Get The App

મતદાન માટે મતદાર ફોટો ઓળખપત્ર સિવાય 11 દસ્તાવેજો માન્ય કરાયા

Updated: Mar 13th, 2019

GS TEAM

Google News
Google News
મતદાન માટે મતદાર ફોટો ઓળખપત્ર સિવાય 11 દસ્તાવેજો માન્ય કરાયા 1 - image



ગાંઘીનગર તા. 13 માર્ચ 2019, બુધવાર

ભારતના ચૂંટણીપંચના તા. 28.02.2019 ના હુકમથી લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 માટે મતદાન મથકે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી જાહેર કરી છે. આયોગે નિર્દેશ કર્યો છે કે જે મતદારોને મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે તેવા દરેક મતદારોએ મતદાન મથકે પોતાનો મત આપતા પહેલાં ઓળખ માટે આ મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવાનું રહેશે. જે મતદારો પોતાનું મતદાર ફોટો ઓળખકાર્ડ રજૂ કરી શકે તેમ ન હોય તેઓએ પોતાની ઓળખ માટે નીચેના દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજુ કરવાનો રહે છેઃ

જેમાં (૧) પાસપોર્ટ, (૨) ડ્રાઇવિંગ લાઇસન્સ, (૩) કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો, પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખકાર્ડ, (૪) બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, (૫) પાનકાર્ડ, (૬) એન.પી.આર. હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, (૭) નરેગા જોબકાર્ડ, (૮) શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ, (૯) ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, (૧૦) સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી અથવા વિધાનપરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો ઓળખ કાર્ડ,(૧૧) આધાર કાર્ડ નો સમાવેશ થાય છે. અગાઉના સમયમાં ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવતી ફોટો મતદાર કાપલી ઓળખના પુરાવા તરીકે માન્ય હતી.

પરંતુ હવે આયોગે નક્કી કર્યું છે કે હવે પછીથી ફોટો મતદાર કાપલીને મતદાન માટે ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. આથી, મતદારે મતદાન મથકે પોતાની ઓળખ સાબિત કરવા ઉકત પૈકી કોઈ એક પુરાવો અચૂક રજૂ કરવાનો રહેશે. જો કે, મતદાર જાગૃતિ માટે ચૂંટણી તંત્ર તરફથી મતદાર કાપલી મતદારોને વિતરણ કરાશે.

Tags :