- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
લાંબા અંતરની ટ્રેનમાં બેઠેલા લોકો સમય પસાર કરવા સહપ્રવાસીં સાથે ગંજીપાનાં પાનાં રમવા માંડે છે, શ્રાવણ વદ આઠમ અર્થાત્ જન્માષ્ટમીની આસપાસ પણ ઘણા લોકો યથાશક્તિ રોકડ નક્કી કરીને જુગાર રમે છે, કહેવાતી સોશ્યલ ક્લબોમાં પણ રોજ સાંજ પડયે સુખી ગણાતા સજ્જનો પાનાં રમીને ટાઇમ પાસ કરે છે. જેઠ માસની માથાફાડ ગરમીમાં જે થોડી ઇન્ડોર ગેમ્સ છે એમાં કેરમ, ચોપાટ, ચેસ સાથે ગંજીપાનાં પાનાં પણ આવી જાય. અત્યારે સ્કૂલ કૉલેજોમાં સમર વેકેશન ચાલે છે. એટલે ઘરમાં બેસીને આવી રમતો દ્વારા સમય પસાર કરવામાં કશું ખોટું નહીં. ગંજીપાનાં પાનાં કોઇ ગુપ્ત સંદેશો આપે છે એવું કોઇ કહે તો તમે માનો ખરા ?
તાજેતરમાં સોશ્યલ મિડિયા પર એક સરસ સંદેશો મળ્યો. મોકલનારે પોતાની ઓળખ આપી નહોતી પણ એવો દાવો જરૂર કર્યો કે ગંજીપાનાં બાવન પાનાં વાસ્તવમાં એક અધ્યાત્મ સંદેશ છે. પોતાના આ દાવાના સમર્થનમાં એ સજ્જને નીચે મુજબની વિગતો મોકલી હતી. માનવું ન માનવું તમારો વિશેષાધિકાર છે. પણ વિગત છે રસપ્રદ. માણો તમે પણ.
બાવન પાનાં એટલે વર્ષના બાવન સપ્તાહ. ચાર પ્રકારનાં પાનાં એટલે ચાર દિશાઓ. દરેક રંગનાં તેર તેર પાનાં એટલે ૧૩ અઠવાડિયાં. બાવનના આંકડાને તેર વડે ગુણી કાઢીએ તો આવે ૩૬૪. એમાં જોકર ઉમેરો એટલે થાય ૩૬૫. એક વર્ષ પૂરુ. બે જોકર રાખીએ તો ૩૬૬ અર્થાત્ લીપ યર. યોગાનુયોગે અત્યારે અધિક માસ ચાલે છે. અધિક જેઠ.
દરેક રંગનાં તેર પાનાંમાં ચિત્રો સાથે બાર બાર પાનાં એટલે વર્ષના બાર મહિના. લાલ અને કાળો રંગ દિવસ અને રાત સૂચવે છે. હવે દરેક પાનાનો ભાવાર્થ વાંચો. દુડી એટલે પૃથ્વી અને આકાશ, તીડી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ચોગ્ગો એટલે ચાર વેદ અથર્વવેદ, સામવેદ, રૂગ્વેદ અને યજુર્વેદ. પંજો એટલે (કોંગ્રેસ પક્ષ નહીં) પંચપ્રાણ- પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. છગ્ગો એટલે દરેક વ્યક્તિને પજવતા ષડ્ રિપુ- કામ ક્રોધ, મોહ, મદ, મત્સર અને લોભ. સત્તો એટલે વિશ્વના સાત મહાસાગર, અઠ્ઠો એટલે અષ્ટ સિદ્ધિ, નવ્વો એટલે નવ ગ્રહ, દસ્સો એટલે દશ ઇન્દ્રિયો- પાંચ જ્ઞાાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય. ગુલામ એટલે મનની અતૃપ્ત વાસનાઓ, રાણી એટલે માયા, રાજા એટલે આપણને સતત નચાવતું મન અને એક્કો એટલે માણસનો વિવેક. સામો ખેલાડી એટલે પ્રારબ્ધ.
પુરુષાર્થ અને પ્રારબ્ધનો વિવેકસરનો સમન્વય થાય તો માણસ જીવનમાં કદી દુઃખી ન થાય. વાસ્તવ જીવનમાં થાય છે એવું કે માણસ કેટલીક વાર પુરુષાર્થ ઓછો કરે છે એટલે ધારી સફળતા મળતી નથી. પછી નસીબને દોષ દે છે. કદાચ એ અર્થમાં જ ભગવાને ગીતામાં કહ્યું કે તારે ફળની આશા રાખ્યા વિના કામ કર્યે જવાનું છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક બાળકાવ્યમાં કીડીનો દાખલો આપ્યો છે. તમે કીડીની હાર જુઓ. સતત દોડતી હશે. ભાગ્યે જ કોઇ કીડી બેઠેલી કે આરામ કરતી નજરે પડશે. દોડતી વખતે આંખના પલકારા જેટલી ક્ષણ પૂરતી બીજી કોઇ કીડીને કશોક સંદેશો આપીને ફરી દોડતી થઇ જશે. અન્ય એક બાળકાવ્યમાં કરોળિયો જાળ કરતાં સાત વાર પછડાય એવું પણ વર્ણન આવે છે. પડયા પછી તરત ઊભા થઇને સક્રિય થઇ જવાનું હોય.
ગંજીપાનાં પાનાંનો ગૂઢાર્થ કેટલો બધો રસપ્રદ છે એ તમે સમજી શક્યા હશો. લાખો લોકો ક્લબોમાં બેસીને પાનાં ટીચતા હશે. કેટલાક લોકો રમૂજમાં અમે બાવન પાનાંની ગીતા વાંચીએ છીએ એવું પણ કહેતાં હોય છે. રમૂજમાં કહેવાયેલા એ શબ્દોની ભીતર રહેલો આ ગૂઢાર્થ ખરેખર રસપ્રદ છે. રમતી વેળા આ ગૂઢાર્થ યાદ કરીએ તો કશું ખોટું નહીં.
મહાભારતમાં ચોપાટની રમતનો ઉલ્લેખ છે. અગાઉ આ ચોપાટના ગૂઢાર્થ વિશે પણ કોઇએ રસપ્રદ અર્થઘટન રજૂ કરેલું. એ તમારી સાથે વહેંચવાનું રહી ગયેલું. આ વખતે એવું ન થાય એની તકેદારી રાખીને અહીં તમારી સમક્ષ રજૂ કરી દીધું. માનવું ન માનવું તમારો પ્રિવિલેજ છે. દરેક પ્રવૃત્તિનો શબ્દાર્થ અને ભાવાર્થ હોય છે. ક્યારેક આવો ભાવાર્થ યાદ કરવામાં પણ લહાવો છે.


