Explainer: ઈલેક્ટ્રિક કારમાં ઉબકા આવવાની શક્યતા વધારે છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

The Science Behind EV Motion Sickness : હાલના સમયમાં ઈલેક્ટ્રિક વાહનો(EVs)નું વેચાણ સતત વધી રહ્યું છે. પર્યાવરણની જાળવણી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી રાહત મેળવવા લોકો ઝડપથી EV તરફ વળી રહ્યા છે. પરંતુ, પ્રદૂષણ અને અવાજ વિનાની આ કારની પાછળ એક છૂપી સમસ્યા પણ રહેલી છે—'મોશન સિકનેસ'(મુસાફરી દરમિયાન થતી અસ્વસ્થતા કે ઉબકા). અનેક લોકોની ફરિયાદ હોય છે કે પરંપરાગત કારની સરખામણીમાં EVમાં મુસાફરી કરતી વખતે તેમને વધુ ચક્કર કે ઉબકા આવે છે. ચાલો સમજીએ કે આધુનિક ટૅક્નોલૉજીથી સજ્જ આ કાર શા માટે આપણા મગજ અને શરીરને અસ્વસ્થ કરે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
ઈલેક્ટ્રિક વાહનોનો વધતો વ્યાપ
વિશ્વભરમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ રોકેટની ગતિએ વધી રહ્યું છે. આંકડા પર નજર કરીએ…
- 2023: વિશ્વમાં વેચાયેલી નવી કારોમાં EVનો હિસ્સો 18% હતો.
- 2024: આ પ્રમાણ વધીને 22% થયું.
- સપ્ટેમ્બર 2026 સુધી: આ આંકડો 24%થી 27% સુધી પહોંચી ગયો છે.
- વર્તમાન સ્થિતિ: હાલમાં વિશ્વભરમાં દર મહિને આશરે 18થી 20 લાખ EVનું વેચાણ થઈ રહ્યું છે.
EV અને મોશન સિકનેસની સમસ્યા
EVની વધતી સંખ્યા સાથે જ આ મુશ્કેલી પણ સામે આવી છે. BBCના એક રિપોર્ટ અનુસાર, ઘણા મુસાફરોએ(ખાસ કરીને પેસેન્જર કે પાછળ બેસનારાએ) નોંધ્યું છે કે EVમાં મુસાફરી કરતી વખતે તેમને વધુ ઉબકા આવે છે.
રસપ્રદ વાત એ છે કે, કાર ચલાવનાર વ્યક્તિને આ સમસ્યા બહુ નડતી નથી, કારણ કે તેમનું મગજ વાહનની ગતિ અને દિશાને પહેલેથી જ નિયંત્રિત કરતું હોય છે અને તેના માટે તૈયાર હોય છે.
તબીબી નિષ્ણાતો અને વિજ્ઞાનીઓનું શું કહેવું છે?
શિકાગોની નોર્થવેસ્ટર્ન મેડિસિનના ન્યુરોલોજિસ્ટ ડૉ. નિકોલસ હેક જણાવે છે કે, અન્ય વાહનોની સરખામણીએ EVમાં મોશન સિકનેસ થવાની શક્યતા વધુ રહે છે. જોકે, આ સમસ્યા દરેક વ્યક્તિને નથી નડતી; ઘણાં EV માલિકોને આવી કોઈ ફરિયાદ હોતી નથી.
ફ્રાન્સની 'યુનિવર્સિટી ઑફ ટૅક્નોલૉજી ઑફ બેલફોર્ટ-મોન્ટબેલીયાર્ડ'ના સંશોધક વિલિયમ એમોન્ડ સમજાવે છે કે આનું મુખ્ય કારણ ‘અગાઉના અનુભવનો અભાવ’ છે. આપણું મગજ વર્ષોથી પેટ્રોલ કે ડીઝલ કારના અવાજ (એન્જિનનો અવાજ, ગિયર બદલાવાનો અવાજ, કંપન વગેરે) સાંભળવા ટેવાયેલું છે. આ અવાજો મગજને આગોતરી ચેતવણી આપે છે કે કાર હવે ઝડપ પકડશે કે ધીમી પડશે.
