Get The App

કોઇ પણ મુદ્દો ફરજિયાત લાદવાથી સમસ્યાનું સાચું નિરાકરણ થતું નથી

Updated: Feb 28th, 2023

GS TEAM


Google News
Google News
કોઇ પણ મુદ્દો ફરજિયાત લાદવાથી સમસ્યાનું સાચું નિરાકરણ થતું નથી 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

ગુજરાતીઓ પાસે શું નથી? જીવનના કયા ક્ષેત્રમાં ગુજરાતી નથી? દુનિયાનો કયો દેશ એવો હશે જ્યાં ગુજરાતી વસતા નથી? વેપાર-ધંધો, રમતગમત, મનોરંજન, કેળવણી, વિજ્ઞાાન, ફેશન, રાજકારણ... દરેક ક્ષેત્રે ગુજરાતીઓએ અનેરી સિદ્ધિ મેળવી છે. યૂરોપના દેશોમાં તો ગુજરાતીઓનાં સુખ-સંપત્તિ જોઇને નિષ્ફળ ગયેલા બિનગોરા લોકો ગુજરાતી વેપારીની હત્યા કરી નાખે છે. ટૂંકમાં, ગુજરાતીઓ પાસે બધું જ છે. માત્ર એક વાત નથી. ગુજરાતીને એની માતૃભાષા પ્રત્યે પ્રેમ નથી. માતૃભાષા માટે મરી પડવાનું ઝનૂન નથી.

ક્યારેક રસ્તે ચાલતાં નિરીક્ષણ કરજો. બે કચ્છી માડુ કે બે મરાઠી વ્યક્તિ યા બે બંગાળી બાબુ સામસામે થઇ જાય તો તરત પોતાની માતૃભાષામાં વાતો કરવા માંડે છે. બીજી બાજુ ગુજરાતીને જાણે પોતાની માતૃભાષા જેવું કશું ન હોય તેમ 'મુન્નાભાઇ એમબીબીએસ'ના નાયકની જેમ કાં તો ટપોરી હિન્દીમાં બોલવા માંડે છે અથવા ફંેંકુ ટાઇપનું અંગ્રેજી શરૂ કરી દે છે. 

ગયા સપ્તાહે વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાયો ત્યારે એક વરિષ્ઠ ગુજરાતી કવિ અને એક સુપરહિટ નાટયકારે ગુજરાતી ભાષાનો મહિમા વર્ણવ્યો. બસ વાત પૂરી. જેમ બેસતા વર્ષે એક દિવસ સાલ મુબારક કરીને પછી આખું વરસ નવીનતા ભૂલાઇ જાય એમ માતૃભાષા વિસરાતી ચાલી છે.

ગુજરાત હાઇકોર્ટે અને ગુજરાત સરકારે આ મુદ્દે થોડું આક્રમક વલણ લીધું. સ્કૂલોમાં ગુજરાતી ફરજિયાત ભણાવવાનો કાયદો ઘડવા સુદ્ધાંની તૈયારી રાજ્ય સરકારે દાખવી. સારી વાત છે, પરંતુ કોઇ પણ મુદ્દો ફરજિયાત કરી દેવાથી સમસ્યાનું સાચું નિરાકરણ થતું નથી એ હકીકત સમજી લેવા જેવી છે. મારો તમારો સૌનો એક રોજબરોજનો અનુભવ છે- બાળકને એેમ કહો કે આ બેગ ખોલવાની નથી. તો બાળક ગમે ત્યારે આપણું ધ્યાન ચૂકવીને બેગ ખોલવાના પ્રયત્નો કરતું થઇ જાય છે. એ જ રીતે એને ન ગમતી કોઇ પ્રવૃત્તિ કરવાની ફરજ પાડો ત્યારે પણ એ ક-મને અને નારાજીથી એ પ્રવૃત્તિ કરે છે.

કોણે કહ્યું'તું, ગાંડું ગુજરાત, આગુ સે લાત, પીછે સે બાત... અને શું શાં પૈસા ચાર... આવું કહેનારે કદાચ સાચી વાત કરી હતી. કોણ જાણે કેમ, ગુજરાતી પ્રજામાં પોતાની માતૃભાષા પ્રત્યે વળગણ કે ઝનૂન નથી. અહીં અંગ્રેજી કે બીજી કોઇ ભાષાનો વિરોધ નથી, પરંતુ એક વાત નક્કી કે માતૃભાષામાં જે સહજ મીઠાશ છે એ અન્યત્ર નથી. 

અંગ્રેજીના વળગણને પગલે માતા મીણબત્તી (મોમ) બની ગઇ અને પપ્પા મૃતપ્રાય (ડેડ) બની ગયાં. આટલી હદે વિદેશી ભાષાનું ગાંડપણ શા માટે? અંગ્રેજી ભાષા આવડવી જોઇએ એ મુદ્દે કોઇ વાંધો વિરોધ હોઇ શકે નહીં, પરંતુ માતૃભાષાના ભોગે અન્ય કોઇ ભાષા પ્રત્યેની ઘેલછા કોઇ રીતે વાજબી નથી. એક નાનકડો દાખલો લ્યો. ગુજરાતીમાં કાકા, મામા, માસા અને અંગ્રેજીમાં આ બધા સંબંધો 'અંકલ' શબ્દમાં મર્યાદિત થઇ જાય. સંબંધની નિકટતા દર્શાવવા મેટર્નલ અંકલ કે પેટર્નલ અંકલ એવી સ્પષ્ટતા કરવી પડે. એવુંજ સાળા અને બનેવી માટે થાય છે. ભાભી અને સાળી માટે પણ એ જ મર્યાદા.

શક્ય છે, હાઇકોર્ટ અને સરકાર સમક્ષ સ્કૂલોના સંચાલકો એવું બહાનું કાઢે કે ગુજરાતી ભણાવી શકે એવા લાયક (ક્વોલિફાઇડ) શિક્ષકો મળતા નથી. કેટલેક અંશે એ વાત પણ સાચી. આજે ગુજરાતી ભાષાના ઘણા (બધા નહીં) શિક્ષકો અને અધ્યાપકોને અનુસ્વારના નિયમો અને સ, શ, ષ જેવા ઉષ્મ ધ્વનિના ઉચ્ચારોનો પૂરતો ખ્યાલ કે અભ્યાસ નથી. એ મર્યાદા દૂર થઇ શકે છે.

સરકાર કાયદો ઘડે કે હાઇકોર્ટ સ્કૂલોને ગુજરાતી ભણાવવાની ફરજ પાડે એેના કરતાં વાલીઓએ આ કામ ઉપાડી લેવાની જરૂર છે. ઘરમાં ગુજરાતી બોલાવું જોઇએ અને બાળકને ગુજરાતી વાંચતાં, બોલતાં અને લખતાં આવડવું જોઇએ. જ્યાં સુધી આપણે પોતે નહીં જાગીએ ત્યાં સુધી માતૃભાષાનું ગૌરવ જળવાશે નહીં. આ આપણા સૌની  સહિયારી જવાબદારી છે. વધુ મોડું થઇ જાય એ પહેલાં આપણે સૌ આ મુદ્દે આળસ ત્યજી દઇએ તો સારું.

Tags :