દરેક દુર્ઘટના વખતે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવાની કવાયત કરાય છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- ભૂલકાંઓનાં માબાપને બે પાંચ લાખ રૂપિયા આપવાથી વાત પૂરી થઇ જતી નથી. આવી દુર્ઘટના ફરી ન બને એ માટે કયાં નક્કર પગલાં લેવામાં આવશે?
મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની કે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ થયેલી વડોદરાની હરણી સરોવર દુર્ઘટના ખરેખર આઘાતજનક બની રહી. ગુજરાત રાજ્યમાં કયા પક્ષની સરકાર છે એ મહત્ત્વનું નથી. હાલના શાસક પક્ષે પુરવાર કર્યું છે કે અગાઉના શાસક પક્ષ કરતાં પોતે જરાય જુદો નથી. મોરબી પુલ હોનારત હોય કે અમદાવાદના કાંકરિયા મનોરંજન પાર્કની રાઇડની દુર્ઘટના હોય કે સૂરત, રાજકોટ અને અમદાવાદના ફ્લાયઓવર પુલોની દુર્દશા હોય... ફ્લાયઓવર બને એ પ્રજાના પૈસે બને છે, ધારાસભ્યના પૂજ્ય પિતાશ્રીના પૈસે બનતા નથી. દરેક વખતે એક જ હકીકત બહાર આવે છે કે અયોગ્ય કોન્ટ્રેક્ટરને કામ આપવામાં આવ્યું હતું. મીડિયા દર વખતે શાસક પક્ષની પોલ ખોલતા અહેવાલ પ્રગટ કરે છે કે સંબંધિત કેસના ઠેકેદાર (કોન્ટ્રેક્ટર, ધેટ ઇઝ) પહેલેથી જ ખરડાયેલા હતા.
દર વખતે હોનારત કે દુર્ઘટના પછી લીંપાલીંપણ કરવામાં આવે છે. દેખાડો તો એવો કરાય છે કે સંબંધિત ઠેકેદારને આકરી સજા થશે. કાશ, એવું થતું હોત. પોલિટિશીયનો એમ માને છે કે થોડા દિવસ પછી લોકો બધું ભૂલી જશે, યહ તો આગુ સે ચલી આતી હૈ. આ વખતે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશને હાઇકોર્ટને સુઓ મોટો અરજી લેવાની વિનંતી કરી અને હાઇકોર્ટે એનો સ્વીકાર કર્યો. સારી વાત છે. કાયદો જવાબદારોને કડક શિક્ષા કરીને દાખલો બેસાડે તો સોનામાં સુગંધ ભળે.
જોકે એ પછી પણ કેટલાક સવાલો તો ઊભા રહે છે. વડોદરા કોર્પોરેશને કોની ભલામણથી અથવા કયા કારણે તદ્દન બિનઅનુભવી કોટિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રેક્ટ આપ્યો એની ભીતરનું રહસ્ય આમ આદમીને કદી જાણવા નહીં મળે... કોટિયાએ એ કોન્ટ્રેક્ટ પેટા-કોન્ટ્રેક્ટરને કેવી રીતે, કોની પરવાનગીથી આપ્યો, એ માટે કોટિયાએ કેટલાં નાણાં મેળવ્યા, એમાંથી કોર્પોરેશનના કયા અધિકારી કે કાઉન્સિલરને કેટલો ભાગ મળ્યો એની વિગતો પણ જાહેર થવી જોઇએ.
અન્ય એક અહેવાલ મુજબ હરણી લેકમાં બોટિંગની પરવાનગી સંબંધિત અધિકારીએ આપી નહોતી. તો પછી બોટિંગ શી રીતે શરૂ થયું, એ માટે કોના ગજવાં ભરવામાં આવ્યા એ પણ જાહેર થવું ઘટે. જે અધિકારીએ બોટિંગ કરવાની પરવાનગી નહોતી આપી એ અધિકારીએ ગેરકાયદે બોટિંગ શરૂ થયું ત્યારે એ રોકવા કેવાં પગલાં લીધાં, ન લીધાં તો કેમ ન લીધાં? જિલ્લા કલેક્ટર કે જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશને ઘોળીને પી જનારા કાઉન્સિલરો, ધારાસભ્યો કે અન્ય જવાબદાર અધિકારીઓ સામે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કોઇ નક્કર પગલાં લીધાં છે ખરાં? કે પછી અંધેરી નગરી ને ગંડુ રાજા જેવો ખેલ છે?
જ્યારે જ્યારે કોઇ દુર્ઘટના બને ત્યારે થોડા દિવસ હો-હા થાય છે. પછી ફરી હતા ત્યાંના ત્યાં જેવો ઘાટ થાય છે. એનો અર્થ એમ કે ભ્રષ્ટાચાર ઘટયો નથી, ઊલટો વધ્યો છે. પચાસ વરસ રાજ કરનાર કોંગ્રેસ પક્ષ ગયો, પણ એના સ્થાને ચૂંટાયેલા પક્ષે ભ્રષ્ટાચારને નાથ્યો નથી, વકરવા દીધો છે. તો પછી જનતાએ કોના પર ભરોસો રાખવો અને કેટલો રાખવો? હોડી દુર્ઘટનાનો ભોગ બનેલાં નિર્દોષ ભૂલકાંઓનાં માબાપને બે પાંચ લાખ રૂપિયા આપવાથી વાત પૂરી થઇ જતી નથી. આવી દુર્ઘટના ફરી ન બને એ માટે કયાં નક્કર પગલાં રાજ્ય સરકાર લેવા માગે છે અને એ ક્યારે લેવાય છે એની વિગતો નિયમિત રૂપે જાહેર કરવાની સરકારની કાયદેસરની ફરજ છે. આવા કિસ્સામાં લોકોએ અર્થાત્ મતદારોએ પણ જાગૃત થવાની તાતી જરૂર છે. હોનારતો બન્યા કરે અને મતદારો અખબારોમાં એની વિગતો વાંચીને અરેરાટી અનુભવે એ પૂરતું નથી. સંબંધિત કાઉન્સિલર કે ધારાસભ્યનો કાન મતદારોએ આમળવો જોઇએ અને બીજીવારની ચૂંટણીમાં આવા ખાઉધરા લોકસેવકને ઘરે બેસાડી દેવા જોઇએ. તો જ લોકશાહી શબ્દ સાર્થક થાય. બાકી તો આ ફોકશાહી લાગે છે.