Get The App

'મારી પાસે બે જ ચીજ છે- ભજન અને ભોજન'

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
'મારી પાસે બે જ ચીજ છે- ભજન અને ભોજન' 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

મુંબઇનો વરલી વિસ્તાર પોશ એરિયા ગણાય છે. વાંદરા વરલી-સી લીંક બન્યા પછી આ વિસ્તાર સોનાની લગડી જેવો થઇ ગયો. અગાઉ એવું નહોતું. વાત ૧૯૩૦ના દાયકાની છે. એે સમયે વરલી ગરીબ વિસ્તાર હતો. દરિયાકાંઠે માછીમારોના થોડાં ઝૂંપડાં અને ડીડી ચાલ તરીકે ઓળખાતા વિસ્તારમાં મોટે ભાગે મિલ મજૂરો રહેતા. બ્રિટિશ રાજ હતું. આ વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ હતી. ત્યારે એક ચમત્કારી ઘટના બની. લગભગ છ ફૂટ ત્રણ ઇંચની ગૌરવર્ણી કાયા ધરાવતા અને આખા શરીરે ચોળેલી ધૂણીની ભસ્મથી શોભતા એક હઠયોગી સિદ્ધ પુરુષ ત્યાં આવ્યા. ગજવા વગરની માત્ર ગળેથી પહેરી શકાય એવી અને ગોઠણ સુધી પહોંચતી કાળી કફની પહેરેલી હતી. સ્થાનિક લોકો એમને કરગરી પડયા- બાપજી, પીવાના પાણીની તકલીફ છે. કૃપા કરો. 

સંતે દરિયાની રેતીને જોઇને એક તરફ આંગળી ચીંધી, ઉધર ખોદો. લોકો વિચારમાં પડયા. દરિયાની રેતીમાં મીઠું પાણી મળશે? જોકે બેચાર ડાહ્યા લોકો તો તરત સંતે આંગળી ચીંધેલી ત્યાં ખોદવા માંડયા. દરિયાની રેતીને ખોદતાં વાર કેટલી? પાંચ છ ફૂટ ખોદ્યું હશે ત્યાં મીઠા પાણીનો ફૂવારો ઊડયો. લોકો તો હરખઘેલા થઇને નાચવા માંડયા. સંત તો ચાલતા થતા હતા પણ આવા સંકલ્પ સિદ્ધ સંતને કોઇ ત્યાંથી જવા દે ખરું ? બહુ સમજાવટ અને કરગર્યા પછી સંતને ત્યાં રોકી પાડવામાં લોકોને સફળતા મળી. સંતે ત્યાં અખંડ ધૂણો પ્રગટાવ્યો. રેતીની પથારી અને ઇંટનો તકિયો કરતા. કોઇ પાસે કશું માગતા નહીં. લોકો આપમેળે એમની સેવા કરતા થયા. કોઇ દીનદુ:ખિયા આવે તો ધૂણીસાહેબ (આ શબ્દ સંતે પોતે આપેલો છે)ની ચપટી ભભૂતિ આપતા અને કહેતા યહ દવાઇ રામ હૈ. જાઓ, અચ્છા હો જાયેગા.

થોડા દિવસ વીત્યા પછી સંતે કહ્યું, મારી પાસે બે જ ચીજ છે- ભજન અને ભોજન. અહીં આવો, ભજન કરો અને ભોજન કરો. બાપજી પોતે સાવ નાનકડી મિની સાઇઝની રોટી બનાવતા. સાથે મટર (વટાણા)નું શાક. જે કોઇ પ્રણામ કરવા આવે એને એક રોટી અને શાક પ્રસાદ રૂપે આપે. આમ સાવ નાનકડે પાયે શરૂ થયેલો એ ભજન અને ભોજનનો ભંડારો આજે છેલ્લાં સિત્તેર વર્ષથી ચાલે છે. હવે દર રવિવારે ત્રણસોથી ચારસો  અંઘ-દિવ્યાંગ અને આસપાસનાં ગરીબ લોકો અહીં ભોજન કરવા આવે છે. સારા સુખી ઘરના લોકો સેવા કરવા આવે છે. ભંડારામાં પીરસવાની સેવા આપે છે, એંઠાં પતરાળાં ઉપાડે છે. રેશનિંગના જમાનામાં પણ ભંડારો થતો રહ્યો. એકવાર તો મુંબઇના ખુદ મુખ્ય પ્રધાન મોરારજી દેસાઇ તપાસ કરવા આવેલા કે અહીં રેશનીંગના કાયદાનો ભંગ થાય છે? તપાસમાં કશું મળ્યું નહીં. લોકો એ બાબતને હઠયોગી સંતનો ચમત્કાર ગણે છે.  

દર બાર વરસે યોજાતા કુંભ મેળામાં બાપજી ટ્રેનનો એક આખો ડબ્બો ભરીને અનાજ, ઘી-તેલ, ખાંડ-ગોળ  લઇ જાય. જ્યાં કુંભ મેળો હોય ત્યાં રોજ સાધુસંતોને જમાડે. એમની ખ્યાતિ કાલી કફનીવાલે બાબા તરીકે થઇ ગયેલી. 

પંજાબના ધીંગડ વિસ્તારમાંથી ચાલીને આવેલા. એ કહેતા કે હું આ તરફ આવ્યો ત્યારે બોરીબંદર અને થાણે વચ્ચે ટ્રેન પણ શરૂ થઇ નહોતી. એમના વતન સમા ધીંગડમાં એમના નામે ઉદાસીન સંત પૂર્ણદાસજી એજ્યુકેશન સોસાયટી નામે સ્કૂલ કોલેજ ચાલે છે. મુંબઇના વરલી વિસ્તારમાં બિરાજ્યા પછી એમણે ગરીબો માટે ધર્માદા દવાખાનું પણ શરૂ કરાવ્યું. શરૂમાં માત્ર ચાર આના (પચીસ પૈસા)માં ક્વોલિફાઇડ ડોક્ટર  નિદાન કરીને દવા આપતા. આજે બે રૂપિયા લે છે. ગુજરાતીઓ ઉપરાંત સિંધી પંજાબી સમાજમાં એમના અનુયાયીઓ ઘણા છે. સિંધીમાં રેતીને વારી કહે છે એટલે એ વારીવારા સંત તરીકે પણ ઓળખાય છે. 

૧૯૬૧ના વૈશાખ સુદ સાતમ ગંગા સપ્તમીએ ૧૫૦ વર્ષની વયે એમણે મહાસમાધિ લીધી. આજે એ સ્થળે એમની સમાધિનું અને ઉદાસીન પંથના સ્થાપક (ગુરુ નાનકના પુત્ર) શ્રીચંદ્રબાબાનું મંદિર છે. આજથી અહીં ત્રણ દિવસનો વરસી (પુણ્યતિથિ ઉત્સવ) શરૂ થશે. ગુરુવારે ૨૩મી એપ્રિલે ગંગા સપ્તમી છે. છેક અમદાવાદ, વડોદરા અને સૂરતથી પ્રસિદ્ધ ગાયક કલાકારો અહીં કીર્તન સેવા આપવા આવે છે. ત્રણે દિવસ મહાભંડારો થશે. નાતજાત કે ભાષાના ભેદ વિના અહીં દરેકને પ્રસાદ આપવામાં આવે છે.