FOLLOW US

મતદાન આપણો માત્ર અધિકાર નથી, બહુ મોટી અને સમજપૂર્વકની જવાબદારી છે

Updated: Nov 29th, 2022


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

આપણા અજોડ ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસે એક ગુજરાતી ગીત રચ્યું હતું, જેનો એક અંશ આ પ્રકારે હતો- 'તૈયાર થઇ જજો, નાત ભાત જાત તારી કોઇ પણ હજો, તૈયાર થઇ જજો, ખભે ખભા મિલાવીને, જંગમાં ઝુકાવીને, માદર વતન ને કાજ જંગમાં ખપી જજો...' અવિનાશભાઇની ક્ષમાયાચના સાથે થોડો ફેરફાર કરીને કહું છું, 'માદર વતન ને કાજ અચૂક મત આપજો...'બરાબર ૪૮ કલાક પછી પહેલી ડિસેંબરે ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કાનું મતદાન છે.

તાજેતરનો ઇતિહાસ તપાસતાં ખ્યાલ આવશે કે મુંબઇ સહિત મોટાં શહેરોમાં ખાસ કરીને શિક્ષિત અને સંપન્ન વર્ગ મતદાન કરવા જતો નથી. એને કારણે ઘણી વાર અયોગ્ય વ્યક્તિ ધારાસભામાં પહોંચી જાય છે. મતદાન નહીં કરનારા લોકો પાછળથી સરકારની આડેધડ ટીકા કરતા હોય છે. પોતે પોતાની ફરજ બજાવી નથી, પણ સત્તા પરના લોકોની ટીકા કરવાનું એ લોકોને ગમે છે. આ વખતે મોરબી જેવી દુર્ઘટના, મોંઘવારી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દાઓને કારણે  જે-તે ઉમેદવારો વચ્ચે રસાકસી થવાની છે. એમાંય ફલાણું ને ઢીંકણું મફત આપવાની વાતો કરતા લેભાગુઓથી ખાસ સાવચેત રહેવાનું છે. એ સરકારી તિજોરી ખાલી કરવાનો સૌથી સહેલો રસ્તો છે. મફત એટલે ખરેખર તો મારા તમારા જેવા કરદાતા આમ આદમીના ખિસ્સા પર કાતર ચલાવવાની ચાલ હોય છે.

આપણને ગમે કે ન ગમે, દિવસે દિવસે દાગી અને આયારામ ગયારામ જેવી અનિષ્ટ પ્રવૃત્તિમાં રાચતા ઉમેદવારોની સંખ્યા બહુ મોટી થવા જાય છે. માત્ર શાસક પક્ષમાં રહીને લાભ લેવા જે-તે કાર્યકરો પક્ષપલટો કરી નાખે છે. એને કારણે સૌથી વધુ નુકસાન લોકશાહીને અને આમ પ્રજાને થાય છે. દરેક મતદારે આ વાત યાદ રાખીને મતદાન કરવાનું છે. દરેક મતદારને પોતપોતાના વિસ્તારના અસામાજિક તત્ત્વોની પાક્કી ઓળખ હોય છે. માથાભારે માણસને સીધી રીતે તો પહોંચી શકાય નહીં, ચૂંટણી માટે થતું મતદાન એ રીતે ઉપયોગી થઇ પડે છે.

અત્રે બે-ત્રણ દાખલા ટાંકવાની ઇચ્છા થાય છે. અમદાવાદ પૂરતી વાત કરીએ તો, અબ્દુલ લતીફ જેલમાં બેઠાં બેઠાં ચાર-પાંચ બેઠકો પરની ચૂંટણી જીતી ગયો હતો. એવો એક દાખલો મુંબઇ-મહારાષ્ટ્રનો છે. મુંબઇના એેક ભૂતપૂર્વ પોલીસ કમિશનરે મીડિયા સાથે વાત કરતાં કહેલું કે જેની સામે હત્યા, હુલ્લડખોરી અને લૂંટફાટ જેવા ગુના નોંધાયા હોય એવા લોકો ધારાસભ્ય થઇ જાય ત્યારે એમને સલામ કરતાં મારો જીવ સતત બળતો હોય છે. એમની આ વાત અરુણ ગવળી માટે કહેવાઇ હતી. ત્રીજો દાખલો હરિયાણાના ભજનલાલનો છે. કટોકટી પછીની ચૂંટણીમાં પરાજિત થયેલાં ઇંદિરા ગાંધી ૧૯૮૦ની ચૂંટણીમાં ફરી વિજેતા થયા ત્યારે ભજનલાલે રાતોરાત પોતાની આખી રાજ્ય સરકાર સાથે પક્ષપલટો કરીને ઇંદિરા ગાંધીની સાડીનો પાલવ ઝાલી લીધો હતો. 

એ પછી તો ગંગા-યમુનામાં ઘણાં નીર વહી ગયાં. આજકાલ સતત દાગી ઉમેદવારોની સંખ્યા વધતી જાય છે. એને રોકવાનો કોઇ ઉપાય આપણી લોકશાહીમાં નથી. ધુરંધર કાયદા નિષ્ણાત નાની પાલખીવાલાએ એક વાર કહેલું કે  શિક્ષિત લોકો રાજકારણમાં આવતા નથી એ દુઃખદ ઘટના છે. આજે વાસ્તવિકતા એ છે કે શિક્ષિત લોકો રાજકારણમાં આવીને બેધડક ભ્રષ્ટાચાર કરે છે. આપણું ન્યાયતંત્ર આવા લોકોનો વાળ વાંકો કરી શકતું નથી એ આપણી સંસદીય લોકશાહીની સૌથી મોટી કરુણતા છે. 

તમને એમ લાગે કે તમારા વિસ્તારનો કોઇ ઉમેદવાર ચૂંટાવાલાયક નથી તો તમે નોટા વાપરી શકો. એ પણ તમારો  અધિકાર છે. અયોગ્ય વ્યક્તિને ધારાસભામાં મોકલીને પાછળથી પસ્તાવા કરતાં નોટાનું બટન દબાવી દેવું સારું, પણ મતદાન અચૂક કરવાનું છે. મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવશે. ઘરમાં બેસી રહીને ફાફડા-જલેબી ઊડાવવા હોય કે તીનપત્તી રમવી હોય તો જરૂર રમજો, પરંતુ પહેલાં મતદાન કરવા જજો. સવારે વહેલા જશો તો બહુ લાંબી લાઇન પણ નહીં નડે. અધિકારની વાતો કરતી વખતે જવાબદારી ભૂલતા નહીં. પાંચ વરસે માંડ એકાદ વાર તમને જે તે વ્યક્તિના નામ પર 'ચોકડી'  મારવાની તક મળે છે. રખે મોકો ચૂકતા!

Gujarat
News
News
News
Magazines