તમને શેનો ડર લાગે છે, વારુ? પાણીનો, આગનો, અકસ્માતનો કે અંધારાનો...
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' વાંચી છે, તમે? એમાં એક વાતનો નિખાલસ ઉલ્લેખ છે. બાળપણમાં મોહન અંધારાથી બહુ ડરતો. એની સેવિકાએ એકવાર કહ્યું કે બીક લાગે ત્યારે રામનું નામ લેજે. બીક ભાગી જશે. આ શીખ મોહને જીવનના અંતિમ શ્વાસ સુધી જાળવી રાખી. પ્રાણત્યાગ વખતે પણ એમને રામ યાદ આવ્યા. નેટફ્લિક્સે બે હજારથી વધુ યુવાનોનો સર્વે પોતાના એક કાર્યક્રમના પ્રચાર નિમિત્તે કરેલો. એમાં યુવાનોને કઇ વાતનો ભય સતાવે છે એની તપાસ કરી. આશ્ચર્યજનક તારણ એ આવ્યું કે પંચાવન ટકા યુવાનોને આજે પણ અંધારાનો ડર લાગે છે.
ટોચના મનોચિકિત્સકો માને છે કે એકસો ટકા નિર્ભય માણસ મળવો મુશ્કેલ છે. સૌથી સફળ ગણાતા માણસને પણ નિષ્ફળતાનો ડર રહેતો હોય છે. કોઇને બાળપણથી કૂતરાનો ભય હોય તો કોઇને સાપનો ડર હોય. ઘણા સર્પમિત્રો જ્યાં સાપ કે નાગ નીકળે ત્યાં સહાય કરવા દોડી જાય છે. હાથમાં ગુલાબનું ફૂલ લેતાં હોય એટલી સહજતાથી સાપ કે નાગને પકડીને કોથળામાં મૂકીને જંગલમાં છોડી આવે છે. કોઇને આગનો તો કોઇને પાણીનો ડર હોય છે. એક ટોચના ફિલ્મ સંગીતકારને ઊંચાઇનો ડર લાગતો. એ ક્યારેય વિમાની પ્રવાસ કરતા નહોતા.
ઓશો રજનીશ કહેતા કે ભક્તિ એ ખરેખર તો ડરના કારણે કરાતી પ્રક્રિયા છે. લોકમાનસમાં એવો ડર ઠાંસીને ભરી દેવામાં આવ્યો છે કે ભક્તિ નહીં કરો તો નરકમાં જશો. હકીકતમાં ઊંચે આકાશમાં સ્વર્ગ કે નર્ક જેવું કશું નથી. જે કંઇ છે તે અહીં ધરતી પર છે. તમારા મનમાં છે.
પંડિત પૂજારીઓ કે મુલ્લાઓ તમારા મનમાં આવો ડર પેસાડી દે છે જેથી એમનો ધંધો ચાલતો રહે. ભુવા અને માંત્રિક તાંત્રિક પણ એ રીતે નબળા મનના લોકોનો ગેરલાભ લેતા હોય છે. આવો અભિપ્રાય ઓશો સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતા.
અત્યારે દસમા બારમાની પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે. કોઇ પણ ટીનેજરને પૂછો. કોઇને ગણિતનો ડર લાગતો હોય તો કોઇને અંગ્રેજીનો ડર લાગતો હોય. અગાઉ કહ્યું એમ નિતાંત નિર્ભય હોય એવી વ્યક્તિ મળવી મુશ્કેલ હોય છે. ટોચના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી એમના રિયાલિટી એડવન્ચર શોમાં કહે છે, ડર ગયા સો મર ગયા. આ શોમાં કોઇને કાચની પેટીમાં સુવડાવીને એના પર હજ્જારો વંદા-કંસારી છોડી મૂકવામાં આવે છે, તો અન્ય સ્પર્ધકને ખાસ્સી ઊંચાઇએ તંગ દોરડા પર ચાલવાની ફરજ પાડવામાં આવે છે.
સડકો પર ખેલ કરતા ગરીબ બજાણિયાની આઠ દસ વરસની ટેણકી પુત્રી હાથમાં એક વાંસડો રાખીને હસતાં હસતાં તંગ દોરડા પર ચાલતી હોય છે. એને માટે એ ખેલ બે ટંકની દાલરોટીનો પર્યાય બની રહે છે. બીજી બાજુ તંગ દોરડા પર ચાલવાનું કામ ફેશનેબલ મોડેલ કે અભિનેત્રીને લોઢાના ચણા ચાવવા જેવું લાગે એ સમજી શકાય છે.
ક્યારેક સ્વિમિંગ પુલમાં જઇને જોજો. નવો નવો તરવૈયો હોય એના મનમાંથી ડૂબી જવાનો ડર કાઢી નાખવા સ્વિમિંગ ટીચર પેલાને અચાનક પાછળથી ધક્કો મારીને પાણીમાં ધકેલી દે છે. પાંચ પંદર ઘુંટડા પાણી પી ગયા પછી નવોદિત આપમેળે તરતો થઇ જાય છે. એનો પાણીનો ડર નીકળી જાય છે. એ જ રીતે પિતા બાળકને સાઇકલ ચલાવતાં શીખવતાં હોય અને એમ લાગે કે હવે સંતાનનું સાઇકલ પરનું બેલન્સિંગ બરાબર છે તો લાગ જોઇને સીટ પાછળથી હાથ ખસેડી દે છે. ક્યારેક બાળક પડી પણ જાય. એકાદ બે વખત આવું થાય પછી બાળકનો ડર રફૂચક્કર થઇ જાય છે.
આજે પણ ૫૦ ટકાથી વધુ યુવાનો અંધારાથી ડરે છે. રસપ્રદ વાત એ કે સિનેમા થિયેટરના અંધકારમાં ડર લાગતો નથી. અન્યત્ર અંધારું એને ડરાવે છે. અધ્યાત્મના ઉપાસકો અંધકારને અજ્ઞાાન સાથે સરખાવે છે. અંધારું એટલે અજ્ઞાાન. અહીં ફરી ઓશોને યાદ કરીએ. ઓશો કહેતા, અંધકાર જેવું કશું નથી. પ્રકાશનો અભાવ એટલે અંધકાર. એ સિવાય અંધકાર ક્યાંય નથી. અંધકારથી આંખ ટેવાઇ જાય પછી ડર રહેતો નથી. ભૂત-પ્રેત-જીન-પિશાચ આપણા મનમાં છે. બીજે ક્યાંય નથી. અંધકારનોર ડર ન રહે તો બીજા કશાનો ડર ન રહે.