Updated: Feb 21st, 2023
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
અહિંસા એટલે કાયરતા નહીં, અહિંસા એેટલે નિર્બળતા નહીં. છેક ૧૯૮૯થી સતત બેઘર થયેલા અને સતત આતંકવાદ સહન કરી રહેલા જમ્મુ-કશ્મીરના ગ્રામ વિસ્તારના હિન્દુઓએ હાથમાં હથિયાર ઝાલ્યા એ સમાચાર જીવને ટાઢક આપે એવા છે. હાથમાં વાટકો લઇને દુનિયા આખી પાસે ભીખ માગી રહેલું પાકિસ્તાન રઘવાયું થયું એટલે ઉશ્કેરાઈને ફરી જમ્મુ કશ્મીરના ગ્રામ વિસ્તારોમાં આડેધડ આતંકવાદી હુમલા શરૂ કર્યા. ગયા શુક્રવારે રાજૌરી જિલ્લાના ડાંગરી ગામે સાત વ્યક્તિની હત્યા કરી અને બોમ્બ વિસ્ફોટ કર્યો. હવે આ વિસ્તારના લોકો અને ખાસ તો મહિલાઓએ હથિયારો વાપરવાની ટ્રેનિંગ લેવા માંડી એટલે પાકિસ્તાની આતંકવાજદીઓની ડાગળી ચસકી.
કવિએ સરસ કહ્યું છે, પાર્થને કોહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એજ કલ્યાણ. પાકિસ્તાને આપેલી તાલીમ અને હથિયારો વડે આતંકવાદીઓ છેલ્લાં કેટલાંક વરસોથી તદ્દન નિર્દોષ નાગરિકોને હણી રહ્યા છે. આમ છતાં કોઇ કહેતાં કોઇ વિપક્ષના પેટનું પાણી હાલતું નથી. કોઇ આતંકવાદી હણાય ત્યારે વિપક્ષો છાતી પીટવા માંડે છે, હો-હા કરે છે અને માનવ અધિકારની સૂફિયાણી વાતો કરે છે. પરંતુ આતંકવાદી હુમલામાં માર્યા જતા સાવ બેગુનાહ લોકોના માનવ અધિકાર આ લોકોને યાદ આવતા નથી. અહીં નિવૃત્ત પોલીસ અધિકારી જુલિયો રિબેરો યાદ આવે છે. પંજાબમાં કહેવાતા ખાલિસ્તાની આતંકવાદીઓએ હુમલાની માઝા મૂકી ત્યારે રિબેરોએ પોતાના પોલીસ જવાનોને પ્રોત્સાહન આપતાં બુલેટ્સ ફોર બુલેટ્સનો આદેશ આપ્યો હતો.
આતંકવાદીઓને વળી માનવ અધિકાર સાથે શું લાગે વળગે? એમનું સ્વાગત તો બુલેટ્સથી જ કરવાનું હોય. અહીં જુલિયો રિબેરોનો બુલેટ્સ ફોર બુલેટ્સ સિદ્ધાંત જ કામ આવે. આતંકવાદી હુમલા થાય ત્યારે ફારુખ અબ્દુલ્લા પરિવાર કે મહેબૂબા મુફ્તી પરિવાર મોંમાં મગ ભરી લે છે. ગયા સપ્તાહે વડાપ્રધાન અને ગૌતમ અદાણીની તસવીરો સાથે ગલીચ આક્ષેપો થયા ત્યારે વ્હોટ્સ એપ પર કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રઘાન મનમોહન સિંહ યાસીન મલિક જેવા દેશદ્રોહી સાથે હાથ મિલાવી રહ્યા છે એવી તસવીર વહેતી થઇ હતી. એ પ્રસંગે પણ કોંગ્રેસના નેતાઓએે હોઠ સીવી લીધા હતા.
અત્રે એક આડવાત. કેરળના ગવર્નર મૂળ કોંગ્રેસના આરિફ મુહમ્મદ ખાન અને કોંગ્રેસના બીજા વરિ નેતા ગુલામ નબી આઝાદે એક કરતાં વધુ વખત કહ્યું છે કે જમ્મુ કશ્મીરના મોટા ભાગના મુસ્લિમોના પૂર્વજો એક સમયે હિન્દુ જ હતા. સમય અને સંજોગોના કારણે એમણે ધર્માંંતર કરેલું. એ વિધાનો સામે પણ અબ્દુલ્લા પરિવાર અને સૈયદ મુફ્તી મુહમ્મદ પરિવારે અકળ મૌન સેવ્યું હતું. ૧૯૮૯મા્ં હજારો હિન્દુ પરિવારોને વિના વાંકે જમ્મુ કાશ્મીર છોડવાની ફરજ પાડવામાં આવી ત્યારે પણ અબ્દુલ્લા અને મુફ્તી પરિવારે એક અક્ષર સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. સેંકડો વરસથી અને કેટલીય પેઢીઓથી જમ્મુ કશ્મીરમાં વસતા પરિવારોને બેઘર કરી દેવાયા અને સેંકડો હિન્દુઓની ક્ર હત્યા કરી દેવામાં આવી ત્યારે પણ આ લોકોના પેટનું પાણી હાલ્યું નહોતું.
હવે હિન્દુઓ અને ખાસ તો મા-બહેનો રાયફલ ચલાવવાની ટ્રેનિંગ લેતી થઇ છે એ આ સદીના સૌથી શ્રે સમાચાર ગણાવા જોઇએ. જે કર ઝુલાવે પારણું એ જગ પર શાસન કરે ... એ કાવ્ય પંક્તિ યાદ રાખીને હિંસક આતંકવાદીઓનો જ ડબેસલાખ સામનો કરવાની જરૂર છે. ભુરાયા આખલા જેવા આ ભાડૂતી આતંકવાદીઓને કોઇ પણ હિસાબે ખતમ કરવા ઘટે છે. એ આજના સમયની તાતી માગ છે. જમ્મુ કશ્મીરના હિન્દુ પરિવારોએ અત્યાર સુધી જે ધીરજ અને સહિષ્ણુતા દાખવ્યાં છે એ પૂરતાં છે. ઇનફ ઇઝ ઇનફ. ગોળીનો જવાબ ગોળીથી આપવાનો સમય ક્યારનો પાકી ચૂક્યો છે. હવે ગાંધીજીની અહિંસા વચ્ચે લાવવાની જરૂર નથી. માતેલા આખલાને જેર કરવો રહ્યો. પાંચ પચીસ આતંકવાદી ઢેર થાય તો જ એ લોકોની સાન ઠેકાણે આવે. જરૂર પડયે ભારતીય લશ્કરે સ્થાનિક ગામવાસીઓને તાકીદે સહાય કરવી ઘટે. આપણા અસંખ્ય ફૌજી જવાનો પણ શહીદ થયા છે. હવે બહુ થયું. ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે... શૂરા જાગજો રે કાયર ભાગજો રે...