Get The App

રાજકારણના કાદવમાં ઊગેલું ભાજપી કમળ હવે ગંધાવા માંડયું છે

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
રાજકારણના કાદવમાં ઊગેલું ભાજપી કમળ હવે ગંધાવા માંડયું છે 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

સત્તાનાં સોગઠાં કેવી કેવી બાજી ખેલે છે એ હવે સ્પષ્ટ થવા લાગ્યું છે. ભાજપનો અસલી ચહેરો હવે મહોરામાંથી બહાર આવી ગયો છે. ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના ભયથી થરથર ધ્રૂજતા જુદા જુદા પક્ષના ભ્રષ્ટ નેતાઓ પોતાની ખાલ બચાવવા કેસરિયો ખેસ ઓઢતા થયા ત્યારે ભાજપનો ધરતીથી એક વેંત ઊંચો ચાલતો રથ ભોંયભેગો થઇ ગયેલો. કમ સે કમ આ ભાજપ અટલ બિહારી વાજપેયીનો તો રહ્યો નથી. સિદ્ધાંતો કે નીતિમત્તાની શરમ હવે રહી નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આ ભાજપને કેટલી હદે સ્વીકારે છે એ તો સંઘના નેતાઓ જાણે. ગઇ કાલ સુધી અરવિંદ કેજરીવાલના વફાદાર મનાતા એક બે નહીં, સાત સાત સાંસદો એટલે કે આપના બે તૃતિયાંશ સાંસદોએ પોતાના પગ તળે રેલો આવે એ પહેલાં કેસરિયો રંગ ચહેરા પર લગાડી લીધો. એને ભલે ઓપરેશન લોટસ નામ આપ્યું હોય, આ કમળ હવે મુરઝાવા માંડયું છે. કાદવમાં રહેલી દુર્ગંધ હવે કમળમાં  આવવાની શરૃ થઇ ગઇ છે.

૨૦૧૪માં જ્યારે પહેલીવાર કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર રચાઇ ત્યારે ઘણા લોકોને એક પ્રકારની ધરપત થયેલી કે હવે સ્વચ્છ અને ડાઘ વગરના નેતાઓની સરકાર મળી છે. દેશ અને દુનિયામાં ચારેકોર એક પ્રકારની તાજગી અનુભવાઇ હતી. ધીમે ધીમે ભાજપે રાજકારણમાં ખેલાતા આટાપાટા (ખરેખર તો કાવાદાવા) રમવાના શરૃ કર્યા. માત્ર કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની મૂળ યોજના ખોરંભે પડી ગઇ. વિપક્ષ વિહોણું ભારત બનાવવું હોય એવાં પગલાં લેવાના શરૃ થઇ ગયા. અત્રે ૧૯૮૦ના દાયકાના વડા પ્રધાન ઇંદિરા ગાંધી યાદ આવે છે. મોરારજી દેસાઇની જનતા સરકારને પછાડયા બાદની ચૂંટણીમાં ફરી સત્તા પર આવ્યા ત્યારે ઇંદિરાએ નવ નવ રાજ્યોમાં આયારામ-ગયારામનો વિકૃત ખેલ નાખ્યો હતો. ગવર્નરોની બદલી અને સરકારોને ઊથલાવવાની ગંદી ચાલ ખેલી હતી. હરિયાણાના ભજનલાલે તો આખેઆખી સરકાર સહિત પાટલી બદલી હતી. ભાજપ હવે એવો ખેલ ખેલતો થયો છે. પવિત્રતાનો પાલવ ખભા પરથી સરકી ગયો છે. 

હજુ બે દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ખખડાવેલું કે તમે પશ્ચિમ બંગાળમાં તમારી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો. આ જ સુપ્રીમ કોર્ટે એક સમયે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને પણ ખખડાવેલા. હવે એજ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ખખડાવ્યું છે. એનો અર્થ સીધોસાદો એટલો જ છે કે શાસક પક્ષ (ભાજપ એમ વાંચો) હવે સત્તાના મદમાં સ્વચ્છંદી બની રહ્યો છે. કોઇ વ્યક્તિ કે પક્ષ આપણો વિરોધ કરે એવો રહેવો ન જોઇએ એવી ભાજપની નીતિમત્તા થઇ ગઇ છે. આપિયા, ખાપિયા, હાથિયા (અર્થાત્ કોંગ્રેસીઓ), ધાપિયા (મોટી મોટી ડંફાસો મારનારા) - ગઇ કાલ સુધી ખુદ ભાજપે જેમને ભ્રષ્ટ અને પ્રજાવિમુખ ગણાવેલા એ બધા હવે કેસરિયો ખેસ પહેરીને પવિત્ર થવા માંડયા છે. રામ તેરી ગંગા મૈલી હો ગયી પાપીયોં કે પાપ ધોતે ધોતે... કવિેએ લખેલું.  

ભારતીય રાજકારણની ગંગા પણ હવે ગંધાતી ગટર બની રહી છે. કોઇ કહેતાં કોઇ પક્ષ કે નેતાને મતદારોનો ડર રહ્યો નથી. મતદારની જરૃર પાંચ વર્ષે એકવાર પડવાની છે. એ સમયે સામ, દામ, દંડ કે ભેદથી એને મનાવી લેશું. અત્યારે આપણે આપણી રીતે બાજી રમો એવી માનસિકતા પોલિટિશ્યનોની થઇ ગઇ છે. નીતિ, સેવા, સમર્પિતતા, પ્રમાણિકતા વગેરે શબ્દો હવે માત્ર ડિક્શનરી કે જોડણીકોશમાં રહી ગયા. જો જીતા વો હી સિકંદર... તમે ગમે તે કરો, ચૂંટણી જીતી બતાવો. એકવાર ચૂંટણી જીત્યા એટલે તમારાં તમામ કાળાં કરતૂતો બગલાની પાંખ જેવા સફેદ થઇ જવાના. સૌ કોઇ તમને સલામ ભરતા થઇ જવાના. 

વિધિની કેવી વક્રતા છે ! કૈલાસપતિ ભગવાન શિવને પૂજાર્થે અર્પણ થતું કમળ કાદવમાં ખીલે છે. હાલનું રાજકારણ કાદવને સારો કહેવડાવે એવું છે. કાદવમાં ખીલતું કમળ શાસક પક્ષનું પ્રતીક છે. જે રીતે શાસક પક્ષ વિપક્ષના ખરડાયેલા નેતાઓને કળે યા બળે પોતાની તરફ ખેંચી રહ્યો છે એ જોતાં કમળ કાદવની જેમ જ ગંધાતું થઇ રહ્યું હોય એવી છાપ પડે છે. રાજકારણમાં લવ એન્ડ વોરની જેમ બધું ચાલે એવી મેલી રમત હવે રોજની થઇ પડી છે. આ જોતાં તમે કેજરીવાલ કે પવન ખેડા જેવાને ભ્રષ્ટ કયા મોઢે કહી શકો ભલા ?