અડાલજ પાસે બાઈકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત
ગાંધીનગર, તા.16 જૂન 2020,મંગળવાર
ગાંધીનગર શહેર નજીક અડાલજ પાસે માતા સાથે મોપેેડ ઉપર કલોલથી અમદાવાદ જઈ રહેલા યુવાનના મોપેડને પાછળથી બાઈકે અડફેટે લીધું હતું અને અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી માતાને સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.
ગાંધીનગર આસપાસના હાઈવે માર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે ગત રવિવારે કલોલના જૈન દેરાસર પાસે શેઠવાસમાં રહેતો ર8 વર્ષીય યુવાન પ્રિયાંક પરાગભાઈ શેઠ તેની માતા નુતનબેનને લઈ તેના મોપેડ નં.જીજે-18-એએફ-5826 ઉપર અમદાવાદ ખરીદી કરવા માટે જઈ રહયો હતો.
બપોરના સમયે તેઓ અડાલજ નજીક પહોંચ્યા ત્યારે મોર્ડન ગોડાઉનના કટ પાસે પાછળથી એક બાઈકના ચાલકે તેનું બાઈક પ્રિયાંકના મોપેડ સાથે અથડાવી દીધું હતું અને તેનું મોપેડ 1પ ફુટ જેટલું ઘસડાયું હતું અને માતા-પુત્રને ઈજાઓ પહોંચી હતી.
નુતનબેનને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેમને તાત્કાલિક ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને જયાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ અકસ્માતની ઘટનાના પગલે પ્રિયાંક શેઠની ફરિયાદના આધારે અડાલજ પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.