Get The App

વિદ્યાર્થીઓમાં વધી રહેલા આપઘાતના માટે સમાજ જવાબદાર

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થીઓમાં વધી રહેલા આપઘાતના માટે સમાજ જવાબદાર 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

દેશની અદાલતોમાં કરોડો કેસનું ભારણ હોય ત્યારે દેશની સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓમાં વધી રહેલા આપઘાતના પ્રમાણનો કેસ હાથ ધરવો પડે એ આઝાદ ભારતની સૌથી મોટી કરુણા ગણવી ઘટે. આ કામ કોર્ટનું તો નથી જ. આ કામ કેળવણીકારો, સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોનું છે. કિશોર વયના વિદ્યાર્થીઓ આપઘાત શા માટે કરે એ સૌએ સાથે મળીને વિચારવાનું છે. જરાય ઉશ્કેરાયા વિના શાંતિથી વિચારીએ તો આખો સમાજ આ માટે જવાબદાર છે. સમાજની વાત કરીએ ત્યારે કુટુંબ, શિક્ષણ સંસ્થાઓ, શિક્ષકો અને આપણી શિક્ષણ પદ્ધતિ બધાંની વાત કરવી પડે. આમ બધાં પરિબળો ટીનેજર્સને આપઘાત કરવા તરફ દોરી જાય છે.

કુટુંબની વાત કરીએ તો આજથી પચાસ સાઠ વર્ષ પહેલાં મોટે ભાગે સંયુક્ત કુટુંબો હતાં. દાદા-દાદી બાળકના માનસિક વિકાસમાં મબલખ ફાળો આપતા. આજે એક તરફ સંયુક્ત કુટુંબો ભાંગી ચૂક્યાં છે. દાદા-દાદી કાં તો ગામડે એકલાં રહે છે અથવા ઘરડાઘરમાં નસીબને દોષ દેતાં નિસાસા નાખતાં હોય છે. બીજી બાજુ વધી રહેલી મોંઘવારીને પહોંચી વળવા પતિપત્ની બંને નોકરી કરતાં હોય એટલે બાળકના શૈક્ષણિક વિકાસ માટે પૂરતો સમય આપી શકતાં નથી. કોઇ સારા કોચિંગ ક્લાસમાં બાળકને મૂકી દઇને સંતોષ માને છે. ઊલટું, પોતે જે કરી નહોતાં શક્યાં એ બાળક કરે એવી મોટીમસ અપેક્ષા માતાપિતા રાખે છે. બાળક સતત ટેન્શનમાં રહે છે કે હું માતાપિતાની અપેક્ષા સંતોષી નહીં શકું તો? સમજવા જેવો એક મુદ્દો એ પણ છે કે પોતાના બાળકની ક્ષમતા પિછાણ્યા વિના માતાપિતા દેખાદેખીથી બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં દાખલ કરી દે છે. કેટલાક કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે માતાપિતા પોતે અંગ્રેજી ભાષા પર કાબુ ધરાવતાં હોતાં નથી. તો બાળકની પ્રગતિમાં કેવોક ફાળો આપી શકે? કૂવામાં હોય તો અવાડામાં આવે.

ઔર એક કારણ અત્યંત મોંઘું બની રહેલું આજનું શિક્ષણ છે. ગુજરાતી ભાષામાં ને બાળમંદિર કહેવાતું એ નર્સરી અને પ્રિ-પ્રાયમરીનાં બાળકો પાસે વરસે લાખથી દોઢ લાખ રૂપિયા ફી તરીકે વસૂલ કરાય છે. સ્કૂલોમાં શિક્ષકો પૂરતું ધ્યાન આપતાં નથી, પણ પોતે જે કોચિંગ ક્લાસ સાથે સંકળાયેલાં હોય ત્યાં બાળકને ટયુશન લેવા આવવાનો આગ્રહ સેવે છે. મોટા ભાગના શિક્ષકો એવાં બહાનાં આગળ કરે છે કે સરકાર અમારી પાસે ચૂંટણીનાં અને અન્ય કાર્યો કરાવે છે એટલે અમે સમયસર અભ્યાસભક્રમ પૂરો કરી શકતાં નથી. આ સંજોગોમાં બાળકો પ્રચંડ ટેન્શન અનુભવે એ સમજી શકાય છે. આવા ટેન્શનનો ગેરલાભ સ્કૂલોની આસપાસ ફરી રહેલા ડ્રગ પેડલર્સ લે છે અને શક્તિવર્ધક ટોનિકના બહાને ટીનેજર્સને ડ્રગના રવાડે ચડાવી દે છે. બાળકનું ભાવિ અંધકારમય થઇ જાય છે.

ઓનલાઇન ગેમિંગ પણ આ બાબતમાં જવાબદાર ગણી શકાય. કેટલીક ગેમ્સ એવી હોય છે કે ટીનેજર્સને ઊંધે રવાડે ચડાવી દે છે. ગેમના બહાને ટીનેજર્સને ઉશ્કેરી મૂકે છે. ભલે આવા કિસ્સાનું પ્રમાણ વધારે નહીં હોય, પણ એની ઉપેક્ષા કરી શકાય નહીં. મોબાઇલ ફોન પર બધાં ટીનેજર્સ આવી ગેમ્સ નહીં રમતાં હોય કે અશ્લીલ રીલ્સ નહીં જોતાં હોય. છતાં આ પણ એક પરિબળ છે જે ટીનેજર્સને ગુમરાહ કરે છે.

આપણે ત્યાં વિશ્વસનીય આંકડા કદી મળતાં નથી. પરંતુ ૨૦૨૨-૨૩ના આંકડા પ્રમાણે દેશમાં વિદ્યાર્થીઓના આપઘાતના ઓગણપચાસ ટકા કિસ્સા આ પાંચ રાજ્યોમાં નોંધાયા હતા- સૌથી વધુ કિસ્સા મહારાષ્ટ્ર (૧૭૬૪ આપઘાત)માં, બીજા ક્રમે તામિલનાડુમાં (૧૪૧૬), ત્રીજો નંબર મધ્ય પ્રદેશ (૧૩૪૦), ચોથા ક્રમે ઉત્તર પ્રદેશ (૧૦૪૦) અને પાંચમા ક્રમે ઝારખંડ (૮૪૦). લેટેસ્ટ આંકડામાં વધઘટ હોઇ શકે છે. આ પાંચમાંનાં ચાર રાજ્યો ભાજપશાસિત છે એ સૂચક છે.  ગુજરાત રાજ્યના લેટેસ્ટ આંકડા હજુ પ્રગટ થયા નથી. તેથી રાજી થવાની કોઇ જરૂર નથી. ગુજરાતમાં સૌથી વધુ ટીનેજર્સ માતૃભાષામાં જ નાપાસ થાય છે એ ભૂલવા જેવું નથી. બીજા વિષયોની વાત પછી.

Tags :