Get The App

વિક્રમ સંવતના અંતિમ દિવસે એક સંકલ્પ સાચા દિલથી લેવા જેવો છે- માતૃભાષાના જતનનો

Updated: Oct 25th, 2022

GS TEAM

Google News
Google News
વિક્રમ સંવતના અંતિમ દિવસે એક સંકલ્પ સાચા દિલથી લેવા જેવો છે- માતૃભાષાના જતનનો 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

હિન્દુ પંચાંગ મુજબ વિક્રમ સંવત ૨૦૭૮નો આજે છેલ્લો દિવસ છે. ચોમેર આનંદની હેલી વરસી રહી છે. દસે દિશામાં ફટાકડા, આતશબાજી અને વીતેલા વરસનાં લેખાંજોખાં થઇ રહ્યાં છે. એવા તહેવારના પરોઢે એક વિચાર સતત મનમાં આવી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી સાશિયલ મીડિયા પર કેટલાક મિત્રો ગુજરાતી ભાષા વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ખૂબ સારી વાત છે. 

કડવું લાગે એવું પણ એક સત્ય એવું છે કે ગુજરાતી પ્રજાને પોતાની માતૃભાષાની બહુ પરવા નથી. બે બંગાળી કે બે મરાઠી માણસ સામા મળે ત્યારે હોંશભેર પોતાની માતૃભાષામાં બોલવા માંડે છે. ગુજરાતીઓ સામા મળે ત્યારે કાં તો 'મુન્નાભાઇ એમબીબીએસ'ના ટપોરીની બોલી બોલવા માંડે છે અથવા અંગ્રેજીમાં ફેંકાફેંક કરવા માંડે છે.

આનું એક કારણ કદાચ એ હશે કે દેશાંતર કરી જવાના કિસ્સા દિવસે ન વધે એટલા રાત્રે વધે છે. વેપારીઓ, આઇટી નિષ્ણાતો, રાતોરાત સંપત્તિવાન થઇ જવાના સ્વપ્ના નિહાળતા યુવાનો અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેેલિયામાં સ્થાયી થવાની યોજનાઓ ઘડે છે. વિદેશમાં જઇને સ્થાયી થવું હોય તો અંગ્રેજી ભાષા પર સારો કાબુ જોઇએ. એટલે માતૃભાષા તરફ થોડાક લાપરવાહ થઇ જાય છે. માતૃભાષાનું અપમાન કે અવગણના કરવાની તેમની ઇચ્છા હોતી નથી. અજાણતામાં માતૃભાષા તરફ બેધ્યાન થઇ જાય છે.

અગાઉ એકવાર આ સ્થળેથી કહેલું કે એકમાત્ર દાઉદી વહોરા એવી કોમ અને સમાજ છે જ્યાં વડા ધર્મગુરુ સૈયદના સાહેબે પોતાના કરોડો અનુયાયીઓને સ્પષ્ટ શબ્દોમાં આદેશ- યસ, સૂચના નહીં, આદેશ આપ્યો છે કે તમારાં સંતાનો ગુજરાતી ભાષા વાંચે, બોલે લખે તો જ તમે સાચા દાઉદી વહોરા. સૈયદના સાહેબે તો સૂરતમાં એક સંસ્થા પણ સ્થાપી છે જ્યાં કુરાને શરીફ શુદ્ધ ગુજરાતીમાં પ્રગટ થાય છે. આ છે ભાષા પ્રેમ. 

ક્યારેક વિચાર આવે છે કે મરાઠી અને બંગાળી પ્રજામાં આટલો બધો માતૃભાષા પ્રેમ શી રીતે પ્રગટયો હશે. મરાઠી સાહિત્યકારો, મરાઠી નાટયકારો, ગાયકો સંગીતકારો પોતે પણ માતૃભાષાનો પ્રગટપણે પ્રચાર કરે છે. એવું જ બંગાળી સાહિત્યકારો કે કલાકારો માટે કહી શકાય. ગુજરાતી પ્રજામાં કોણ જાણે કેમ માતૃભાષા પ્રત્યે માતાના ધાવણ જેવો અને જેટલો પ્રેમ દેખાતો નથી.

આવતી કાલથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. આ વાંચનાર દરેક વ્યક્તિ કોઇ ને કોઇ સંકલ્પ લેતી હશે. એકાદ સંકલ્પ માતૃભાષા માટે ન લઇ શકાય? આ વાત ખાસ તો લેખકો, કવિઓ અને ઊગતા પત્રકારો માટે બહુ મહત્ત્વની છે. 

સાચી જોડણી, યોગ્ય સ્થાને અનુસ્વાર અને વ્યાકરણ શુદ્ધ ભાષા એ કોઇ પણ કવિ, સાહિત્યકાર અને પત્રકાર માટે અનિવાર્ય ગણાવા જોઇએ. અલબત્ત, દરેક વ્યવસાયીને ગુજરાતી ભાષા તો આવડવી જ જોઇએ. ભલે પ્રાદેશિક બોલીઓને લઇને ઉચ્ચારોમાં થોડો ઘણો ફરક પડી જાય, પરંતુ મૂળ માતૃભાષા અકબંધ રહેવી ઘટે. અલબત્ત, આપણા જ એક મૂર્ધન્ય કવિએ ટકોર કરતાં લખ્યું છે - ગાંડી ગુજરાત, આગુ સે લાત, પીછુ સે બાત... એ મહેણું આપણે સૌએ સાથે મળીને નષ્ટ કરવું જોઇએ. મા જેવી  માતૃભાષા માટે એટલું તો જરૂર કરી શકાય. 

ગુજરાતીઓની સાડા છથી સાત કરોડ લોકોની વસતિ છે. ખપ પૂરતું અક્ષરજ્ઞાાન ધરાવતા લોકો લખે ત્યારે ક્યાંક સરતચૂક થતી હશે. પરંતુ વિવિધ જ્ઞાાનશાખાના સ્નાતક એવા લોકોને તો માતૃભાષા સરખી આવડે એ અનિવાર્ય જરૂરિયાત છે.

 ઘણા આશાવાદી મિત્રો કહે છે કે છેક હેમચંદ્રાચાર્યથી એટલે કે છેલ્લાં હજાર બારસો વર્ષથી ચાલી આવતી ગુજરાતી ભાષા એમ કંઇ ભૂલાઇ થોડી જવાની છે? એ તો રહેશે જ. થોડોક ઘસારો લાગશે એટલું જ બાકી ભાષા તો રહેવાની. આશા અમર છે, પણ મિત્રો, માતૃભાષાના જતન અને પોષણ માટે આપણે સૌ સાચા દિલથી સંકલ્પ કરીએ એ આજની અનિવાર્ય જરૂરિયાત છે એમ નથી લાગતું ?

Tags :