રાજ્યો અને કેન્દ્રનું ગુપ્તચર ખાતું ઘોર નિષ્ફળતાને વર્યું છે, એની ડાઉટ?
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
છેલ્લા પંદર-વીસ દિવસથી ગુજરાતમાં કોઇ ને કોઇ સ્થળે લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું રહ્યું છે. કેટલાંય સ્થળે દેશી (ગટરિયા) દારૂના ભઠ્ઠા ચાલે છે એવી માહિતી અખબારોમાં પ્રગટ થઇ છે. હજુ ગયા સપ્તાહે મહારાષ્ટ્રના રાયગઢના દરિયા કિનારે એકે-૪૭ની રાઇફલ અને કારતૂસ સાથેનું જહાજ પકડાયું હોવાના અહેવાલ હતા. જમ્મુ કશ્મીરની વાત કરીએ તો લગભગ રોજ ભારતીય લશ્કરનો એકાદ જવાંમર્દ જવાન શહીદ થાય છે. શહીદના પરિવારને પાંચ-પંદર લાખ રૂપિયા આપી દેવાથી સરકારની ફરજ પૂરી થતી નથી. શહીદ થઇ ગયેલા જવાનની ખાલી પડેલી જગ્યા ભરવાની હોય છે. એ માટે લશ્કરમાં ભરતી થયેલા નવા સૈનિકને પૂરતી તાલીમ આપીને જમ્મુ કશ્મીર મોકલવો પડે. એ કામ રાતોરાત થઇ શકે નહીં.
અત્યારે એક ઘટના યાદ આવે છે. ૧૯૯૩માં દેશના આર્થિક પાટનગર સમા મુંબઇમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયેલા. એ પછી ભયંકર હિન્દુ-મુસ્લિમ હુલ્લડો થયાં. બંને પક્ષે સારી ખુવારી થઇ. ચોવીસે કલાક ચિક્કાર ભરેલી રહેતી મુંબઇની લોકલ ટ્રેનમાં સાંજે ચાર પાંચ વાગ્યા પછી સોપો પડી જતો. આ કરુણાંતિકા પૂરી થઇ ત્યાર પછીની વાત છે. મુંબઇ પોલીસમાં વરસો સુધી ફરજ બજાવીને નિવૃત્ત થયેલા એક પોલીસ ઇન્સ્પેક્ટરે એક અંગ્રેજી અખબારને ઓફ્ફ ધ રેકોર્ડ એક વાત કરી હતી. આ વાત સંબંધિત દૈનિકે બેધડક પ્રગટ પણ કરી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટરની વાતનો સાર કંઇક આવો હતો. યાદદાસ્તના આધારે એમના શબ્દોમાં રજૂ કરું છું. થોડા શબ્દો આઘાપાછા હોઇ શકે છે. 'અમારી ખબરીની ચઇેનમાં મોટે ભાગે નિરક્ષર અને બેરોજગાર મુસ્લિમ૨ યુવાનો કામ કરતા હતા... એ લોકો અમને બાતમી આપે અને અમે એમને ઓનરેરિયમ (પ્રતીકરૂપ મહેનતાણું) આપીએ... એમની ઓળખ અમે ખાનગી રાખતા. અમારા વરિષ્ઠ ઓફિસર્સ પણ અમારી પાસે ખબરીની ઓળખ કદી માગતા નહીં... ૧૯૯૩ના કોમી હુલ્લડો પછી ખબરીની આ ચેઇન તૂટી ગઇ... હવે અમને મુસ્લિમ યુવાનો દ્વારા પૂરતી બાતમી મળતી નથી...'
બહુ ચોંકાવનારી વાત છે. મુંબઇ અને મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ખબરીની ચેઇન આવા યુવાનોની બનેલી હોઇ શકે. એ પણ તૂટી ચૂકી હશે એમ માની લઇએ. વર્તમાનની વાત પર પાછાં ફરીએ તો ગુજરાતમાં કરોડો રૂપિયાની ડ્રગ્સ આવતી હોય તો એના ગ્રાહકો પણ હશે ને? માત્ર શ્રીમંત બાપના બગડેલા યુવાનો જ ડ્રગ લેતાં હોય એ જરૂરી નથી. ગરીબ અને બેરોજગાર યુવાનો પણ આવી લતનો શિકાર બન્યા હોઇ શકે. બીજી બાજુ મુંબઇમાં આવું બને એ સ્વાભાવિક છે. મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સ ડ્રગના બંધાણી હોવાના અહેવાલો હતા. એમના કહેવાતા ફેન્સ પણ દેખાદેખીથી ડ્રગ લેતાં હશે.
માતૃભૂમિ સાથે ગદ્દારી કરી રહેલો દાઉદ ઇબ્રાહિમ કોણ જાણે કયા ભવનું વેર લઇ રહ્યો છે. એની ગેંગ સતત ડ્રગ ઘુસાડી રહી છે. પહેલાં પંજાબના યુવાનો ડ્રગને રવાડે ચડયા. પછી મુંબઇના યુવાનો વિશે અહેવાલો વહેતા થયા અને હવે ગુજરાતમાં દર બીજે દિવસે કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે. પ્રશ્ન એ છે કે આટલા મોટા પાયા પર ડ્રગ પકડાય, સંખ્યાબંધ દારૂના ભઠ્ઠા ચાલતા હોય, તો રાજ્ય પોલીસના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ શું કરે છે? એમને આ અપરાધોની આગોતરી માહિતી મળતી નથી એવું લાગે છે. આ અધિકારીઓએ પોતાની ખબરીની નવી ચેઇન સ્થાપી નથી? ખબરીની ચેઇન હોય તો એ હાલ નિષ્ક્રિય છે કે? એક આખી પેઢી ડ્રગના સેવનથી ખુવાર થઇ રહી છે.
બિહાર અને મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર સાચવવાના રાજકીય દાવપેચમાં કેન્દ્રનું ગૃહ ખાતું વધુ પડતું વ્યસ્ત હોય એવું લાગે છે. વાસ્તવમાં ગૃહ ખાતાએ જે-તે રાજ્યના પોલીસ ખાતા પાસે જવાબ માગવો જોઇએ. નેતાઓ રાજકીય દાવપેચમાં રાચતાં રહેવાથી દેશને ઘણું નુકસાન થઇ રહ્યું છે. હર ઘર તિરંગા જેવા કાર્યક્રમો થાય એ સારી વાત છે, પરંતુ આઝાદીના ૭૫મા વરસે ડ્રગ અને દેશી (ગટરિયા)ની બેફામ ચાલી રહેલી પ્રવૃત્તિ સરવાળે દેશની યુવા પેઢીને ખોખલી કરી નાખશે. એ તરફ તત્કાળ ધ્યાન અપાય એ અનિવાર્ય છે. કુંભકર્ણની ઊંઘમાં રહેલા સરકારી અધિકારીઓ આ મુદ્દે યુદ્ધ ધોરણે ધ્યાન આપે તો સારું.