For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નિર્ભયતા કેળવીને સુષુપ્ત ઊર્જા જાગ્રત કરો પવનપુત્રનો સંદેશ

Updated: Apr 27th, 2021

Article Content Image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- હનુમાન એક સર્વોત્તમ સેવક, તમામ ઉત્તમ ગુણોથી યુક્ત, વ્યવહાર કુશળ અને ખરા અર્થમાં ભક્ત છે

- દરેક વ્યક્તિના અંતરમાં બ્રહ્મતત્ત્વ બિરાજમાન છે. પ્રાચીન ગ્રંથોમાં કહ્યું છે યથા પિંડે તથા બ્રહ્માંડે

આજે  ચૈત્ર સુદ પૂનમ છે. વ્રતની પૂનમ ગઇ કાલે ગઇ. આજે હનુમાન જયંતી છે. રામાયણ અને મહાભારત બંને ભારતીય મહાકાવ્યોમાં એક એક વાયુપુત્ર છે. રામાયણમાં હનુમાનજીને વાયુપુત્ર કે પવનપુત્ર કહ્યા છે. મહાભારતમાં ભીમને વાયુપુત્ર કહ્યો છે. બહુ સૂચક પરિચય છે. હનુમાન વાનર નથી. માણસમાત્રમાં વાનરવૃત્તિ હોય છે એનું પ્રતીક છે. બાળપણમાં દરેકે યથાશક્તિ વાનરવેડા કર્યા હોય છે. વાસ્તવમાં હનુમાન એક સર્વોત્તમ સેવક, તમામ ઉત્તમ ગુણોથી યુક્ત, વ્યવહાર કુશળ અને ખરા અર્થમાં ભક્ત છે. એક લોકકથા પ્રમાણે અયોધ્યા પાછાં ફર્યા પછી સીતામાતાએ હનુમાનને એક રત્નજડિત હાર આપ્યો. હનુમાને છાતી ચીરીને પોતાના હૃદયમાં બિરાજમાન સીતારામ દેખાડયાં. લોકકથા છે. 

વાસ્તવમાં દરેક વ્યક્તિના અંતરમાં બ્રહ્મતત્ત્વ બિરાજમાન છે. પ્રાચીન ગ્રંથોમાં કહ્યું છે યથા પિંડે તથા બ્રહ્માંડે. અત્યારે કોરોના કાળમાં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. આપણે સૌ પવનપુત્ર છીએ. જરા કલ્પના કરી જુઓ. વાયુ વિના જીવી શકાય ખરું ? આપણને જીવાડી રહેલા વાયુને આપણે પ્રાણવાયુ (ઓક્સિજન) કહ્યો છે. સર્જનહારે અવકાશમાં ભરપુર પ્રાણવાયુ ભેટ આપ્યો હતો. ઔદ્યોગિક અને ટેક્નિકલ પ્રગતિના નામે માણસે પ્રદૂષણ વધાર્યું, દિવસ દરમિયાન સાવ મફત ઓક્સિજન આપતાં વૃક્ષો જડમૂળથી ઊખાડી નાખ્યાં એટલે પ્રાણવાયુની અછત થઇ.

હજુ પૂરતો સમય છે. દરેકે જાગ્રત થઇ જવાની તાતી જરૂર છે. રામાયણમાં એક સરસ પ્રસંગ છે. સીતામાતાની શોધમાં નીકળેલી રામસેના (એને વાનર કહીને અનાદર ન કરાય) સમક્ષ દરિયો આવ્યો ત્યારે બધા મૂંઝાયા હતા. જાંબુવાને હનુમાનમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગ્રત કરી અને પ્રભુકૃપાથી હનુમાન દરિયો ઓળંગીને લંકા પહોંચી ગયા. અત્યારે કોરોના વાઇરસ જાંબુવાન બનીને આવ્યો છે. એ દરેકને હાકલ કરે છે, જાગો, ઊઠો, તમારી પૂરેપૂરી શક્તિને કામે લગાડો.

એક વિદેશી વિચારકે કહ્યું છે કે અત્યંત કટોકટી જેવી અથવા કહો કે જીવન-મરણની સમસ્યા જેવી સ્થિતિ સર્જાય ત્યારે માણસની પૂરેપૂરી ક્ષમતા કામે લાગે છે. સડક પર વિચારમાં ચાલ્યો જતો માણસ કોઇ વાહન ધસી આવતું જુએ ત્યારે પોતાની તમામ શક્તિ કામે લગાડીને જીવ બચાવવા મથે છે. અત્યારે આપણા સૌ માટે એવી કટોકટી સર્જાઇ છે. એનાથી ડર્યા વિના ધીરજભેર એનો સામનો કરવાનો છે. એ માટે મૂળ ભારતીય એવા બે ત્રણ પ્રાચીન પ્રયોગો કરવાના છે. 

એક પ્રયોગની વાત આ સ્થળેથી અગાઉ કરેલી. એ પ્રયોગ એટલે સસ્વર ઓમકારનું ગાન. વહેલી સવારે ઊઠીને મુખશુદ્ધિ કર્યા બાદ ચા-કોફી પી લીધા પછી શાંતિથી બેસીને દસેક મિનિટ ઓમકાર ગાઓ. ઓમકાર લોહીમાં અને ખાસ તો મગજમાં ઓક્સિજન વધારે છે એ હકીકત હવે તો આધુનિક વિજ્ઞાાન પણ સ્વીકારે છે. બીજો પ્રયોગ ધીરજભેર ઊંડા શ્વાસ લેવાનો છે. અનુકૂળ આસનમાં બેસીને જરાય ઉતાવળ કર્યા વિના ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવાનો પ્રયોગ કરવા જેવો છે. જેમને ફાવટ હોય એ અનુલોમ-વિલોમ પ્રાણાયામ પણ કરી શકે. 

ત્રીજો પ્રયોગ સવાર-સાંજ ગરમ પાણીમાં સૂંઠ નાખીને એનો નાસ લેવાનો છે. આવા સાદા સીધા પ્રયોગોથી રોગ પ્રતિકાર શક્તિ આપોઆપ વધે છે. આ બધાંની સાથોસાથ દ્રઢનિશ્ચય કરવાનો છે કે મને કશું નહીં થાય. એને ઓટો-સજેશન કે ઓટો-હિપ્નોટીઝમ કહે છે.આપણે સૌ પવનપુત્ર છીએ, બજરંગ બલિના વંશજો છીએ એ યાદ રાખીને આ કટોકટીનો સામનો કરવાનો છે. ડર ગયા વહ મર ગયા એ હૈયામાં કોતરી રાખવાનું છે.

Gujarat