકે સેવા આપી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેસનની કારોબારીના સભ્ય બનવા ઉપરાંત તેમણે સહકાારી ક્ષેત્રની અનેક સંસ્થાઓમાં પણ પ્રમુખ, ટ્રસ્ટી અન ેચૅરમૅન તરીકે સેવા આપી છે.
કોન્ગ્રેસના શક્તિસિંહ ગોહિલ ૩૬ મત મેળવીને વિજયી થયા હતા. અત્યારે બિહારના પ્રભારી તરીકે અને દિલ્હી વિધાનસભામાં કૉન્ગ્રેસનો ધબડકો થયો તે પછી દિલ્હીનો ચાર્જ સંભાળી રહેલા શક્તિસિંહ ગોહિલને રાજ્યસભાના સભ્ય તરીકે લેવાની ભલામણ ઑલ ઇન્ડિયા કોન્ગ્રેસકમિટીના ચૅરમૅન સોનિયા ગાંધીએ લીધો હતો. ગુજરાતના આરોગ્ય મંત્રી ઉપરાંત નાણાં-શિક્ષણ અને નર્મદા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમણે સેવા આપેલી છે. ૨૦૦૭-૧૨ના ગાળામાં તેમણે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ સેવા આપી હતી.
કોંગ્રેસે ભૂપેન્દ્રસિંહ અને કેસરીસિંહને મુદ્દે વાંધો લીધો, પણ ચૂંટણી પંચે ફગાવી દીધો
રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા મત આપી શકે નહિ તેવો વાંધો કોન્ગ્રેસે ઉઠાવ્યો હતો. આ જ રીતે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સ્ટ્રેચરમાં વોટ આપવા માટે આવ્યા તે મુદ્દે પણ કોન્ગ્રેસના ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. બંનેના મત અમાન્ય રાખવાની માગણી કરી હતી. તેથી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન સાંજે ચાર વાગ્યે પૂરું થયા બાદ રાત્રે સાડા નવ વાગ્યા સુધી મતગણતરી ચાલુ થઈ શકી નહોતી. જોકે કોન્ગ્રેસના ઉમેદવારાએ નોંધાવેલો વાંધો ટકે તેવો નહોતો. કારણે ક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામેના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધેલો છે. તેવી જ રીતે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વ્હિલચેરમાં મત આપવા આવ્યા હતા. તેમણે મત આપ્યો ત્યારે તેમની પાછળ એક માણસ ઊભો હતો તેથી તેમનો મત પણ ગેરકાયદે ઠેરવવાની માગણી કોન્ગ્રેસના ચૂંટણી લડતા ઉમેદવારોએ કરીહતી. ગુજરાતના રાજ્યસભાની ચૂંટણી માટેના ઓબ્ઝર્વર રાઘવેન્દ્ર ચંદ્રાને કોન્ગ્રેના ઉમેદવારો તરફથી ઊઠાવવામાં આવેલા વાંધા બહુ વજુદવાળા જણાયા નહોતા. તેમ છતાંય દિલ્હી ચૂંટણી કમિશનરની કચેરીને ફરિયાદની વિગતો મોકલી આપી તેમના નિર્ણયની રાહ જોવાનું પસંદ કર્યું હતું. આ અભિપ્રાય આવવામાં વિલંબ થયો હતો. તેથી મત ગણતરી અંદાજે સવા નવ વાગ્યે ચાલુ થઈ શકી હતી. અન્યથા સાંજે પાંચ વાગ્યે મતગણતરી ચાલુ થવાની હતી.