For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાષ્ટ્રપિતાની પુ્ણ્યતિથિએ મતદાર જરા તું સોચ, વિરાટ બની રહી છે પાટલીબદલુની ફોજ

Updated: Jan 30th, 2024

Article Content Image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- કોઇ વિચાર, કોઇ સિદ્ધાંત, કોઇ વિશુદ્ધ આચરણ વિના માત્ર અને માત્ર સત્તાલોભને કારણે પવન જોઇને પલટી મારતા ધારાસભ્યો કે સંસદસભ્યો પર મતદારોએ કેટલો ભરોસો રાખવો અને શા માટે રાખવો? 

આજે ત્રીસમી જાન્યુઆરી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુની પુણ્યતિથિ. આજે બાપુ હોત તો કેવા મણમણના નિસાસા નાખતા હોત એની કલ્પના કરવી મુશ્કેલ છે. સત્તા કાજે કેવા કેવા ખેલ ખેલાઇ રહ્યા છે. આ લખાઇ રહ્યું હતું ત્યારે સત્તાની મધલાળ જોઇને છાશવારે પાટલી બદલવા માટે પંકાયેલા બિહારના નીતિશકુમાર ગમે તે ઘડીએ શાસક ભાજપ પક્ષ સાથે નાતરું કરવાની તૈયારીમાં હતા. એવરીથીંગ ઇઝ ફેર ઇન ઇન્ડિયન પોલિટિક્સ... નીતિશકુમારની રાજકીય કારકિર્દી પર ઉડતી નજર નાખીએ તો તરત સમજાઇ જાય કે આ માણસ જલ બિન મછલીની જેમ સત્તા માટે કેવો તરફડતો હોય છે. છેલ્લાં પંદર સત્તર વરસમાં એણે કેટલી વાર સર્કસના ખેલાડીની જેમ ગુલાંટો મારી. સતત કાવાદાવા ને કપટકલા! 

જોકે અત્યારે તીક્ષ્ણ બાજનજર શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પક્ષ પર ઠેરવવી જરૂરી છે. આપણા માનનીય વડાપ્રધાને એક કરતાં વધુ વખત એવુ્ં જાહેરમાં કહ્યું છે કે હું કોંગ્રેસવિહોણું ભારત બનાવીને રહીશ. પોતે આપેલા વચનનું પાલન કરવા માટે નરેન્દ્ર મોદી જાણીતા છે. તેમની ગેરંટી અફર હોય છે એવી દ્રઢ માન્યતા છે. તો પછી જે કંઇ બની રહ્યું છે એનાંલેખાંજોખાં કરવા જરૂરી બની જાય છે.

હિમાલય પરથી ધસમસતી આવતી ગંગોત્રી ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં આવે ત્યારે પતિતપાવની મટીને ગંધાતી ગટરગામિની બની જાય  છે. કંઇક એવુંજ અત્યારે ભાજપના કમળનું થઇ રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ લગભગ રોજ કોંગ્રેસને ભ્રષ્ટાચારની ગંગોત્રી કહેતા રહ્યા છે. બીજી બાજુ લગભગ રોજ એકાદ બે કોંગ્રેસી નેતા ભાજપનો ખેસ પહેરીને મીડિયા સમક્ષ ફોટા પડાવતા ઊભા હોય છે. વરસો સુધી કોંગ્રેસમાં રહ્યા પછી અત્યારે કોંગ્રેસ વેન્ટિલેટર પર છે ત્યારે ઠેકડો મારીને શાસક પક્ષમાં કૂદી પડતા આ નેતાઓની વફાદારીની વ્યાખ્યા શી છે, વારુ? ભાજપમાં આવીને આ લોકો ભ્રષ્ટાચાર નહીં આચરે એની શી ગેરંટી? કોઇ રાજકીય પક્ષ રહે કે ન રહે એ મહત્ત્વનું નથી, પણ આપણે સતત જેને ભ્રષ્ટાચારના અસુરનું જન્મસ્થાન કહેતા હોઇએ એ જ પક્ષના છાપેલા કાટલાં જેવા નેતાઓને પાણી છાંટીને પવિત્ર કરવા જેવો આ ખેલ ખરેખર વરવો છે. તો પછી ભાજપનું કમળ ચોતરફ કાદવથી ખરડાયેલું રહેવાનું એમ માનવું રહ્યું ને?

અંગ્રેજો ગયા ત્યારે આપણે બ્રિટિશ પદ્ધતિની સંસદીય લોકશાહી શાસન પદ્ધતિ સ્વીકારી. હજુ તો ચાર-પાંચ દિવસ ને પહેલાં પ્રજાસત્તાક દિન ઊજવ્યો. ક્યાં છે પ્રજાસત્તાક? કોઇ વિચાર, કોઇ સિદ્ધાંત, કોઇ વિશુદ્ધ આચરણ વિના માત્ર અને માત્ર સત્તાલોભને કારણે પવન જોઇને પલટી મારતા ધારાસભ્યો કે સંસદસભ્યો પર મતદારોએ કેટલો ભરોસો રાખવો અને શા માટે રાખવો? આ તો માત્ર નામ અને પહેરવેશ બદલાય છે, કોંગ્રેસીઓ કે (નીતિશકુમારને સાથે ગણીએ તો) જદયુઓ મટીને પાટલીબદલુઓ ભાજપી થાય છે. આ પરિવર્તન માત્ર બાહ્ય છે, ભીતર તો એવા ને એવા! 

આ કંઇ કોંગ્રેસમુક્ત ભારત નથી, આ તો વેશપલટાથી સર્જાઇ રહેલું ભારત છે. કાયાપલટ નથી, માયાપલટ છે. છેક ૧૯૮૦થી આવાં નાટક ભજવાતાં રહ્યાં છે. કટોકટી પછી ૧૯૭૭માં પહેલી બિનકોંગ્રેસી સરકાર રચાઇ. મોરારજી દેસાઇની એ સરકારને ગબડાવીને ચરણસિંઘ વડાપ્રધાન બન્યા. હજુ વડાપ્રધાનની ખુરસી પર સરખા બેસે ત્યાં ઇંદિરાજીએ એમને ધોબીપછાડ આપી. ચરણસિંહ ધરાશાયી થયા. ફરી ચૂંટણી થઇ. એમાં ઇંદિરાજી પાછાં સત્તા પર આવ્યાં. એ સમયે લાગ જોઇને હરિયાણાના ભજનલાલે પોતાની આખેઆખી સરકાર સાથે ગુલાંટ મારી. જનતા પક્ષ છોડીને ઇંદિરાજીનો કોંગ્રેસી પાલવ પકડયો. ત્યારથી આજ સુધી આયારામ ગયારામની ગંદી ચોપાટ રમાઇ રહી છે. હવે ભાજપ એ ચોપાટની રમતમાં માસ્ટરી મેળવી રહ્યો છે. આગે આગે દેખિયે, હોતા હૈ ક્યા...! 

Gujarat