For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ-ઓ-શામ શબ્દોનો ગૂઢાર્થ સમજીને સતત ચાલતા રહો...

Updated: Nov 22nd, 2022


- ટુ ધ પોઇન્ટ- અજિત પોપટ

હેડિંગમાં એક લોકપ્રિય ફિલ્મ ગીતનું મુખડું લીધું છે. એ મુખડામાં રહેલો એક ગૂઢાર્થ નાના મોટા સૌ કોઇ માટે મહત્ત્વનો છે. તાજેતરમાં એક વિદેશી વિજ્ઞાાનીએ એના સંશોધનની વિગતો જાહેર કરી. એનું સંશોધન આજના સમયમાં ખૂબ મહત્ત્વનું છે. આ સંશોધનનો સાર એટલો છે કે માણસના પગમાં ડોક્ટરો જેને કાફ મસલ કહે છે એ હકીકતમાં આપણા શરીરનું બીજું હૃદય છે. ગોઠણથી ઘુંટી વચ્ચે પગના પાછલા ભાગમાં આ સ્નાયુ આવેલો છે. નિષ્ણાતો એને એક રિઝર્વોયર એટલે કે સરોવર સાથે સરખાવે છે. શરીરમાં ફરી રહેલા લોહીનો જે હિસ્સો કોઇક ક્ષણે જરૃરી ન હોય ત્યારે એ થોડીવાર માટે આ કાફ મસલમાં સંઘરાઇ રહે છે.

કાફ મસલમાં એવા વાલ્વ છે જે લોહીને હૃદય તરફ ધકેલી શકે છે. ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ એ લોહીને પોતાની તરફ ખેંચી શકતું નથી. નિષ્ણાતો કહે છે કે તમે સતત ચાલતા હો અથવા દોડતા હો ત્યારે કાફ મસલ ફિટ રહે છે. પગમાં રહેલા લોહીને હૃદય તરફ પાછું જવામાં એને સહાય મળે છે. ચાલવા કે દોડવાથી કાફ મસલ પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે છે. માણસ ચાલવા માટે પગ ઉપાડે ત્યારે પગના અન્ય હિસ્સામાં રહેલા ટચૂકડાં વેનસ રિઝર્વોયર લોહીને કાફ મસલ તરફ ધકેલે છે અને કાફ મસલ એને હૃદય તરફ રવાના કરે છે.

માંદગી કે આળસને કારણે માણસ લાંબા સમય સુધી સુતો રહે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં જ્યારે કલાકો સુધી માણસ બેસી રહે ત્યારે કાફ મસલ પોતાનું કામ કરી શકતા નથી. પરિણામે ક્યારેક પગમાં લોહીની ગાંઠ (બ્લડ ક્લોટ) થવાની શક્યતા વધી જાય છે. શરીરની રક્તાભિસરણ વ્યવસ્થા ખોરવાઇ જાય છે. 

ચોપગા જીવોને આ તકલીફ નડતી નથી. ચાર પગે ચાલવાને કારણે એ લોકોના શરીરની સમતુલા આપોઆપ જળવાઇ રહે છે. માણસ બેપગો છે એટલે આખા શરીરનું વજન એના બે પગ પર પડે છે. આપણે ચાલીએ ત્યારે બંને પગમાં શરીરનું વજન વારાફરતી એકસરખા લયથી જળવાતું રહે છે. ચાલવા માટે માણસ પગ ઉપાડે એ સાથે કાફ મસલમાં રહેલું લોહી હૃદય તરફ ધકેલવામાં વેગ આવે છે. આમ આખા શરીરમાં ફરતા લોહીના પ્રવાહનો વેગ અને દબાણ જળવાઇ રહે એ માટે કાફ મસલ સક્રિય રહેવો અનિવાર્ય છે.

પગના ફ્રેક્ચર જેવા કિસ્સામાં માણસ છથી આઠ સપ્તાહ પથારીમાં પડયો રહે ત્યારે કાફ મસલ નિષ્ક્રિય થઇ જવાથી રક્તાભિસરણનું તંત્ર ખોરવાઇ જાય છે અને વધુ લાંબો સમય માણસ પથારીમાં રહે તો પછી અગાઉની જેમ ચાલવામાં એને સારો એવો સમય લાગે છે. આપણા વડીલો એને પગ બંધાઇ ગયા એવા શબ્દપ્રયોગ દ્વારા ઓળખાવે છે. શારીરિક સ્વસ્થતા જાળવવા અને રક્તાભિસરણની નિયમિતતા જળવાઇ રહે એ માટે ચાલવું અનિવાર્ય છે. ડોક્ટરો ડાયાબિટિસ જેવા કેસમાં રોજ એક દોઢ કલાક ચાલવાની સલાહ આપે છે. કાફ મસલનું સંશોધન કરનારા વિજ્ઞાાની કહે છે કે ડાયાબિટિસ હોય કે ન હોય, તંદુરસ્તી જાળવી રાખવા અને રક્તાભિસરણના તંત્રને ચેતનવંતું રાખવા માટે ચાલવું જરૃરી છે. દરેક નોર્મલ વ્યક્તિએ રોજ ઓછામાં ઓછું અર્ધો કલાક ચાલવું જોઇએ. શક્ય હોય તો ધીમી મક્કમ ગતિએ દોડવાની પ્રેક્ટિસ કરવી જોઇએ.

શક્ય હોય તો રોજ અર્ધો કલાક સ્વિમિંગ કરવું જોઇએ. સ્વિમિંગ આખા શરીરને જરૃરી એવો વ્યાયામ બની રહે છે. સ્વિમિંગ દરમિયાન પગના તમામ સ્નાયુને પૂરતો વ્યાયામ મળી રહે છે અને એ પોતાનું કામ સારી રીતે કરતા રહે છે. 

સ્વિમિંગની સગવડ ન હોય એ લોકો ચાલવાની કે દોડવાની કસરત કરીને કાફ મસલને કાર્યશીલ રાખી શકે છે. ઘરની બહાર બગીચામાં જવાની પણ જરૃર નથી. સવાર સાંજ ઘરમાંજ પંદર મિનિટ ચાલી શકો છો. ઘરની આસપાસ નાનકડો વરંડો હોય કે ઘરની નજીક બગીચો હોય તો સારી વાત છે, પરંતુ એ ન હોય તો પણ વાંધો નથી, ઘરમાં ચાલતા રહો. નિષ્ણાતો તો કાફ મસલને શરીરનું બીજું હૃદય ગણાવે છે. છાતીમાં આવેલા હૃદય ઉપરાંત પગમાં આવેલા આ હૃદયનો મહિમા પણ તંદુરસ્તી માટે જેવો તેવો નથી.

Gujarat