FOLLOW US

શિયાળાનો પ્રારંભ એટલેસંગીત મહોત્સવોના છપ્પનભોગની મિજબાની

Updated: Dec 27th, 2022


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

દેશભરના સંગીત રસિકો અત્યારે અનેરા આનંદ ઉત્સાહનો અનુભવ કરી રહ્યા છે. દર વરસે શિયાળો શરૂ થાય એટલે ઠેર ઠેર સંગીત મહોત્સવોનો આરંભ થાય છે.  મુંબઇમાં આઝાદી પહેલાંથી સૂર સિંગાર સંસદ નામની સંસ્થા દર વરસે સ્વામી હરિદાસ સંગીત સંમેલન યોજતી. સૂર સિંગાર સંસદની સફળતા જોઈને સાજન મિલાપ નામની સંસ્થા શરૂ થઇ. મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજે અનોખો સંગીત વિભાગ શરૂ કર્યો. દાદર માટુંગા કલ્ચરલ સમિતિ, વિલેપાર્લે મ્યુઝિક સર્કલ, ગોરેગાંવ મ્યુઝિક સર્કલ, કેકી જીજીના જેવા પારસી સંગીતજ્ઞાની સૂર સાધના વગેરે સંસ્થાઓ નિયમિત રીતે સંગીતની બેઠકો યોજતી.

ગુજરાતથી વાતનો આરંભ કરીએ તો છેલ્લાં પચાસ વર્ષથી સપ્તક સંસ્થા કદાચ વિશ્વભરમાં અનોખો એવો તેર દિવસનો સંગીતોત્સવ અમદાવાદમાં યોજે છે. લખનઉ ઘરાનાના દિગ્ગજ તબલા વાદનના દાદુ પંડિત કિસન મહારાજના શિષ્ય અને પ્રખર તબલાવાદક ગરવા ગુજરાતી પંડિત નંદન મહેતા અને તેમનાં પત્ની (પંડિત રવિશંકરના શિષ્યા સિતારવાદક) વિદૂષી મંજુ મહેતાએ આ મહોત્સવનો પાયો નાખ્યો હતો. અમદાવાદનું જોઇને છેલ્લાં થોડાં વરસથી રાજકોટમાં પણ સંગીત પરિષદ યોજાતી થઇ છે. વડનગરમાં નિયમિત તાના રીરી સંગીત પરિષદ યોજાય છે. ભવિષ્યમાં ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ શાસ્ત્રીય સંગીત પરિષદો યોજાતી થાય તો નવાઇ નહીં. 

મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની ગણાતા પૂણેમાં દર વરસે ડિસેંબરમાં સવાઇ ગંધર્વ સંગીત મહોત્સવ યોજાય છે. આ મહોત્સવનો આરંભ કિરાના ઘરાનાના એક અને અજોડ ગાયક પંડિત ભીમસેન જોશીએ પોતાના ગુરુ પંડિત સવાઇ ગંધર્વ (રામભાઉ કુંદગોળકર)ની સ્મૃતિમાં શરૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં હાજરી આપવા ટોચના સંગીતકારો રીતસર ટળવળતા. છેલ્લી રાત્રિએ છેલ્લી આઇટમ તરીકે પંડિત ભીમસેન જોશી પોતે ગુરુને સ્વરવંદના અર્પણ કરતા. દસથી બાર હજાર રસિકજનો નિયમિત રીતે આ કાર્યક્રમમાં હાજરી આપતા રહ્યા છે.

થોડા દિવસ પહેલાં મેવાતી ઘરાનાના દિગ્ગજ ગાયક પંડિત જસરાજના પિતાશ્રી પંડિત મોતીરામજીની સ્મૃતિમાં હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ)માં સંગીત સમારોહ યોજાઇ ગયો. આ સમારોહ પંડિત જસરાજે શરૂ કરાવ્યો હતો. હવે એનું સંચાલન તેમની પ્રતિભાવાન પુત્રી દુર્ગા જસરાજ સંભાળે છે. નારાયણના માર્ગદર્શન તળે થયેલી. 

ઉત્તર ભારતની વાત કરીએ તો વારાણસીના જગપ્રસિદ્ધ સંકટમોચન હનુમાન મંદિરના પટાંગણમાં દર વરસે સંકટમોચન સંગીત સમારોહ યોજાય છે. તો પંજાબના જલંધરમાં દર વરસે હરિવલ્લભ સંગીત સમારોહ યોજાય છે. અહીં તો ક્યારેક વીસથી પચીસ હજાર રસિકો ઉમટી પડે છે. અહીં સંગીત ઉપરાંત રસિકો રહી શકે અને ચા-નાસ્તા ઉપરાંત બે સમયનું ભોજન સાવ નજીવા દરે મેળવી શકે એ પ્રકારની આગવી વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્વાલિયર શહેરમાં દર વરસે તાનસેન સંગીત સમારોહ યોજાય છે. 

૧૯૯૦ના દાયકામાં રાજધાની નવી દિલ્હીથી પ્રગટ થતા એક માતબર અંગ્રેજી સામયિકે એવી કવર સ્ટોરી પ્રગટ કરેલી કે ભારતીય શાસ્ત્રીય સંગીતનો, સૂર્યાસ્ત હવે નજીકમાં છે. મુખપૃ પર સિતારનવાઝ પંડિત રવિશંકર અને પંડિત ભીમસેન જોશીની તસવીરો હતી. એવી ભવિષ્યવાણી ઉચ્ચારાઇ હતી કે દિગ્ગજ કલાકારો જીવન સંધ્યાએ છે અને તેમની બરાબરી કરી શકે એવા નવા કલાકારોની તાતી અછત છે. હકીકતમાં કરોડોની વસતિ ધરાવતો આ દેશ સાચા અર્થમાં બહુરત્ના વસુંધરા છે. અહીં એક જાય તો બીજા બે કલાકારો તૈયાર હોય છે.  

વાંકદેખા અને ટૂંકી દ્રષ્ટિવાળા સમીક્ષકો ભલે કહેતા રહ્યા કે શાસ્ત્રીય સંગીતનું ભાવિ તિમિરમય છે. હકીકત એ છે કે છેક સામવેદના કાળથી ચાલી આવતા શાસ્ત્રીય સંગીતનું ભાવિ મધ્યાહ્નન સમયે સોળે કળાએ તપતા સૂર્ય જેવું ઉજ્જવળ છે. દેશના ખૂણે ખૂણે નવી પ્રતિભાઓ પાંગરી રહી છે. ટેલિવિઝન પર ઇન્ડિયન આઇડોલ અને સા રે ગા મા પા જેવા કાર્યક્રમો માણતા રસિકો આ હકીકત જાણે છે અને સમીક્ષકોની ટૂંકી દ્રષ્ટિ જોઇને મલકાય છે.

Gujarat
News
News
News
Magazines