- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
નાના નબળા લોકથી કદી ન કરીએ વેર, કીડી કાળા નાગનો, પ્રાણ જ લે આ પેર... કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇએ છેક ૧૮૭૦ના દાયકામાં રચેલા એક કાવ્યમાં આ પંંક્તિઓ લખી હતી. ગમે તેવા ઝેરી કાળોતરા પર હજારો કીડી ચોંટી પડે તો કાળો નાગ રામશરણ થઇ જાય. નાનકડા દેખાતા નબળા લોકો સાથે કદી વેર ન કરવું એવું કવિને અભિપ્રેત છે. આવું જ કંઇક ટીટોડીનાં ઇંડાંને દરિયો તાણી ગયો એવા કાવ્યમાં વર્ણવાયું હતું. ઇરાનના ખામેનેઇને ડારવા કે માત કરવા અમેરિકાના મિથ્યાભિમાની પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે અબ્રાહમ લિંકન નામનું રાક્ષસી કદનું લડાયક જહાજ મોકલ્યું ત્યારે દુનિયા ચોંકી ઊઠી હતી. ઇરાને હજારો દેખાવકારોની ધરપકડ કરી હતી. એમાંના બસો-ત્રણસોને ફાંસી આપવાના હતા. અમેરિકાનું લશ્કરી જહાજ અને ટ્રમ્પની ધમકીઓના પગલે ઇરાને ફાંસી આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો એટલે ટ્રમ્પ તાનમાં આવી ગયા કે જોયો બંદાનો વટ!
ઇરાનમાં શાસકો વિરુદ્ધ છેલ્લાં ત્રણેક સપ્તાહથી હિંસક દેખાવો થઇ રહ્યા હતા. ૧૮૭થી વધુ શહેરોમાં છસોથી વધુ હિંસક દેખાવો થયા. શાસકોએ લશ્કરી તાકાત વડે એ હિંસક દેખાવોને કચડી નાખવાના પ્રયાસો કર્યા. વીજાણુ માધ્યમોના અહેવાલ મુજબ બાર હજારથી વધુ લોકો લશ્કરી હુમલામાં માર્યા ગયા. હજારોની ધરપકડ કરાઇ. આ બાબત સાચું પૂછો તો ઇરાનની આંતરિક બાબત ગણાય. અત્યાર અગાઉ નેપાળમાં પણ આવા હિંસક દેખાવો થયા હતા. હવે બાવા આદમના જમાનાના હિજાબ અને મહિલાઓ પર પ્રતિબંધ જેવા કાયદા કાનૂન વિરુદ્ધ ઇરાનના લોકો ભડક્યા છે. જૂનવાણી મુલ્લાઓ ફતવા દ્વ્રારા જે આદેશો બહાર પાડે છે એ આજના સોશિયલ મીડિયાના યુગમાં કયા દેશના લોકો આંખ મીંચીને સ્વીકારી લે? ઇરાનના શાસક ખામેનેઇને ડારવા ડોનાલ્ડ ટ્રમ્પે અબ્રાહમ લિંકન જહાજ મોકલ્યું જેમાં ૭૦થી વધુ ફાઇટર જેટ વિમાનો, અણુ સબમરીન અને હજારો સૈનિકો છે. આવી દાદાગીરી કરવાની કોઇ જરૂર ખરી? આખોય મામલો ઇરાનનો આંતરિક મામલો હતો. એમાં ટ્રમ્પને કશી લેવા દેવા નથી. ઇરાન અણુશક્તિ વિકસાવે એ પણ ટ્રમ્પને સ્વીકાર્ય નથી.
અમેરિકા અવારનવાર આવા ઉધામા કરે છે. તમને યાદ હોય તો ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધ અને બાંગ્લાદેશના જન્મ સમયે પણ અમેરિકાએ સાતમો નૌકા કાફલો મોકલેલો. ત્યારનાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીના પેટનું પાણીય હાલ્યું નહીં. એક ટોચના ગુજરાતી કાર્ટુનિસ્ટે તો અફલાતુન કાર્ટુન બનાવેલું. સાતમા નૌકા કાફલાના મુખ્ય જહાજના ડેક પર પાથરેલી સાદડીમાં અમેરિકી વિદેશ પ્રધાન હેનરી કિસીંજર અને પાકિસ્તાનના ત્યારના વડા પ્રધાન જનાબ ઝુલ્ફીકર અલી ભુટ્ટો સૂટબૂટ પહેરીને બેઠાં છે. સાદડી પર લખેલું હતું - પૂર્વ પાકિસ્તાનનું ઊઠમણું/ સાદડી.
ખેર, અહીં એક વાત વિચારવાની છે. દલપતરામના કાવ્યની પંક્તિઓ ફરી વાંચો. પછી વિચારો. અત્યારે વિશ્વમાં છપ્પન ઇસ્લામી દેશો છે. ખુદ અમેરિકાના દસથી વધુ રાજ્યોમાં સ્થાનિક પ્રજાની તુલનામાં વિધર્મીઓની વસતિ વધી છે. દસેક રાજ્યોમાં મુસ્લિમ મેયર છે. એક તરફ ઇસ્લામી દેશો સંગઠિત થાય અને બીજી બાજુ અમેરિકામાં વસતા મુસ્લિમો બળવો કરે તો અમેરિકાનો ઘડો લાડવો થઇ જાય એમાં કોઇ શંકા ખરી? કાં લડ અને કાં લડનારો દે એવી અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની મનોદશા છે. ઇસ્લામી દેશોનું સંગઠન શેરને માથે સવાશેર થઇ જાય તો ટ્રમ્પનું આવી બનશે. જગત જમાદાર બનવાની મહત્ત્વાકાંક્ષા ટ્રમ્પને સારાસારનો વિવેક ભૂલાવી રહી છે. એ સમયસર ચેતી જાય તો સારું. તમને યાદ કરાવું. ગયા વરસે પ્રયાગરાજ (અલાહાબાદ)માં યોજાએલા મહાકુંભમાં એક સિદ્ધ પુરુષે અને ત્યારબાદ વિશ્વાસપાત્ર ગણાતા દેશીવિદેશી જ્યોતિષીઓએ એવી ભવિષ્યવાણી ભાખી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પતનમાં નિમિત્ત બનશે. આવી આગાહીઓમાં માનવું ન માનવું તમારી ઇચ્છા છે. કપાળે કપાળે જુદી જુદી મતિ! છતાં ટ્રમ્પના (કાઠિયાવાડી શબ્દ) ઊઠેલપાનિયા નિર્ણયો જોતાં કંઇ પણ બની શકે છે. આવનારો સમય આ વાત પુરવાર કરશે. આગે આગે દેખિયે, હોતા હૈ ક્યા!


