Get The App

પોલીસ અધિકારીઓ કે લશ્કરી જવાનોના માનવ અધિકારોનું શું, યોર ઓનર?

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
પોલીસ અધિકારીઓ કે લશ્કરી જવાનોના માનવ અધિકારોનું શું, યોર ઓનર? 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

'તમારો પુત્ર, ભત્રીજો કે ભાણેજ લશ્કરમાં ફરજ બજાવી રહ્યો છે કે? જેનો ચૂડી ચાંલ્લો અકાળે નંદવાઇ ગયો છે એવી પુત્રવધૂ કે પુત્રી તમારા પરિવારમાં છે કે? તમારો જવાબ હું જાણતો નથી પરંતુ એક વાત હું બરાબર સમજું છું. ધર્મના નામે નિર્દોષોનું લોહી વહાવતા આતંકવાદી ઠાર થવાને યોગ્ય છે. ઠાર થવા જ જોઇએ. એર કંડિશન્ડ ઓફિસમાં બેસીને માનવ અધિકારોની સૂફિયાણી વાતો કરવી સહેલી છે. સીમાડા સાચવતા જવાનો બરફથી છવાયેલા પર્વતો પર કેવી વિષમ પરિસ્થિતિમાં બારે માસ  ફરજ બજાવે  છે એ કહેવાતા સેક્યુલરો શું જાણે? લશ્કરની ત્રણે પાંખના વડા રાષ્ટ્રપતિ છે. લશ્કરના જવાનો ફરજ બજાવતાં સરહદ પારથી ગેરકાયદે ઘુસી આવેલા અને વિદેશી શસ્ત્રો ધરાવતા આતંકવાદીને ઠાર કરે એ એની ફરજનો એક ભાગ છે. સુપ્રીમ કોર્ટે એ વિશે જે કંઇ કહેવાનું હોય તે રાષ્ટ્રપતિને કહે, લશ્કરના જવાનો સામે પોલીસ પગલાં લેવાનું કહીને સુપ્રીમ કોર્ટ આ દેશના સમર્પિત લશ્કરનું અવમૂલ્યાંકન કરી રહી છે....'

જમ્મુ-કશ્મીરમાં જુવાનજોધ પુત્ર ગુમાવનારા એક નિવૃત્ત લશ્કરી અધિકારીનો આ પુણ્યપ્રકોપ સુપ્રીમ કોર્ટને સંબોધીને સોશ્યલ મીડિયા પર લખાયેલા એક પત્રમાં રજૂ થયો છે. છેલ્લા થોડા સમયથી આ પત્ર સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે. કર્નલ એ એન રોયના નામે આ પત્ર પ્રગટ થયો છે. શક્ય છે, આ નામના કોઇ કર્નલ ભારતીય લશ્કરમાં ન હોય, શક્ય છે કે ફરજ પરના કે નિવૃત્ત કોઇ લશ્કરી અધિકારીએ આવો કોઇ પત્ર લખ્યો પણ ન હોય. છતાં એક વાત સો ટકા સાચી છે. માત્ર ભારતમાં નહીં, દુનિયાભરમાં ધર્મના નામે નિર્દોષોનું લોહી વહાવાઇ રહ્યું છે અને એ વહાવનારા આતંકવાદીઓને પાકિસ્તાન અને કેટલાક ઇસ્લામી દેશોનું પીઠબળ છે. પાકિસ્તાન તો જિહાદી આતંકવાદની જનેતા છે. 

જમ્મુ-કશ્મીરમાં કે દેશના અન્ય કોઇ વિસ્તારમાં જ્યારે જ્યારે કોઇ આતંકવાદી ઠાર થાય ત્યારે એના કબજામાંથી પાકિસ્તાનના નામ ધરાવતાં હથિયારો મળે છે. એની તસવીરો અને વીડિયો આખી દુનિયા ટીવી ચેનલ્સ પર જુએ છે. તેમ છતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ખાસ તો વ્યવસાયે વકીલ એવા કપિલ સિબ્બલ કે મનુ અભિષેક સંઘવી તરત સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે છે કે હે માઇબાપ, જુઓ જુઓ. આતંકવાદીઓના નામે ચોક્કસ લઘુમતિ યુવાનોના માનવ અધિકારોનો ભંગ થયો છે. સુપ્રીમ કોર્ટ તરત તપાસનો આદેશ આપે છે.

અહીં સુપ્રીમ કોર્ટને એક બે સવાલ પૂછવા છે. થોડા મહિના પહેલાં સ્થાનિક લોકોની મદદથી પહલગામમાં પર્યટન માટે આવેલા લોકો પર આતંકવાદી હુમલો થયેલો. એના વીડિયો આખી દુનિયાએ જોયા છે. આતંકવાદીઓએ જે જે લોકોને ઠાર કર્યા એ બધાંને પૂછેલું કે તમારું નામ શું છે, તમારો ધર્મ કયો છે? આ હુમલામાં માર્યા ગયેલા પર્યટકોના માનવ અધિકારોનું શું? સુપ્રીમ કોર્ટે એમના માનવ અધિકારોના રક્ષણ માટે કયાં પગલાં લેવાનો આદેશ આપ્યો? આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થતા પોલીસ અધિકારીઓ કે લશ્કરી જવાનોના માનવ અધિકારોનું શું, યોર ઓનર?

સુપ્રીમ કોર્ટને માત્ર આતંકવાદીઓના માનવ અધિકારોની જ ચિંતા છે કે? જે નિર્દોષોનું લોહી વહે છે એમના માનવ અધિકારોની ચિંતા ક્યારેય આ કહેવાતા સેક્યુલરો કે માનવ અધિકારવાદી સંસ્થાઓએ કરી છે ખરી કે?

પત્રલેખકે જે મુદ્દો ઊઠાવ્યો છે એ પણ વિચારપ્રેરક છે. દેશના સીમાડા જાનના જોખમે સાચવતા અને બારેમાસ હિમાચ્છાદિત પહાડો પર અતિ જોખમી હવામાન વચ્ચે ફરજ બજાવતા લશ્કરી જવાનો વિશે એક પણ શબ્દ કહેવાનો અધિકાર દેશની કોઇ કોર્ટને હોઇ શકે નહીં. લશ્કરની ત્રણે પાંખના વડા રાષ્ટ્રપતિ છે. તમે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી શકો છો કે ફલાણા જવાને આતંકવાદીને નામે કોઇ નિર્દોષને ઠાર કર્યો છે. 

એની પાસે જવાબ માગો. બાકી લશ્કરના ફરજનિષ્ઠ અને સમર્પિત જવાનો પર શંકા કરીને તેમની સામે ફોજદારી ધારા હેઠળ કામ ચલાવવાનો આદેશ આપીને સુપ્રીમ કોર્ટ ભારતીય લશ્કરનું ઘોર અપમાન કરી રહી છે. દેશના દરેક સજાગ નાગરિકે આ મુદ્દે અવાજ ઊઠાવવો જોઇએ. નહીંતર એક સમય એવો આવશે જ્યારે સમજદાર માતાપિતા પોતાના સંતાનને લશ્કરમાં મોકલતા પહેલાં સો વાર વિચાર કરશે.