- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અકાળ અવસાન પછી તેમનાં પત્ની સુનેત્રા પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાના એનસીપીના નિર્ણયથી રાજકારણના અઠંગ ખેલાડી મનાતા શરદ પવારે કદાચ એક પ્રકારનો હાશકારો અનુભવ્યો હશે. પવારને એમ હશે કે આ ગૂંગી ગુડિયા અમારા અંકુશ હેઠળ રહેશે. ડિટ્ટો ૧૯૬૦ના દાયકાની કોંગ્રેસ!
પંડિત જવાહરલાલ નહેરુ અને માનનીય લાલ બહાદૂર શાીજીના અવસાન પછી એક ખાલીપો સર્જાયો હતો. કોંગ્રેસના વરિ નેતાઓ જેને ગૂંગી ગુડિયા માનતા હતા એ ઇંદિરા ગાંધીને એમ સમજીને વડા પ્રધાનપદે બેસાડેલાં કે એના પર અમારો કાબુ રહેશે. ત્યાં જ કોંગ્રેસી મોવડીઓ થાપ ખાઇ ગયા. એ ગૂંગી ગુડિયા ઇંદિરા ગાંધીએ પક્ષમાં ભંગાણ સર્જી દીધું અને અઢાર વરસ દેશ પર રાજ કર્યું..
આપણે વાત વાત સુનેત્રાજીની કરીએ છીએ. સુનેત્રાજી શરદ પવારના જ સાથી રહેલા પીઢ નેતા અને લોકસભાના સાંસદ પદ્મસિંહ પાટિલનાં બહેન છે. શરદ તેમજ પદ્મસિંઘની દોસ્તીના પગલે જ અજિત પવાર સાથે સુનેત્રાજીનાં લગ્ન યોજાયાં. બાળપણથી સુનેત્રાજી મહારાષ્ટ્રના રાજકારણને નિકટથી નિહાળતાં રહ્યાં છે. અજિત પવાર સાથે લગ્ન થયાં બાદ ખાસ્સો લાંબો સમય સુનેત્રા માત્ર એક પ્રેક્ષક બનીને રાજકીય કાવાદાવા નિહાળતાં રહ્યાં. એમને કંઇક કરવાની પ્રેરણા એક ઘટના પરથી મળી.
અજિત પવાર સતારાના ગાડયન મિનિસ્ટર હતાં ત્યારની વાત છે. સુનેત્રા મહાબળેશ્વરના પ્રવાસેથી પાછાં ફરતાં હતાં ત્યારે સંત ગાડગે બાબાની પ્રેરણાથી એક ગામડામાં સ્વચ્છતા અભિયાન ચાલતું જોયું.
આવું કંઇક કરવાની ગાંઠ મનમાં વાળીને એ કાટેવાડી પાછાં ફર્યાં. એમણે બધાં પક્ષોની બેઠક બોલાવીને કાટેવાડીમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવાની હાકલ કરી. આ એ સમયની વાત જ્યારે કાટેવાડીમાં ૮૦ ટકા લોકોના ઘરમાં જાજરૂ નહોતાં.
સુનેત્રા માત્ર વાતો કરીને બેસી ન રહ્યાં. અન્ય પક્ષો સાથ આપે કે ન આપે હાથમાં સાવરણો લીધો અને શેરીઓમાં સફાઇકામ શરૂ કર્યું. ધીમે ધીમે લોકોને ખ્યાલ આવ્યો કે સુનેત્રા ખોટી પબ્લિસિટી માટે નહીં, અમારાં ભલા માટે કામ કરી રહ્યાં છે. લોકોનો સાથ મળતો થયો. એટલે આસપાસનાં ૮૦ ગામડાંમાં આવું સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. પહેલાં કાટેવાડીને નિર્મલગ્રામ બનાવ્યું. પછી આસપાસનાં બધાં ગામોને નિર્મલગ્રામ બનાવ્યાં. લોકચાહના પ્રાપ્ત કરી.
અજિતદાદાના અંતિમ સંસ્કારમાં લાખો લોકો ઉમટયા એની પાછળ સુનેત્રાજીના કર્મયજ્ઞાનો મોટો ફાળો રહ્યો છે.
પતિ કામ પર જાય પછી નવરી બેસી રહેતી મહિલાઓ માટે એક ટેક્સટાઇલ પાર્ક શરૂ કર્યો જ્યાં આજે પંદર હજારથી વધુ મહિલાઓ રોજી મેળવે છે. એ જ રીતે પતિના સ્વપ્ન સમા વિદ્યા પ્રતિાનમાં ટ્રસ્ટી તરીકે જોડાઇને એનો સર્વાંગી વિકાસ સાધ્યો. આજે ત્યાં પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરી રહ્યાં છે. લગ્ન પછી તરત એ રાજકારણમાં નહોતાં આવ્યાં છતાં પતિના ખાંડના વ્યવસાયમાં સતત સાથ આપતાં રહ્યાં.
દરેક સફળ પુરુષની પાછળ એક ી હોય છે એવું આપણે સાંભળતાં આવ્યાં છીએ. છેલ્લાં સાડત્રીસ-આડત્રીસ વર્ષથી અજિતદાદાનું પડખું સેવનારાં સુનેત્રા પોતે એક કાર્યક્ષમ વહીવટકર્તા છે એ તેમણે ટેક્સટાઇલ પાર્ક અને વિદ્યા પ્રતિષ્ઠાનના કુશળ સંચાલન દ્વારા સાબિત કર્યું છે. પર્યાવરણ ક્ષેત્રે પણ તેમણે નોંધનીય કાર્ય કર્યું છે.
સુનેત્રાજીને મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની ભલામણ કરાઇ ત્યારે એ રાજ્યસભાના સાંસદ તો હતાં જ. એ સતત કેન્દ્ર સરકારના વહીવટી કામકાજનું નિરીક્ષણ કરતાં રહ્યાં છે. આમ સુનેત્રાજી કામકાજના અનુભવી છે.
એમને ગૂંગી ગુડિયા સમજનારા લોકો ખાંડ ખાય છે. સુનેત્રા કુશળ વહીવટકર્તા નીવડશે અનેશે અને મહારાષ્ટ્ર રાજ્યના વિકાસમાં રચનાત્મક ફાળો આપશે એ હકીકત સ્વીકારવી રહી. સુનેત્રાને અમારા વિના નહીં ચાલે એવા મિથ્યાભિમાનમાં શરદ પવાર કે એનસીપીના અન્ય નેતાઓ માનતાં હોય તો એ ભ્રમ વહેલોમોડો ભાંગી જશે.


