Get The App

લક્ષ્મીપુરામાં મીની વાવાઝોડુ ત્રાટ્કયુંઃમકાનોના પતરાં ઉડયા

- ચિલોડા પંથકના માધવગઢના પરા વિસ્તાર

- ગામમાં ઝાડની સાથે વીજ થાંભલા પણ તુટી પડતાં પુરવઠો ખોરવાયોઃવહીવટી તંત્રે નુકશાનીનો સર્વે કર્યો

Updated: Jun 17th, 2020

GS TEAM

Google News
Google News
લક્ષ્મીપુરામાં મીની વાવાઝોડુ ત્રાટ્કયુંઃમકાનોના પતરાં ઉડયા 1 - image


ગાંધીનગર, તા.16 જૂન 2020,મંગળવાર

ગાંધીનગર નજીક ચિલોડા પંથકમાં માધવગઢના લક્ષ્મીપુરામાં ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ઓચિંતુ વાવાઝોડું ત્રાટકયું હતું જેના પગલે ગામમાં મકાનોના પતરાં ઉડયા હતા અને ઝાડથી સાથે સાત જેટલા વીજપોલ પણ તુટી પડતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ગ્રામજનોના જીવ એક કલાક સુધી તાળવે ચોંટયા હતા. આજે સવારે વહીવટી તંત્રએ સ્થળ ઉપર પહોંચીને નુકશાનીનો સર્વે કર્યો હતો. તો વીજ થાંભલા નવા ઉભા કરવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી. 

આ વખતે ચોમાસું વહેલું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જો કે ગાંધીનગર તાલુકાના ચિલોડા પંથકના માધવગઢના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઓચિંતુ વાવાઝોડું ત્રાટકયું હતું. સાડા નવ વાગ્યાની આસપાસ ગ્રામજનો ઘરમાં હતા તે દરમ્યાન ભારે પવન બાદ મકાનોના પતરાં ઉડવાના શરૂ થયા હતા. 

પતરાં ઉડીને વીજ થાંભલા ઉપર ચોટયા હતા તો તબેલા ઉપર ઝાડ પડયા હતા અને સાત જેટલા વીજ થાંભલા પડી ગયા હતા. જેના પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી. એક કલાક સુધી આ વિસ્તારમાં વાવાઝોડાએ લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા.

ત્યારે દસેક જેટલા વૃક્ષોનો સોથ નીકળી ગયો હતો. એક મકાન ઉપર ઝાડ પડતાં તેને પણ નુકશાન થયું હતું. આજે સવારે પ્રાંત અધિકારી જે.એમ.ભોરણીયા અને ટીડીઓ જી.એ.ધાંધલિયા સહિત તંત્રની ટીમો ગામમાં પહોંચી હતી અને નુકશાનીનો સર્વે શરૂ કર્યો હતો. સાત જેટલા મકાનોને નુકશાન થયું હોવાનું ધ્યાને આવ્યું છે જયારે થાંભલા પડી જવાથી ગામમાં વીજ પુરવઠો પુર્વવત કરવા વીજ કંપનીને પણ જાણ કરી દેવામાં આવી છે. બે પશુઓને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 

Tags :