પરંતુ EVની મોટર સાવ અવાજ વિનાની (સાયલન્ટ) હોય છે. જ્યારે કોઈ પણ અવાજ વિના અચાનક કારની ગતિ બદલાય છે, ત્યારે મગજ માટે તે એક આંચકા સમાન બની જાય છે, જેના લીધે મોશન સિકનેસ અનુભવાય છે. વર્ષ 2020માં 'સાયન્સ ડાયરેક્ટ'માં પ્રકાશિત અભ્યાસો પણ દર્શાવે છે કે EVમાં એન્જિનના સંકેતોનો અભાવ અને સીટમાં થતી ખાસ પ્રકારની ધ્રુજારી મોશન સિકનેસનું મુખ્ય કારણ છે.
સામાન્ય કાર કરતાં EV કેવી રીતે અલગ પડે છે?
- ઇન્સ્ટન્ટ એક્સિલરેશન (Instant Acceleration): સામાન્ય કારમાં ગિયર બદલાયા પછી કાર ઝડપ પકડે છે, જ્યારે EVમાં ઈલેક્ટ્રિક મોટર સીધી જ વ્હીલ્સને પાવર આપે છે. આથી કાર અચાનક અને ખૂબ જ ઝડપથી વેગ પકડે છે, જે શરીરને આંચકો આપે છે.
- રિજનરેટિવ બ્રેકિંગ (Regenerative Braking): EVની બેટરી ચાર્જ જાળવી રાખવા માટે આ સિસ્ટમ હોય છે. ડ્રાઇવર એક્સિલરેટર પરથી પગ હટાવે કે તરત જ કાર મોટરની મદદથી ધીમી પડી જાય છે. આનાથી એવા લો-ફ્રીક્વન્સી (ઓછી આવર્તનવાળા) બળો ઉત્પન્ન થાય છે, જેનાથી આપણું શરીર ટેવાયેલું નથી હોતું.
- સંકેતોનો અભાવ (Lack of Sensory Cues): પરંપરાગત કારમાં ગિયર બદલવાનો અવાજ કે એક્ઝોસ્ટનું કંપન મગજને ગતિના ફેરફાર માટે તૈયાર કરે છે. EVની શાંત કેબિનમાં મગજને આવા કોઈ આગોતરા સંકેત મળતા નથી.
EVમાં મોશન સિકનેસથી બચવાના સરળ ઉપાય
ઝીરો એમિસન એટલે કે બિલકુલ વાયુ પ્રદૂષણ નહીં ફેલવતા ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધી રહ્યો હોવાથી હવે તેમાં મુસાફરી ટાળવી શક્ય નથી. પરંતુ નીચેની ટિપ્સ અપનાવીને ઉબકાથી રાહત મેળવી શકાય છે. જેમ કે…
- આગળની સીટ પસંદ કરો: શક્ય હોય તો હંમેશા ડ્રાઇવરની બાજુની સીટ પર જ બેસવાનો આગ્રહ રાખો.
- નજર બહાર રાખો: જો પાછળની સીટ પર બેઠા હોવ તો આગળ અથવા રસ્તાની બહાર જોતાં રહો.
- સ્ક્રીનનો ઉપયોગ ટાળો: મુસાફરી દરમિયાન મોબાઇલ કે ટેબ્લેટમાં જોવું અથવા માથું નીચે રાખીને વાંચવાનું સંપૂર્ણપણે ટાળો.
- માથું સ્થિર રાખો: તમારા માથાને સીટના હેડરેસ્ટ (Headrest) સાથે ટેકવીને શક્ય તેટલું સ્થિર રાખો.
- સીટ થોડી નમાવો: તમારી સીટને થોડી પાછળની તરફ રિક્લાઇન (Recline) કરો જેથી શરીર આરામદાયક સ્થિતિમાં રહે.
- તાજી હવા લો: કારમાં તાજી હવા આવવા માટે બારી થોડી ખુલ્લી રાખો.




