લોકોનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ ડગી ગયો છે? ખરેખર? એવું કેમ બન્યું હશે?


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

તમે ક્યારેય અખબારોમાં પ્રગટ થતી જાહેર નોટિસ વાંચી છે? ન વાંચી હોય તો હવે ધીરજભેર વાંચી જોજો. તમારી ધીરજની કસોટી થઇ જશે. તમને એમાં કેટલું અને શું સમજાય છે એ વિચારી જોજો. જાહેર નોટિસમાં એવું અટપટું અને ટેક્નિકલ લખાણ હોય છે કે ભણેલા પણ ચકરાઇ જાય. જો જાહેર નોટિસ આટલી અટપટી ભાષામાં લખાયેલી હોય તો અદાલતોના ચુકાદા આમ આદમીને શી રીતે સમજાય? ગયા શુક્રવારે સુપ્રીમ કોર્ટે બિલ્કીસબાનુ કેસના અનુસંધાનમાં સ્પષ્ટતા કરી કે નીચલી અદાલતોએ આમ આદમીને સમજાય એવી ભાષામાં ચુકાદા આપવા જોઇએ. ખરેખર ન્યાયમૂર્તિઓ સરળ ભાષામાં ચુકાદા લખે તો તેમની વિદ્વત્તાનો પરિચય આપણને શી રીતે થાય, ભલા? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે લોકોનો ન્યાયતંત્રમાંનો વિશ્વાસ ડગી રહ્યો છે.

સુપ્રીમનું આ બીજું અવલોકન ખરેખર ચોંકાવનારું છે. લોકશાહીના ચાર પાયામાં ધારાસભા, કારોબારી, પ્રચાર માધ્યમો અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. હજુ ગઇ કાલ સુધી ખરી-ખોટી એવી માન્યતા હતી કે આમ આદમીને માત્ર અને માત્ર ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. લોકશાહીના બાકીના ત્રણે પાયા પરથી લોકોનેા વિશ્વાસ ખંડિત થઇ ચૂક્યો છે. હવે જો સુપ્રીમ કોર્ટને એમ લાગતું હોય કે લોકો ન્યાયતંત્રમાંથી પણ વિશ્વાસ ગુમાવી રહ્યા છે તો ચોક્કસ એમ માનવું રહ્યું કે ભારતમાં લોકશાહી ખતમ થવામાં છે. ખલિલ જિબ્રાનના શબ્દોમાં (અનુવાદ સાંઇ મકરંદ દવે) થોડી છૂટછાટ લઇને કહીએ તો, આ દેશની ખાજો દયા....

પરિસ્થિતિને સાદી ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. દુનિયાના અન્ય દેશોની વાત જવા દઇએ. ભારતમાં દર દસ લાખ નાગરિકોએ ફક્ત ૨૧ જજો છે. નીચલી અદાલતો, હાઇકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટ મળીને અત્યારે એક અંદાજ મુજબ ત્રીસથી ચાલીસ ટકા જજોની જગ્યા ખાલી છે. મીડિયાની છાપ એવી છે કે શાસક પક્ષને કહ્યાગરા જજો વધુ ફાવે છે. આવી છાપ પડવાનું  કારણ ૧૯૭૦ના દાયકાની કટોકટીની ઘટના છે. ત્યારનાં વડાંપ્રધાન ઇંદિરા ગાંધીની ચૂંટણીને અલાહાબાદ હાઇકોર્ટે ગેરકાયદે ગણાવી એટલે પોતાની સત્તા ટકાવી રાખવા ઇંદિરાજીએ કટોકટી લાદી એ ગઇ કાલનો ઇતિહાસ છે. આ ચુકાદો આપનારા જસ્ટિસ એસ. એન. સિંંહાને પાછળથી કોંગ્રેસે ખૂબ હેરાન કરેલા. એવી બેચાર ઘટનાના પગલે એવી છાપ પડી કે શાસક પક્ષને કહ્યાગરા જજો ખપે છે.

ફરી યાદ કરીએ. ભારતમાં દર દસ લાખ નાગરિકોએ ફક્ત  ૨૧ જજ છે. બીજી બાજુ અપરાધખોરી પરીકથાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલી રાત્રે વધે છે. એનું એક કારણ વિલનનું અનેરું આકર્ષણ છે, ફિલ્મો અને ટીવી સિરિયલોમાં વિલનને ગ્લોરીફાય કરીને દેખાડે છે. ભલભલા પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનો બેરોજગાર છે. દરેક યુવાનને રાતોરાત પૈસાદાર થઇ જવું છે. એવા સંજોગોમાં ખૂબ સહેલાઇથી અપરાધખોરી તરફ વળી જાય છે.

આમ, અપરાધો વધે છે, પણ અદાલતોમાં જજોની સંખ્યા વધતી નથી. આટલું ઓછું હોય તેમ વકીલો અંદર અંદર સંપી ગયેલા હોય. દરેક સુનાવણી વખતે બંને પક્ષના વકીલ હાજર જ હોય એવું બનતું નથી. એમાંય કેટલાક મોટા વકીલોની તો ફી જ પાંચથી પંદર લાખ રૂપિયાની હોય છે. પરિણામે અદાલતોનો કાર્યબોજ રોજેરોજ વધતો જાય છે. કેટલાક કેસ તો બબ્બે ત્રણ ત્રણ પેઢી સુધી ચાલતા રહે છે. ગરીબ માણસ તો જવા દો, ઉચ્ચ મધ્યમવર્ગના લોકોને પણ હવે કોર્ટ કેસ પરવડતા નથી. આજની તારીખે દેશમાં લાખ્ખો બલ્કે કરોડો કેસ કોઇ નિરાકરણ વિનાના ધૂળ ખાતા પડયા છે. એ જ રીતે ગુનો પુરવાર ન થયો હોય એેવા કાચા કામના (અન્ડર ટ્રાયલ) કેદીઓની સંખ્યા પણ લાખોની થવા જાય છે. 

શાસક પક્ષને આ પરિસ્થિતિ અનુકૂળ જણાય છે.  તાજેતરનો બિલ્કીસબાનુ કેસ એનો જીવંત પુરાવો છે. બળાત્કારના અપરાધીઓને કદાચ, યસ કદાચ, જેલમાં સારી વર્તણૂકના પગલે છોડી મૂકાયા. તેથી એ અપરાધી તો મટી જતા નથી. તો પછી તેમને હારતોરા પહેરાવીને કે મીઠાઇ ખવડાવીને આપણે શું સાબિત કરવા માગીએ છીએ? પરિસ્થિતિને ગંભીર દ્રષ્ટિએ મૂલવવાનો સમય પાકી ગયો છે. આપણે સૌ સાથે મળીને વિચારીએ, નહીંતર ભાવિ પેઢી આપણને કદી માફ નહીં કરે.

City News

Sports

RECENT NEWS