- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
છેલ્લાં બે-ત્રણ અઠવાડિયાથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનને ખુવાર કરી નાખવાના હોકારા પડકારા કરી રહ્યા છે. ઇરાન મચક આપતું નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે વિશ્વમાં છપ્પનથી વધુ ઇસ્લામી દેશો છે, પરંતુ કોઇ કહેતાં કોઇ ઇરાનની તરફેણમાં અવાજ ઊઠાવતું નથી કે જરૂર પડયે ઇરાનને સહાય કરવાની તૈયારી પણ વ્યક્ત કરતું નથી. અમેરિકા સતત ઇસ્લામી દેશોના કોઇ ને કોઇ આગેવાનનો ઉપયોગ પોતાની તરફેણમાં કરીને કામ પૂરું થયે એ વ્યક્તિને મરેલા ઉંદરની જેમ ફેંકી દે છે. છેલ્લાં થોડાં વરસના ઇતિહાસ પર નજર કરશો તો તમને આ વાતનો પુરાવો મળી જશે. અમેરિકા અને રશિયાની આંખો વઢતી હતી ત્યારે અમેરિકાએ અફઘાન નેતા મુલ્લા ઉમરને રશિયા વિરુદ્ધ ઉશ્કેર્યો. પોતાનું કામ પત્યે અમેરિકાએ મુલ્લા ઉમરને પતાવી દીધો, એટલું જ નહીં, અફઘાનિસ્તાનને પણ ખુવાર કરી નાખ્યું.
અમેરિકાએ જ રશિયા વિરુદ્ધ ઓસામા બિન લાદેનને પેદા કરેલો. લાદેને અમેરિકાને પાઠ ભણાવવા ૯-૧૧ના હુમલાનું આયોજન કર્યું ત્યારે એ જ અમેરિકાએ પાકિસ્તાનની અંદર ઘુસીને અબોટાબાદમાં લાદેનને અર્ધી રાત્રે પતાવીને એના મૃતદેહને દરિયામાં દફનાવી દીધો. ઇરાનની વિરુદ્ધ ઇરાકના સદ્દામ હુસૈનને અમેરિકાએ પ્રોત્સાહન આપ્યું. પછી જ્યારે એમ લાગ્યું કે સદ્દામ જરૂર કરતાં વધુ શક્તિશાળી બની રહ્યો છે ત્યારે અમેરિકાએ સદ્દામને પતાવી નાખ્યો.
અમેરિકાએ યમન વિરુદ્ધ બગદાદી અને આઇએસઆઇએસને ખડા કર્યા. પોતાનું ધાર્યું થઇ જતાં અમેરિકાએ બગદાદીની ઠંડે કલેજે હત્યા કરી દીધી. થોડીક અતિશયોક્તિ કરીને એમ પણ કહી શકાય કે વિશ્વના મોટા ભાગના ઇસ્લામી દેશોને અમેરિકાએ એક યા બીજી રીતે ખુવાર કરી નાખ્યા છે.
આ બધી ઘટનાઓ ધ્યાનમાં લઇએ તો એમ લાગે કે અમેરિકા સતત ઇસ્લામને મહોરું બનાવીને પોતાનું કામ કઢાવતું રહ્યું છે. આજે મોટા ભાગના ઇસ્લામી દેશો કાં તો અમેરિકાના ખંડિયા જેવા છે અને જે ઇસ્લામી દેશો અમેરિકાના કહ્યાગરા નથી એ રશિયા કે બીજા કોઇ દેશનો સાથસહકાર શોધી રહ્યા છે. સૌથી વધુ આઘાતજનક વાત તો એ છે કે આટઆટલી ઘટનાઓ પછી પણ ઇસ્લામના અનુયાયીઓ ઇઝરાયેલ કે યહૂદીઓને પોતાના શત્રુ સમજે છે. આમ જુઓ તો ઇઝરાયેલ પણ અમેરિકા તરફી છે. ઇસ્લામી દેશોને ઇઝરાયેલ વિરુદ્ધ ભડકાવવાનું કામ આરબ દેશો કરે છે. જોકે અત્યારે તો સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે ગંભીર મતભેદ સર્જાયા છે અને એનો સમયસર નિવેડો નહીં આવે તો મિડલ ઇસ્ટમાં એના ઘેરા પ્રત્યાઘાત પડશે. યુરોપનાં માતબર અખબારો સતત આ બંને દેશો વચ્ચેના મતભેદ વિશે સમીક્ષાત્મક લેખો પ્રગટ કરતા રહ્યા છે. કેટલાક સમીક્ષકો માને છે કે આરબ દેશો પણ અમેરિકાનાં મોહરાં છે એટલે જ અમેરિકાએ હજુ સુધી સંયુક્ત આરબ અમીરાતને હાથ લગાડયો નથી. અમેરિકાને જ્યારે એમ લાગશે કે યુએઇ એની સામે આંખ કાઢી રહ્યું છે એ ઘડીએ યુએઇનો ઘડો લાડવો કરી નાખશે. આરબોના સહકારથી અમેરિકા આજે પણ કેટલાક મુસ્લિમ દેશોનો મહોરા તરીકે પોતાની ફેવરમાં ઉપયોગ કરી રહ્યું છે.
અમેરિકામાં મુસ્લિમોની વસતિ વધતી ચાલી છે, પરંતુ અમેરિકા કાયમ ઇસ્લામીઓને મહોરા તરીકે વાપરતું રહ્યું છે. બરાક ઓબામા જેવા મુસ્લિમ પ્રમુખ હતા ત્યારે પણ અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર થયો નહોતો. ચીન અને ભારતની પ્રગતિને અટકાવવા છેલ્લા કેટલાય દાયકાથી અમેરિકા પાકિસ્તાનનો મહોરા તરીકે ઉપયોગ કરી રહ્યું છે એ હકીકત પાકિસ્તાનના બેવકૂફ શાસકોને સમજાતી નથી. ગયા અઠવાડિયે પીસ બોર્ડમાં પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ ખાને જગજાહેર અમેરિકાની આરતી ઉતારી છતાં એ જ બેઠકમાં ટ્રમ્પે શાહબાઝને કોડીના કરી નાખ્યા.
ઇરાનને આપેલું અલ્ટીમેટમ પૂરું થાય એના પર અત્યારે સૌની નજર છે. ટ્રમ્પ ફક્ત હોકારા પડકારા કરે છે કે ખરેખર ઇરાન પર હુમલો કરે છે એ જોવાનું છે. ઇરાન પર હુમલો કરે ત્યારે ઇસ્લામી દેશો શું કરશે એ જોવાનું રસપ્રદ થઇ પડશે.


