For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમામ ચિકિત્સા પદ્ધતિનો ઉદ્દેશ જીવમાત્રને સહાય કરવાનો

Updated: Jun 22nd, 2021

Article Content Image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- પ્રાચીન-અર્વાચીન મળીને નહીં નહીં તોય ત્રીસ પાંત્રીસ ચિકિત્સા પદ્ધતિ હોવાનુ અનુમાન છે

- કોઇ પણ પદ્ધતિના ઉપચારક નિદાન સાચું કરી શકે તો અર્ધી બાજી જીતાયેલી ગણાય

'આ વિદ્યા એ વૈકલ્પિક પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઇરાદો અન્ય ઉપચારક પદ્ધતિઓની જગ્યા લેવાનો નહીં પણ તેને પૂરક થવાનો છે. રોગ અતિ ગંભીર હોય અને રોગનાં લક્ષણો દૂર ન થાય તો કૃપા કરી તરત ડૉક્ટરનો સંપર્ક સાધવો...' ગુજરાત રાજ્ય રેઇકી શિક્ષા કેન્દ્રના વડા પ્રવીણ પટેલે રેઇકી વિશેના પુસ્તકમાં લખેલું આ વિધાન તમામ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિને લાગુ પડે છે.

વિશ્વમાં આજે પણ પ્રાચીન-અર્વાચીન મળીને નહીં નહીં તોય ત્રીસ પાંત્રીસ ચિકિત્સા પદ્ધતિ હોવાનુ અનુમાન છે. યોગવિદ્યા, આયુર્વેદ, યુનાની ઔષધિ પદ્ધતિ, હોમિયોપથી, તાળી ચિકિત્સા, રેઇકી, મુદ્રા વિજ્ઞાાન, સ્વર (સંગીત) ચિકિત્સા, એક્યુપ્રેસર, સુજોક એક્યુપ્રેસર, એક્યુપંક્ચર, સાધુ-સંતો દ્વારા અજમાવાતી પ્રાણ ચિકિત્સા, ઉપચારાર્થે વપરાતી સંમોહન વિદ્યા, ક્ષાર ચિકિત્સા, જળ ચિકિત્સા... યાદી ઘણી લાંબી થઇ શકે. આ તમામ ચિકિત્સા પદ્ધતિએ લેખના આરંભે લખેલા વિધાનનો સર્વાનુમતે સ્વીકાર કરવો ઘટે.

કબૂલ કે આયુર્વેદ હજારો વરસ જૂની ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધિતિના ધુરંધર અભ્યાસીઓએ વિજ્ઞાાન વ્યાખ્યા ન કરી શકે એવા ચમત્કારો કર્યા છે. એક નવાબની વૃદ્ધાવસ્થાને વરેલી ગાયિકા-નર્તકી આપઘાત કરવા જતી હતી ત્યારે વાજીકરણ ઔષધોના સમ્યક ઉપયોગથી એને ફરી યુવાન બનાવવાની સિદ્ધિ ઝંડુ ભટ્ટજીએ મેળવેલી એવી લોકકથા છે. પરંતુ એની પણ કેટલીક મર્યાદા છે. દરેક ચિકિત્સા પદ્ધતિની એક મર્યાદા હોય છે.

તાજેતરમાં બાબા રામદેવ અને એલોપથીના ઉપચારકો વચ્ચે જે મૈં મૈં તૂ તૂ થયું એ સમજદાર નાગરિકો માટે ચિંતાનો વિષય બનવું ઘટે છે. એલોપથી છેલ્લાં ત્રણસો સાડા ત્રણસો વર્ષથી પ્રચારમાં આવી. આ એક અત્યંત આધુનિક ચિકિત્સા પદ્ધતિ છે. સાથોસાથ એ પણ સ્વીકારવું રહ્યું કે આ પદ્ધતિ લક્ષણો દૂર કરે છે, દર્દીના શરીરની રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. એલોપથીનાં ઔષધોની સાઇડ ઇફેક્ટ્સ (આડઅસર) પણ ઘણી છે. બીજી બાજુ આયુર્વેદનાં ઔષધોની આવરદા છ માસની હોય છે એવું આ વિદ્યાશાખાના ઊંડા અભ્યાસીઓ કહે છે. એટલે દરેક ચિકિત્સા પદ્ધતિની એક યા બીજી મર્યાદા છે. 

એક સાવ સાદો દાખલો લઇએ. માથું દુઃખે છે. માથું દુઃખવાના અર્ધો ડઝન કારણો હોઇ શકે છે. મોડી રાત સુધીનો ઉજાગરો કર્યો હોય, એકધારું કલાકો સુધી વાંચ વાંચ કર્યુ હોય અથવા સતત ટીવી જોયું હોય, પેટ સાફ ન આવતું હોય, આંખોના ચશ્માના નંબર બદલાતા હોય, લાંબો પ્રવાસ કરીને આવ્યા હોય, ઊંઘ પૂરી ન થઇ હોય વગેરે. આજે પણ એવા નાડી વૈદ્યો છે જે માત્ર હાથની નાડી જોઇને સચોટ નિદાન કરે છે. નિદાન સાચું થાય તો સારવાર હાથવગી થઇ પડે. સંસ્કૃત ભાષામાં એક પ્રાચીન ગ્રંથ છે-માધવ નિદાન. કોઇ પણ પદ્ધતિના ઉપચારક નિદાન સાચું કરી શકે તો અર્ધી બાજી જીતાયેલી ગણાય.

આ મુદ્દો શાંતિથી વિચારવાનો છે, મૈં મૈં તૂ તૂ કરીને એકબીજાને ઊતારી પાડવાનો નથી. તમામ ચિકિત્સા પદ્ધતિનો પાયાનો ઉદ્દેશ એકજ છે- દર્દી સાજો થવો જોઇએ. તો પછી રેઇકીના ઉપાસકો કહે છે એમ એકમેકને પૂરક થવાનો પુરુષાર્થ થવો ઘટે છે. વૈમનસ્ય વધારવાથી સરવાળે સમાજને લાંબા ગાળાનું નુકસાન થાય છે એ હકીકત ભૂલાવી નહીં જોઇએ. સર્વજનહિતાય સર્વજનસુખાય જે કંઇ થઇ શકે એ દરેક ચિકિત્સા પદ્ધતિના ઉપાસકોએ ધ્યાનમાં રાખવું ઘટે.

Gujarat