For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'સૂર શબ્દનું સરનામુ'- ચાર વર્ષની તપસ્યાનું એક સૂરીલું સર્જન

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

Updated: Sep 17th, 2018

Article Content Imageજગવિખ્યાત અમેરિકી હાસ્યકાર માર્ક ટ્વેઇનનું એક વાક્ય સનાતન સત્ય જેવું ગણાતું થઇ ગયું છે- ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન (કાલ્પનિક કથા કરતાં ઘણીવાર સત્ય વધુ વિસ્મયજનક હોય છે). થોડા મહિના પહેલાં બોલિવૂડના ગીતકાર સમીર અંજાને ગિન્નેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડસ્માં એન્ટ્રી મેળવી કે આ ફિલ્મ ગીતકારે સૌથી વધુ (ત્રણ હજાર) ગીતો રચ્યાં છે.

આ લેખકને ત્યારે  થોડી નવાઇ લાગી હતી. કારણ ? માત્ર ત્રણ હજાર ગીતો વિશ્વ વિક્રમ ગણાય તો દસ હજાર ગીતો રચનારાને કેવી રીતે બિરદાવશો ? વાત માંડીને કરીએ. દુનિયાના કોઇ પણ ખૂણે વસતા ગુજરાતી તહેવાર ઊજવે ત્યારે અચૂક 'કે રંગલો જામ્યો કાલિંદીને ઘાટ છોગાળા તારા...' અથવા તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે...' કે પછી 'રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે...' ગીતો સાંભળવા મળે.

આ ગીતોના રચનારા ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસે દસ હજાર ગીતો રચેલાં. છતાં કદી વિશ્વવિક્રમ કર્યાનો દાવો કર્યો નહોતો. એમના કેટલાંક ગીતો તો અજોડ કહેવાય એવાં છે. દાખલા તરીકે આશા ભોંસલેને ખૂબ ગમતું ગીત 'માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો...'

અગાઉ પાંચ પાંચ વર્ષના એકધારા પુરુષાર્થ પછી પ્લેબેક સિંગર મુહમ્મદ રફીની અદ્ભુત દસ્તાવેજી ફિલ્મ દાસ્તાન-એ-રફી બનાવનારા રજની આચાર્ય અને વિનય પટેલે હવે અવિનાશ વ્યાસની લાઇફોગ્રાફી ફિલ્મ રજૂ કરી છે- 'શબ્દ સૂરનું સરનામું.' ૧૯૮૪ના ઑગષ્ટની ૨૦મીએ ચિરવિદાય લઇ ચૂકેલા આ અનોખા ગીતકાર સંગીતકારની વિશ્વસનીય માહિતી મેળવવા માટે આ સર્જકોએ અગાઉની જેમ જ પગે પરસેવો ઊતાર્યો છે.

રંગભૂમિ, નૃત્ય નાટિકા, ફિલ્મો, ગાયન-વાદન, સમીક્ષા અને આસ્વાદક તરીકે સંખ્યાબંધ લોકોની મુલાકાતો લેવી પડી છે. અનેકેાને આ પ્રોજેક્ટમાં સમાવી લેવાયા છે. અમદાવાદના એેમના નિવાસસ્થાન ગોટીની પોળથી શરૂ કરેલી આ ફિલ્મ યાત્રા ઘણા વિશાળ પટ પર વિસ્તરી છે.

આટલા બધા કલાકાર કસબીઓના સમય મેળવવા, એમને પોતાનો દ્રષ્ટિકોણ ગળે ઊતારવો અને અવિનાશભાઇ માટે તટસ્થ અભિપ્રાય મેળવવો એ ખરેખર કપરું કાર્ય ગણાય. સર્વશ્રી આશા ભોંસલે, અવિનાશભાઇના માનસ પુત્ર સમાન ગાયક સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, ફિલ્મ સર્જક નિરંજન મહેતા, બેસ્ટ સિંગરના અડધો ડઝન એવોર્ડ મેળવનારા ગાયક પ્રફુલ દવે, ગાયક સંગીતકાર આશિત દવે, અભિનય સમ્રાટ ગણાયેલા સદ્ગત ઉપેન્દ્ર ત્રિવેદી, ભાગવતકાર રમેશ ઓઝા, રામાયણી મોરારીબાપુ... યાદી ઘણી લાંબી થઇ જાય. આ દરેકે કેટલાંક ગીતોની રચના વિશેના પોતાના સંભારણાં રજૂ કર્યાં છે.

દાખલા તરીકે અવિનાશભાઇ એક માત્ર એવા ગીતકાર સંગીતકાર હતા જેમણે મુંબઇ સહિત ગુજરાતનાં મોટા ભાગનાં શહેરો વિશે ગીતો રચ્યાં અને એ બધાં ગીતો હિટ નીવડયાં. આ મુંબઇ છે, અમે અમદાવાદી કે રાજકોટ રંગીલું શહેર છે... સાવ સરળ અને લોકભોગ્ય બોલીમાં આ ગીતોએ લોકહૃદયમાં અનેરું સ્થાન મેળવ્યું.

પુરુષોત્તમે એક હળવી વાત કરી, 'એકવાર કોઇએ વાતવાતમાં કહ્યું કે શું વાત કરો છો ? પીધો નથી ને ?' બોલનાર માટે એવો સૂચિતાર્થ હતો કે દારુ-બારુ પીધો છે કે શું ? તો અવિનાશભાઇએ એના પરથી પણ ગીત રચી નાખ્યું..કે શબ્દ રસ અને સ્વર રસ પીધો છે...' માત્ર ગીતકાર કે સંગીતકાર તરીકે નહીં, માનવી તરીકે અવિનાશભાઇ કેવા હતા એની વાત કરતાં ગુજરાતી ફિલ્મોના સિનિયર ગીતકાર કેશવ રાઠોડે પોતાનો અનુભવ વર્ણવ્યો-'એક ફિલ્મનાં ગીતો હું લખતો હતો.

મારા પરિવારમાં એક નિધન થતાં મારે ત્યાં દોડવું પડયું. ફિલ્મનું એક ગીત અવિનાશભાઇએ રચીને રેકોર્ડ કરાવી લીધું. મહેનતાણાની વાત આવી ત્યારે એમણે પ્રોડયુસરને કહી દીધું કે કેશવ રાઠોડ આ ફિલ્મના ગીતકાર છે. મહેનતાણું એમને આપી દો...'

સૌથી રસપ્રદ વાત તો એ છે કે અવિનાશભાઇએ માનવ જીવન સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પ્રસંગો વિશે ગીતો રચ્યાં. એમાં ભજનો, લગ્નગીતો, રાસ-ગરબા, મૈત્રી, ફિલસૂફી અને અધ્યાત્મ, પ્રકૃતિ વર્ણન, કૌટુંબિક સંબંધો, રોમાન્ટિક ગીતો, પ્રાસંગિક રચનાઓ વગેરે વિષયોને આવરી લેતાં ગીતો રચ્યાં.

માત્ર ગીતો રચ્યાં એમ નહીં પણ દરેક ગીતને અનુરૂપ છતાં સાવ સરળ સૂરાવલિઓ બાંધી અને  ગુજરાતને ગાતું કર્યું. એમનાં કેટલાંય ગીતો પરથી હિન્દી ફિલ્મોમાં બેઠ્ઠી ઊઠાંતરી થઇ. પરંતુ અવિનાશભાઇએ ઉદારતા દાખવીને એમ થવા દીધું. આવી ફિલ્મ બનાવવાનું જોખમ ઊઠાવવા માટે સર્જકોને હાર્દિક અભિનંદન. 

Gujarat