Get The App

બાંગ્લાદેશમાં ઇતિહાસનું પુનરાવર્તન

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં ઇતિહાસનું પુનરાવર્તન 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાએ માથું ઊંચક્યું છે. લઘુમતી હિન્દુ, ખાસ કરીને બંગાળી પરિવારો પર દમન થઇ રહ્યું છે. ઇશનિંદાના નામે ફરી એકવાર હિન્દુ યુવાનોની ક્રૂર હત્યાઓ થવા લાગી છે. ખરું પૂછો તો એક  ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું જણાય છે. રક્તપાત અને લઘુમતી પ્રજા પર સતત અત્યાચાર થઇ રહ્યા છે. યાદ કરવા જેવું છે.

૧૯૬૦ના ઉત્તરાર્ધમાં ત્યારના પૂર્વ પાકિસ્તાનમાં આવી જ પરિસ્થિતિ સર્જાઇ હતી. પાકિસ્તાની લશ્કરે તેના એ સમયના વડા જનરલ યાહ્યા ખાનના ઇશારે લોહીની નદીઓ વહેવડાવી હતી. સેંકડો બંગાળી મહિલાઓ પર સામૂહિક બળાત્કાર થયા હતા. સંખ્યાબંધ ધાર્મિક સ્થળો પર હુમલા કરાયા હતા. લઘુમતી (હિન્દુઓ એમ વાંચો) પ્રજાની માલમિલકતની ખુલ્લી લૂંટ ચલાવાઇ હતી. બેફામ હત્યાઓ કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં લશ્કર દ્વારા પ્રજા પર અત્યાચાર કરાય એની કોઇ નવાઇ નથી. આપણી સાથે ૧૯૪૭માં પાકિસ્તાન આઝાદ થયું એના પહેલા જ દાયકામાં ત્યાં લોકશાહીની હત્યા થઇ ચૂકી હતી. લશ્કરી વડા અય્યુબ ખાન પ્રમુખ થઇ બેઠા હતા. નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાયા હતા. એ પછી તો નિયમિત રીતે લશ્કરી શાસન તોળાતું રહ્યું. સાથોસાથ લોકશાહીનું નાટક ભજવાતું રહ્યું. લગભગ દર પાંચ સાત વરસે લશ્કર બળવો કરીને સત્તા છીનવી લેતું રહ્યું. છડેચોક લોકશાહીની હત્યા થતી રહી. સત્તા માટે પોલિટિશિયનો  (પ્રથમ વડા પ્રધાન લિયાકતઅલી ખાનથી માંડીને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને બેનઝીર ભુટ્ટો તથા ખુદ લશ્કરી પ્રમુખ જનરલ ઝીયા જેવા)ની હત્યા થતી રહી.

૧૯૬૦ના ઉત્તરાર્ધમાં પૂર્વ પાકિસ્તાનમાં લશ્કરનો અત્યાચાર વધ્યો ત્યારે શેખ મુજીબુર રહેમાન અને અન્ય બંગાળી નેતાઓની આગેવાની હેઠળ મુક્તિવાહિની નામે યુવા સંસ્થાએ લશ્કરનો સામનો કરવા માંડયો. ભારતની સહાયથી પૂર્વ પાકિસ્તાન છૂટું પડયું અને બાંગ્લાદેશનો જન્મ થયો. આ બધી ગઇ કાલની વાત છે. બાંગ્લાદેશ જન્મ્યાના માત્ર ચાર સાડાચાર વર્ષમાં બાંગ્લાદેશમાં રક્તપાત થયો. ૧૯૭૫ના ઓગષ્ટની ૧૫મીએ બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને તેમના આખા પરિવારની હત્યા થઇ. ઇતિહાસના અભ્યાસીઓ તો એ સમયે જ સમજી ગયેલા કે હવે બાંગ્લાદેશમાં પણ પાકિસ્તાન જેવું જ થવાનું છે. અવારનવાર ત્યાં પણ લશ્કર સત્તા કબજે કરતું રહ્યું. લોકશાહીનું નાટક ભજવાતું રહ્યું. ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં જે પૂર્વ પાકિસ્તાનમાં બનેલું એનું પુનરાવર્તન અત્યારે બાંગ્લાદેશમાં થઇ રહ્યું છે. બાંગ્લાદેશ તો માત્ર સગવડિયું નામ છે. મૂળ તો આ પૂર્વ પાકિસ્તાન જ છે. અહીં પણ હિન્દુઓ લઘુમતીમાં છે. બાંગ્લાદેશના લશ્કરે જે મુહમ્મદ યુનુસને સત્તા સોંપી છે એ તો કઠપૂતળી છે. બહુમતી કટ્ટરવાદીઓ પાસે એનું કંઇ ચાલતું નથી. બંગાળી ભાષા અને બંગાળી સંસ્કૃતિ પ્રત્યે આતંકવાદીઓને નફરત છે. પાકિસ્તાનના ઇશારે આતંકવાદીઓ અહીં હિંસા આચરી રહ્યા છે. પાકિસ્તાનની સહાય વિના આવું બની શકે નહીં એ સમજી શકાય એવી વાત છે. 

જોકે એક મહત્ત્વનો ફેરફાર અહીં નોંધવા જેવો છે. અત્યારે ખુદ પાકિસ્તાનમાં ઊકળતા ચરુ જેવી સ્થિતિ છે. શક્ય છે કે પાકિસ્તાનના વધુ ટુકડા થઇ જાય. પાકિસ્તાનમાં બલુચિસ્તાનના બળવાખોરો અને પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરના રહેવાસીઓ આંદોલન ચલાવી રહ્યા છે. એમાંય બલુચિસ્તાન લિબરેશન આર્મી તો પાકિસ્તાની પોલીસ અને લશ્કર પર સતત હુમલા કરતા રહ્યા છે. પાકિસ્તાનની પ્રજા બેફામ મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રાસેલી છે. અત્યંત સંવેદનશીલ સંજોગો છે. એક તરફ ભૂતપૂર્વ વડા પ્રધાન અને એક સમયના ટોચના ક્રિકેટર ઇમરાન ખાનના સમર્થકો લશ્કર સામે પડયા છે. લશ્કરના ઇશારે ઇમરાન ખાન અને એની પત્ની બુશરા બેગમને અદાલતે કહેવાતા ભ્રષ્ટાચાર માટે સત્તર વર્ષની જેલની સજા કરી છે.

અસીમ મુનીર બાંગ્લાદેશમાં અરાજકતા સર્જી રહ્યા છે. આપણા લશ્કરી ગુપ્તચર ખાતાને મળેલી બાતમી મુજબ મુનીર ભારતીય પ્રજાસત્તાક દિનની આસપાસ ભારતમાં આતંકવાદી હુમલો કરાવવા થનગની રહ્યા છે. આપણે સતત સાવધ રહેવાની તાતી જરૂર છે.