Get The App

મનોમન ગૂંગળાવા કરતાં હૈયાની વાત દોસ્તને કહી દેવાથી ઘણી રાહત થાય...

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
મનોમન ગૂંગળાવા કરતાં હૈયાની વાત દોસ્તને કહી દેવાથી ઘણી રાહત થાય... 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- આધુનિક તબીબી વિજ્ઞાન કહે છે કે પચાસ ટકાથી વધુ બીમારી સાઇકોસોમેટિક છે. વિચારોને મને-કમને દબાવી રાખવા. હાઇપરટેન્શન, હાઇ બ્લડ પ્રેશર વગેરે તકલીફોના મૂળમાં આ કારણ છે

તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ઘરમાં યા ઑફિસમાં મારી વાત કોઇ સાંભળતું નથી? વડીલોના કે બોસ પરના ગુસ્સાને દબાવી દેવાનાં નિમિત્ત ક્યારેય અનુભવ્યાં છે? તમારી ભૂલ ન હોય છતાં તમને ઠપકો મળે ત્યારે મૂગા મૂગા સહી લેવું પડે છે? આધુનિક તબીબી વિજ્ઞાન કહે છે કે પચાસ ટકાથી વધુ બીમારી સાઇકોસોમેટિક છે. વિચારોને મને-કમને દબાવી રાખવા. હાઇપરટેન્શન, હાઇ બ્લડ પ્રેશર વગેરે તકલીફોના મૂળમાં આ કારણ છે. પૂર્વજો જુદી રીતે આ વાત કહી ગયા છે કાણાને કાણો નવ કહીએ, કડવું લાગે વેણ, ધીમે રહીને પૂછીએ તેં શેં ખોયાં આ નેણ? 

આજના ઇન્ટરનેટના જમાનામાં આંગળીના વેઢે દુનિયાભરની વાતો ઉપલબ્ધ હોય ત્યારે સંતાનને લાગે કે માબાપ કંઇ જાણતા નથી અને માબાપને લાગે કે આ પેઢીના બાળકો ઉદ્ધત થતાં જાય છે. વાસ્તવમાં ઘડિયાળને કાંટે દોડાદોડને કારણે કોઇને એકબીજા સાથે બેસીને શાંતિથી વાત કરવાનો સમય નથી હોતો. પરિણામે વિના કારણે ટેન્શન વધતું રહે છે.

પચાસ પંચાવન વર્ષથી વધુ વયના હો તો યાદ કરજો. થોડાં વરસ પહેલાં તમે ફેમિલી ફિઝિશિયન પાસે જાઓ ત્યારે એવી કુનેહથી ડૉક્ટર તમને બોલતા કરી દેતા કે હૈયાવરાળ આપોઆપ ઓછી થઇ જાય. આજે પરિસ્થિતિ જુદી છે. ડૉક્ટર પાસે જાઓ. તમને પૂછે, શું થાય છે? તમે એકાદ બે વાક્ય બોલો ત્યાં લેટરહેડ પર દવા લખી આપે. બસ, વાત પૂરી. ડૉક્ટર પાસે પેશન્ટ જોડે નિરાંતે વાત કરવાનો પણ સમય નથી. પેશન્ટની તકલીફ પૂરેપૂરી દૂર થતી નથી. એકાદ સારો દોસ્ત પણ આવી બાબતમાં તમારો રાહબર બની શકે. તમારા હૈયાનો ભાર હળવો કરી શકે. સારો મિત્ર ભાગ્યવાનને જ મળે છે એવું કોઇએ કહ્યું છે. અર્જુનના હૈયામાં રહેલી અવઢવને એના મિત્ર (અને સાળા) ભગવાન કૃષ્ણે ગીતાજ્ઞાન દ્વારા દૂર કરી હતી એ યાદ રહે. 

જોકે ક્યારેક કોઇ ભેજાબાજ વ્યક્તિ આવી પરિસ્થિતિનો લાભ લઇ શકે. એક સાચો બનાવ કહું. ગયા વીક એન્ડના રવિવારે મુંબઇના જુહુ બીચ પર આવો જ એક  ભેજાબાજ જોવા મળ્યાનું સોશિયલ મિડિયા પર વાઇરલ થયેલું. આ આદમી હાથે ચીતરેલું એક પાટિયું લઇને બેઠેલો. આ પાટિયા પર એવી મતલબનું કંઇક લખેલું હતું કે તમારી વાત કોઇ સાંભળતું નથી? તમારા મનમાં કોઇ વાતે દુઃખ છે? તો આવો મારી પાસે. હું તમારો હૈયાબળાપો સાંભળવા જ અહીં બેઠો છું. સાવ નાનકડી બાબત હશે તો હું તમારી વાત સાંભળવાના અઢીસો રૂપિયા લઇશ. કોઇ મોટ્ટી અને ગંભીર બાબત હશે તો મારો ચાર્જ એક હજાર રૂપિયા રહેશે. લો બોલો, તમારી વાત સંભળાવવી હોય તો ફી ચૂકવવાની તૈયારી રાખો.

છે ને ચબરાક આઇડિયા? અનુભવી લોકો કહે છે કે મહાનગર મુંબઇમાં રોટલો સહેલાઇથી મળે, ઓટલો ન મળે. આકર્ષક પેકિંગમાં ધૂળ ભરીને આ અવ્વલ દરજ્જાનો ટૂથ પાઉડર છે એવો પ્રચાર કરો તો સાંજ પડયે પોણો સો, સો રૂપિયા સહેલાઇથી કમાઇ શકો. મહેનત કરવાની તૈયારી રાખવી પડે. મૂળ વાત તમારા મનનો બોજ હલકો કરવાની હતી. મનોચિકિત્સકો કહે છે કે ડાયરી લખવાની ટેવ પાડો. ઘણો ફેર પડી જશે. જો કે એ ડાયરી કોઇના હાથમાં ન જાય એની કાળજી રાખવી જરૂરી છે. ડાયરી તમારો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર બની શકે. ઘણા વિશ્વવિખ્યાત સાહિત્યકારોની ડાયરી પુસ્તક રૂપે પ્રગટ થઇ છે અને બેસ્ટ સેલર નીવડી છે.

ઓશો પાસે પહેલીવાર જનારાને કહેતા, નાચો, ગાઓ, મન થાય તો ઝાડ પર ચડી જાઓ, કોઇને ગાળો આપવી હોય તો આપી દો... આવું કરાવવા  પાછળ મનના કોઇ ખૂણે ભરાઇ બેઠેલી નારાજી કે અસંતોષ બહાર આવી જાય. ઓશો કહેતા કે એકવાર મનનો ભાર હલકો થઇ જાય પછી ધ્યાનમાં ઊતરવાનું સહેલું થઇ પડે.