Get The App

કરાઈ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર મહિલાનું મોત થયું

- નરોડાનો યુવાન મિત્ર અને તેની માતા બાઈક ઉપર બેસાડી મંદિરે દર્શન કરવા જતો હતો તે દરમ્યાન અકસ્માત સર્જાયો

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
કરાઈ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર મહિલાનું મોત થયું 1 - image

ગાંધીનગર, તા. 22 જૂન 2020, સોમવાર

ગાંધીનગર શહેર આસપાસના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે શહેર નજીક કરાઈ પાસે બાઈક ઉપર મિત્ર અને તેની માતાને બેસાડી મંદિરે જઈ રહેલા નરોડાના યુવાનના બાઈકને ટ્રકે અડફેટે લીધું હતું અને તેમાં ગંભીર રીતે ઘવાયેલા મિત્રની માતાનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

માર્ગો ઉપર હવે વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે ત્યારે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. અગાઉની જેમ જ હીટ એન્ડ રનની ઘટનાઓએ પણ માથું ઉંચકયું છે ત્યારે ગઈકાલે કરાઈ પાસે આવી જ એક ઘટનામાં મહિલાનું મોત નીપજયું હતું. ઘટનાની મળતી વિગતો પ્રમાણે અમદાવાદના નરોડા ખાતે ખોડીયારનગર વિભાગ-રમાં રહેતો યુવાન કલ્પેશ અમરસિંહ સોલંકી બાઈક લઈને જઈ રહયો હતો તે દરમ્યાન નરોડા પાસે તેનો મિત્ર પ્રભુ ઉર્ફે ચકો જયંતિભાઈ પરમાર તેમજ તેની માતા પ્રેમિલાબેન રોડ ઉપર ઉભા હતા. આ માતા પુત્રને કરાઈ ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી માતા-પુત્રને બાઈક ઉપર બેસાડયા હતા અને કરાઈ જવા નીકળ્યા હતા. 

દરમ્યાન કરાઈ નજીક પુરઝડપે આવી રહેલા આઈશર ટ્રકે કલ્પેશના બાઈકને અડફેટે લીધું હતું અને ત્રણેય જણા નીચે પટકાયા હતા. અકસ્માત સર્જી ટ્રક ફરાર થઈ ગયો હતો. જયારે પ્રભુ અને તેની માતા પ્રેમિલાબેનને ઈજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લઈ જવાયા હતા. જયાં સારવાર દરમ્યાન પ્રેમિલાબેનનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને પકડવા દોડધામ શરૂ કરી હતી.

Tags :