કોરોના જ નહીં, વિશ્વના કોઇ પણ દુ:સાધ્ય પડકારને જીતવા માટે પાયાની જરૂરિયાત છે- શિસ્ત....!
ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
- કોરોનાનો ચેપ પ્રસરવા અને કેસ વધવા પાછળ આપણે સૌ જવાબદાર છીએ

દેશના કોઇ પણ મોટા શહેરના બસ સ્ટોપ પર જઇને દસ મિનિટ ઊભા રહીને ચૂપચાપ નિરીક્ષણ કરજો. લોકો આમ તો કતારમાં ઊભેલા દેખાશે. બસ આવે કે તરત એ કતાર એક નિરકુશ ટોળામાં ફેરવાઇ જશે અને દરેક જણ કતારમાં પહેલો ક્રમ પોતાનો હોય એવા હક્કથી બસમાં ઘુસવા ધક્કામુક્કી કરી મૂકશે. આવી ટોળાશાહીનો લાભ ખિસ્સાકાતરુ સહેલાઇથી લઇ શકે.
વેપારી કે ઉદ્યોગપતિ હો અને અવારનવાર વિમાનયાત્રા કરતાં હો તો તમે અનાયાસે નોંધ્યું હશે. એરપોર્ટ પર વિમાન ઊભું રહે એ સાથે બધા બેઠક પરથી ઊભા થઇ પોતાનું પાકિટ લઇને દરવાજા તરફ દોટ મૂકશે જાણે મુંબઇની ઉપનગરીય લોકલ ટ્રેનની જેમ વિમાન દોઢ બે મિનિટમાં ફરી ઉડ્ડયન શરૂ કરી દેવાનું હોય ! લગભગ એવું જ દ્રશ્ય સિનેમા કે ડ્રામા થિયેટરમાં જોવા મળે. સ્ક્રીન પર ક્રેડિટ ટાઇટલ્સ આવે એટલે બધાંને બહાર નીકળવાની ઉતાવળ આવી જાય.
આવાં દ્રશ્યો યાદ આવવાનું કારણ હાલની મહામારી કોરોના છે. છેલ્લાં પચાસ પંચોતેર વર્ષમાં આ રીતે સતત બે અઢી મહિના ઘરમાં પૂરાઇ રહેવાની ફરજ કદી પડી નહોતી.
મને-કમને આ રીતે લોકડાઉન સહન કર્યા પછી ઓચિંતી ફરી આપણે દોટ મૂકી. શરૂઆતમાં કેસ ઓછા હતા ત્યારે આપણે સૌ ઘરની ચાર દિવાલો વચ્ચે પૂરાયેલા હતા. લોકડાઉન ખુલ્યું એ સાથે જે રીતે ભણેલા-અભણ અને નાના-મોટા સૌએ બહાર નીકળીને દોટ મૂકી એ સાથે કોરોનાના કેસ વધવા માંડયા. ખાસ કરીને દેશની આથક રાજધાની સમા મહાનગર મુંબઇ અને ગુજરાતમાં પરીકથાની રાજકુંવરીની જેમ કોરોનાના કેસ ધડાધડ વધવા માંડયા.
જે તે વિસ્તારની મ્યુનિસિપાલિટી કે સરકારી તંત્રની ટીકા કરવાની ટેવ ધરાવતાં પરિબળો રાજાપાઠમાં આવી ગયા- જોયું, અમે નહોતા કહેતા કે આવું થશે ! કડવી લાગે એવી વાસ્તવિકતા એ છે કે કોરોનાનો ચેપ પ્રસરવા અને કેસ વધવા પાછળ આપણે સૌ જવાબદાર છીએ. મોલની બહાર, વેજિટેબલ માર્કેટની બહાર કે રેલવે સ્ટેશન પર આપણે સોશ્યલ ડિસ્ટન્સીંગ ચૂકી ગયા, મોઢે માસ્ક પહેરવાનું ચૂકી ગયા, સ્વચ્છતાના પ્રાથમિક પાઠ ભૂલી ગયા.... છપ્પનિયા દુકાળમાંથી આવ્યા હોઇએ એમ બજારો પર તૂટી પડયા.તે
રખે ને કદાચ લોકડાઉન ફરી આવી પડે તો, એવા વિચારે આડેધડ ખરીદી કરવાની લાહ્યમાં લોકડાઉન વખતે પાળેલું શિસ્ત વિસરી ગયા. પરિણામ ? શેરબજારની જેમ કોરોનાના કેસમાં આવ્યો ઊછાળો. સતત નેગેટિવ વિચારતા કેટલાક દોઢડાહ્યા જણે વ્હોટ્સ એપ પર એવી આગાહીઓ વહેતી મૂકી કે જૂનની આખર સુધીમાં તો રોજના પંદર હજાર નવા કેસ જોવા મળશે. કદાચ આવું બનેય ખરું. એને માટે આપણે સૌ પૂરેપૂરા જવાબદાર છીએ. નિષ્ણાત ડોક્ટરોએ સતત આપેલી અગમચેતી આપણે જાણ્યે અજાણ્યે વિસારે પાડી દીધી એટલે કેસ વધે છે.
પોતાને સેક્યુલર ગણનારા લોકોએ હરખવા જેવું છે. કોરોના દરેક કોમ ધર્મ કે જાતિના લોકોમાં એકસરખો પ્રસરી રહ્યો છે. ખાસ કરીને મુંબઇ-ગુજરાતની ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો એનો મોટે પાયે શિકાર થઇ રહ્યા છે. લઘુમતી વિસ્તારના એક જૈફે ટીવી ચેનલને કહેલું કે અહીં એક ઝોંપડામાં આઠથી દસ જણ રહેતા હોય ત્યાં ડિસ્ટન્સ કેવી રીતે રાખીએ ? ચોતરફ ગંદકી, ગીચતા અને સંકડાશ વચ્ચે અમે જીવીએ છીએ... ડોક્ટરોની સલાહ મુજબ જીવવા માટે અમારી પાસે કોઇ ઉપાય નથી...
વાસ્તવિકતા એ છે કે સારી ગણાતી સોસાયટીમાં રહેતા લોકો પણ સ્વયંશિસ્ત પાળતા નથી તો સ્લમના રહેવાસીઓ પાસે શી અપેક્ષા રાખવી ? હજુય સમય છે હાથમાં. હજુય થોડી સાવધાની વરતીએ તો બાજી હાથમાંથી સરકી નહીં જાય. જરૂર છે જાગવાની, શિસ્ત પાળવાની.

