Get The App

ઢગલાબંધ ઘટનાઓનો શંભુમેળો- મગજનું દહીં કરી નાખે એવા ઝપાટાબંધ બનાવોની આવનજાવન

- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

- હતાશા કહેતાં ડિપ્રેશનનો કોઇ કાયમી અને સચોટ ઇલાજ થાય એ આજની અનિવાર્ય જરૂરિયાત છે

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
ઢગલાબંધ ઘટનાઓનો શંભુમેળો- મગજનું દહીં કરી નાખે એવા ઝપાટાબંધ બનાવોની આવનજાવન 1 - image


ખાસ્સા લાંબા સમય પછી એવું બન્યું છે જ્યારે માણસના મનની ઝડપે બનાવોની આવનજાવન થઇ છે. અધ્યાત્મના ઉપાસકો કહે છે કે વિનાશક વંટોળિયાના વેગ કરતાં પણ માનવ મનનો વેગ વધુ હોય છે. આવા ઝપાટાબંધ બનતા બનાવોના સાર રૂપે આજે કેટલાક ત્રુટક-છુટક વિચારો રજૂ કર્યા છે. ટૂંકમાં દરેક ઘટનાનેા સાર આ વિચારશ્રેણીમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે.

- એક દક્ષિણ ભારતીય વિજ્ઞાાનીએ કહ્યું કે સૂર્યગ્રહણથી કોરોના વાઇરસ ખતમ થઇ જશે. બીજી બાજુ નવેસર સક્રિય થયેલા જોશીબુવાઓએ એવી આગાહી કરી કે સૂર્યગ્રહણથી ધરતીકંપ, પૂર, વાવાઝોડાં જેવી મોટ્ટી મોટ્ટી કુદરતી આવશે તથા રાજકારણમાં છત્રભંગ થશે.

આ બધા વિદ્વાન જોશી બુઆઓમાંથી કોઇ કહેતાં કોઇએ ૨૦૨૦માં કોરોના ત્રાટકવાની આગાહી કેમ કરી નહોતી, વારુ ? એક કાડયોલોજિસ્ટે જ્યોતિષ શાસ્ત્રના આધાર વિના કોઇ તદ્દન જુદા કારણથી કહ્યું કે આવતા બે ત્રણ સપ્તાહમાં કોરોનાનો પ્રભાવ ઘટી જશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સાઉથના વિજ્ઞાાની સાચ્ચા પડે છે, જોશીબુવા સાચ્ચા પડે છે કે કાડયોલોજિસ્ટ સાચ્ચા પડે છે.

- દરમિયાન, કોરોનાના કેસ અને ખુવારીના આંકડા રોજેરોજ વધતા જાય છે. ખાસ કરીને મુંબઇ, ગુજરાત, દિલ્હી ઇત્યાદિ સ્થળોએ કેસ વધી રહ્યા છે એ નક્કર હકીકત છે. હવે કોરોના વધવા માટે આમ આદમી પોતે જવાબદાર છે. અનિચ્છાએ દોઢ બે માસ લોકડાઉન સહન કર્યા બાદ પાણીની બહાર છટપટતી માછલીની જેમ લોકો આડેધડ ઘરની બહાર નીકળી પડયા. સોશ્યલ ડિસ્ટન્સની, માસ્ક પહેરવાની વગેરે વાતો ભૂલાઇ ગઇ. એટલે કોરોનાના વાઇરસને મોજ પડી ગઇ.

- ચીન અને પાકિસ્તાન જેવા દેશો ભારતને ભીડવાના પ્રયાસો કરે એની કોઇ નવાઇ નથી. પરંતુ મદોન્મત્ત ગજરાજ ચાલ્યો જતો હોય અને પાછળ કૂતરા ભસવા માંડે એમ મગતરું નેપાળ ભારત સામે ઘૂરકિયાં કરવા માંડયું એની નવાઇ લાગે. ચીન તો છેક ૧૯૬૦ના દાયકાથી દગાફટકા માટે જાણીતું છે. વિચક્ષણ રાજકારણી ગણાયેલા પંડિત જવાહરલાલ નહેરુ ચાઉ એન લાઇની 'હિન્દી ચીની ભાઇ ભાઇ'ની વાતોમાં આવી ગયેલા અને ચાઉ એન લાઇએ ભારતની પીઠમાં ખંજર ભોંકી દીધું હતું.

- સુશાંત સિંઘ રાજપૂત તો સેલેબ્રિટી હતો એટલે એના આપઘાતની રાષ્ટ્રવ્યાપી નોંધ લેવાઇ. હકીકતમાં લગભગ રોજ આપઘાતના એકાદ બે બનાવો બનતા રહે છે. આ એક સોશ્યો-સાઇકોલોજીકલ (સામાજિક-મનોવૈજ્ઞાનિક) સમસ્યા છે. એકાદ વિદ્યાર્થી કે વિદ્યાથની પરીક્ષામાં નાપાસ થવાથી જીવન ટૂંકાવે છે તો એકાદ વેપારી આથક સંકડામણના પગલે મૃત્યુની ગોદમાં સુઇ જવાનો નિર્ણય કરે છે. તાજેતરના એવા બનાવમાં મોટેરાની સાથોસાથ બાળકોએ પણ જાન ગુમાવ્યા. હતાશા કહેતાં ડિપ્રેશનનો કોઇ કાયમી અને સચોટ ઇલાજ થાય એ આજની અનિવાર્ય જરૂરિયાત છે. 

- ડિપ્રેશનના વધી રહેલા કેસના સંદર્ભમાં અભિનેતા અનુપમ ખેર નજર સમક્ષ આવે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા વાળ અને ચકચકતી ટાલ સાથે પહેલી જ ફિલ્મમાં વૃદ્ધ પિતાનો રોલ કર્યા બાદ આ માણસે પોઝિટિવ વિચારો, અથાક પુરુષાર્થ અને હતાશ થયા વિના એવી કારકિર્દી જમાવી કે જોતજોતાંમાં પાંચસોથી વધુ ફિલ્મો અને નાટકો કર્યા. એની 'કુછ ભી હો સકતા હૈ' નામની આત્મકથા (કે સંભારણાં-મેમ્વાર્સ) આ સંદર્ભમાં દરેક યુવાને વાંચવી જોઇએ. અનુપમે કુછ ભી હો સકતા હૈ નામે સંખ્યાબંધ વન મેન શો પણ કર્યા છે.

- સપનાં રાત્રે જ આવે એવું જરૂરી નથી. ઘણાને સપનાં દિવસે પણ આવતાં હોય છે. કોંગ્રેસ અને એનસીપીની કાખઘોડી સાથે શાસન કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પણ તાજેતરમાં દિવસે એક સપનું આવી ગયું. પક્ષના સ્થાપના દિને તેમણે પક્ષના કાર્યકરોને કહ્યું કે મહારાષ્ટ્રમાં આપણે મુખ્ય પ્રધાનપદ મેળવી શક્યા એ રીતે એક દિવસ હું દેશના વડા પ્રધાનપદે આપણા પક્ષના નેતાને બેસાડીશ. શાબ્બાશ !

Tags :