પ્રાચીન વિદ્યાઓનું અર્થઘટન કરતી વેળા સાવધાની અને સમજદારી જરૂરી
- ટુ ધ પોઇન્ટ- અજિત પોપટ
કદાચ ૧૮૬૦ અને ૧૮૬૫ની વચ્ચે આ ઘટના બની હોઇ શકે. કલકત્તા એ સમયે બ્રિટિશ સલ્તનતની રાજધાની જેવું મહત્ત્વનું શહેર હતું. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં વિદેશી વિજ્ઞાાનીઓ, નાસ્તિક કહી શકાય એવા નિરીશ્વરવાદીઓ અને અધ્યાત્મના ખરા જિજ્ઞાાસુ એવા થોડા લોકો હાજર હતા. કોલેજના કેમિસ્ટ્રી વિભાગના વડા ડોક્ટર નિયોગી આ પ્રયોગના મુખ્ય આયોજક હતા. માત્ર કૌપીન (લંગોટ)ભેર રહેતા એક ભારતીય યોગીની સિદ્ધિઓનું પારખું કરવાનું હતું. આ યોગી ત્રૈલંગ સ્વામીના નામે ઓળખાતા. એમનું મૂળ નામ નરસિંહ સ્વામી હતું. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમને બનારસના હરતા ફરતા ભગવાન શિવ કહેતા.
વિજ્ઞાાનીઓએ વારાફરતી સ્વામીને સલ્ફ્યુરીક એસિડ, ત્યારબાદ કાર્બોલિક એસિડ અને એ પછી હોઠ પર મૂકતાંજ માણસ મરી જાય એવું પોટેશિયમ સાઇનાઇડ જેવું વિષ આપવામાં આવ્યું. સ્વામી ત્રૈલંગ એ બધું હસતાં હસતાં પી ગયા. એ પછી જાડ્ડા કાચની બાટલીનો પાઉડર કરીને એ કાચનો ભુકો એમને આપ્યો. એ પણ સ્વામી ખાઇ ગયા. એમનું રુંવાડુંય ફરક્યું નહીં.
એ ભારતીય યોગવિદ્યાના પ્રખર ઉપાસક હતા. રોબર્ટ એમેટ્ટ અને ત્યારપછી આવા યોગીઓનો અભ્યાસ કરવા ભારતની મુલાકાતે આવેલા બ્રિટિશ વિદ્વાન પોલ બ્રન્ટન (સાચું નામ રાફેલ હર્સ્ટ) જેવા વિદેશી વિદ્વાનોએ ત્રૈલંગ સ્વામી જેવા યોગીઓને રૂબરૂ મળીને એમની યોગવિદ્યાના વિજ્ઞાાનમંડિત પુરાવા મેળવ્યા બાદ અભ્યાસપૂર્ણ ગ્રંથો લખ્યા. એ પુસ્તકોનો દુનિયાની ઘણી ભાષાઓમાં તરજુમા થયા. ગુજરાતીમાં એવાં કેટલાક પુસ્તકો આજેય બેસ્ટ સેલર જેવાં ગણાય છે જેમ કે યોગેશ્વર લિખિત ભારતના આધ્યાત્મિક રહસ્યની શોધમાં પુસ્તકની પોણો ડઝન આવૃત્તિઓ થઇ છે. ઇશા કુન્દનિકાએ લખેલા હિમાલયના સિદ્ધયોગી પુ્સ્તકની પણ અનેક આવૃત્તિ થઇ.
ત્રૈલંગ સ્વામી, સ્વામી શિવાનંદ, અવધૂત તરીકે ઓળખાવાયેલા મૂળ સ્વામી નિત્યાનંદ, સ્વામી મુક્તાનંદ, રંગ અવધૂત કે ચિન્મય મિશનના સ્થાપક સ્વામી ચિન્મયાનંદ જેવા સંખ્યાબંધ સિદ્ધ પુરુષો દેશમાં થઇ ગયા. આજે પણ પૂર્ણ કુંભ મેળામાં જિજ્ઞાાસુને આવા યોગીઓનેા અનાયાસે ભેટો થઇ જાય છે.
કોરોના કાળ શરૂ થયો ત્યારથી લગભગ રોજ સોશ્યલ મિડિયા પર કહેવાતા યોગનિષ્ણાતો જાતજાતના દાવા કરતા રહ્યા છે. જે સિદ્ધ પુરુષોની વાત અહીં કરી એવા કેટલા સિદ્ધ પુરુષો આજે આપણી વચ્ચે છે એની કોઇને જાણ નથી. યોગના પણ વિવિધ પ્રકારો છે જેમ કે જ્ઞાાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, સિદ્ધયોગ, રાજયોગ, નામ-જપયોગ, સ્વરોદય કે સ્વરયોગ, હઠયોગ....
મહત્ત્વની વાત એ છે કે બાબા રામદેવ કે બીજા કહેવાતા યોગશિક્ષકો જે આસનો કરાવે છે એ એક પ્રકારની શારીરિક કસરત છે. એ અસલી યોગ નથી. યોગનાં આસનો શરીરની સજ્જતા માટે જરૂરી છે એ વાત સાવ સાચી. પરંતુ એ જ અસલી યોગ નથી. અસલી યોગ કયો એ નક્કી કરવું મુશ્કેલ છે.
એ જ રીતે ધ્યાન વિશે પણ જાતજાતની વાતો વાંચવા મળે છે. એકાગ્રતા, મગ્નતા, ધ્યાન વગેરેમાં સાચું ધ્યાન કોને કહેવું એ મીઠી મૂંઝવણ છે. તમે કોઇ પુસ્તક વાંચવામાં મગ્ન હો અને ટેલિફોન કે ઘરના દરવાજાની ઘંટડી ન સાંભળો ત્યારે વડીલો કહે છે, સાવ ધ્યાનબહેરો છે. એટલે કે એકાગ્રતા એ ધ્યાન નથી. ધ્યાન તરફ જવાનુ પહેલું પગથિયું એકાગ્રતાને ગણી શકાય ખરું. પરંતુ એકાગ્રતા એ ધ્યાણ ન નથીજ.
ધ્યાનના પણ પાછા વિવિધ પ્રકારો છે. વિપશ્યના, ક્રિયાયોગ, રાજયોગ, પ્રેક્ષાધ્યાન, સુદર્શન ક્રિયા... ધ્યાનથી શરીરની રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) વધે એ હકીકત સ્વીકારીએ તો પણ ધ્યાનની વ્યાખ્યા પહેલાં સ્પષ્ટ થવી જોઇએ. બીજું, ધ્યાન પ્રયત્ન દ્વારા થતું નથી કે કરાવી શકાતું નથી. ધ્યાન અનાયાસે થાય છે.
એક યોગીપુરુષે સરસ સૂચન કરેલું. આજકાલ ઇલેક્ટ્રોનિક તાનપુરા મળે છે. સંગીતના કોઇ જાણકારની મદદ લઇને આગળ વધી શકાય. કુદરતે તમને આપેલા કંઠને અનુરૂપ તમારા મૂળ ધ્વનિ (ષડ્જ કે સા) તાનપુરામાં અંકે કરાવો. પછી ઘરના એક શાંત ખૂણામાં બેસીને આંખ બંધ કરીને એ તાનપુરો શરૂ કરો. આસપાસના વાતાવરણને ભૂલીને એ તાનપુરાના રણકાર સાથે એક થાઓ. થોડા સમયમાં તમને ધ્યાન લાગી જશે. પ્રયોગ ખરેખર કરવા જેવો અને સચોટ છે.