લોકો કંઈ કોઇને પૂછીને કે પરવાનગી લઈને જીવનનો અંત આણતા નથી
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- એક તરફ મીડિયા દ્વારા લોકોને જાણ કરવામાં આવે છે કે દેશની અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, કાર્યકુશળ જજોની અછત છે અને બીજી બાજુ મહિલા જજને પ્રતાડિત કરવામાં આવે છે
આ દેશમાં રોજ કેટલાય લોકો પોતાના જીવનનો અંત આણે છે. કોઇ પ્રેમમાં નિષ્ફળ જવાથી જીવન ટૂંકાવે છે તો કોઇ વ્યાજખોરોના ત્રાસથી હારી-થાકીને જીવન ટૂંકાવે છે. કોઇ લાંબો સમય ચાલેલી ગંભીર બીમારીના પગલે આવેલી નિરાશાથી જીવન ટૂંકાવે છે. આવું કરતી વખતે વ્યક્તિ મનોમન ભાંગી ચૂકી હોય છે, જીવનથી હારી ચૂકી હોય છે. કેટલાક કિસ્સામાં સંબંધિત વ્યક્તિ કે એનાં સ્વજનો ઇચ્છામૃત્યુ (મર્સી કિલિંગ) માટે અરજી કરે છે. આવા કિસ્સા સમજી શકાય એવા હોય છે.
પરંતુ અદાલતમાં ન્યાય તોળવા બેઠેલાં ન્યાયમૂત દેશના સર્વોચ્ચ ન્યાયમૂતને પત્ર લખે કે મને મરવાની રજા આપો ત્યારે વિચારે ચડી જવાય છે. સંબંધિત મહિલા જજે એવો આક્ષેપ કર્યો છે કે એમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ કદ અને વસતિની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે. અહીં એકાંતરે છેડછાડ અને બળાત્કારના બનાવો બને છે. સામાન્ય માણસ સાથે આવી ઘટના બને તો સમજી શકાય, પરંતુ એક મહિલા જજ આવી ફરિયાદ કરે ત્યારે ચોંકી જવાય.
પોતે આમ આદમીને ન્યાય અપાવવા આ વ્યવસાયમાં જોડાયાં હતાં. એમને શાંતિથી કામ કરવા દેવાને બદલે તેમનું શારીરિક શોષણ થયું અને હાઇકોર્ટમાં કરેલી ફરિયાદ છતાં તેમને ન્યાય મળ્યો નહીં એવું આ મહિલા જજે દેશના સર્વોચ્ચ ન્યાયમૂતને લખ્યું છે. સર્વોચ્ચ ન્યાયમૂતએ સંબંધિત હાઇકોર્ટના રજિસ્ટ્રારને તપાસ કરીને પોતાને રિપોર્ટ કરવાની તાકીદ કરી છે. એ સારી વાત છે.
આ ઘટનાનું સૌથી કરુણ પાસું એ છે કે એક તરફ મીડિયા દ્વારા લોકોને જાણ કરવામાં આવે છે કે દેશની અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, કાર્યકુશળ જજોની અછત છે અને બીજી બાજુ મહિલા જજને પ્રતાડિત કરવામાં આવે છે. જજ સાથે આવું થતું હોય તો સામાન્ય માણસને કદી ન્યાય મળે ખરો?
સિક્કાની બીજી બાજુ પણ વિચારવા જેવી છે. પોતાને થઇ રહેલો અન્યાય કયા કારણસર મહિલા જજને સહન કર્યો એ જાણવા મળ્યું નથી. અત્રે એક ઘટના યાદ કરીએ. પાંચેક વર્ષ પહેલાં 'મી ટુ' આંદોલન થયેલું. એ સમયે આજની સફળ ગણાતી કેટલીક અભિનેત્રીઓએ અમુક તમુક ફિલ્મના શૂટિંગમાં પોતાની સાથે થયેલા ગેરવર્તનની રાવ કરેલી.
વિચારવાની વાત એ કે ગેરવર્તન થયાના આઠ દસ વર્ષ પછી એની વાત કરવાનો અર્થ શો? અગાઉ ચૂપચાપ સહન કરી લીધું, કારણ કે ટોચના અભિનેતા સાથે કામ કરીને મનોરંજન વિશ્વમાં પોતાનું સ્થાન સુદ્રઢ કરવું હતું. હવે સફળતા મળી ત્યારે વીતેલા સમયની રાવ કરવાનો કશો અર્થ રહેતો નથી. 'મી ટુ'ની શરૂઆત હોલિવુડથી થયેલી અને ફરતી ફરતી હિન્દી ફિલ્મ સૃષ્ટિ સુધી આવેલી. સમયના વહેવા સાથે વાત ભૂલાઇ ગઇ.
ઉત્તર પ્રદેશના બાંદા વિસ્તારની મહિલા જજની વાત ફિલ્મ અભિનેત્રીઓની વાત જેટલી જૂની નથી. ફક્ત એક વર્ષ જૂની છે. ૨૦૨૨માં તેમને હેરાન કરવામાં આવેલાં. એટલે વાત તાજી છે. સર્વોેચ્ચ ન્યાયમૂતએ તરત પગલાં લીધાં એ પણ મહત્ત્વનું છે.
હાલ એક ટીવી સિરિયલમાં મહિલા સનદી અધિકારી (આઇએએસ) સાથે થઇ રહેલી હેરાનગતિની વાત રજૂ થઇ રહી છે. યોગાનુયોગે કર્ણાટકમાં પણ એક મહિલાને નગ્ન કરીને ફેરવવાનો કેસ ચાલી રહ્યો છે જ્યાં હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે દેશ આઝાદ થયા પછી પંચોતેર વર્ષે પણ આવું બને છે એ દાખવે છે કે દુર્યોધનો અને દુઃશાસનો આજે પણ છે. એક ફિલ્મી ડાયલોગ હતો કે રાવણો કદી મરતા નથી. યુગે યુગે ફરી જન્મે છે. માત્ર એના રંગરૂપ બદલાય છે. મહિલા જજને એવા જ કોઇ સહકાર્યકારી જજે હેરાન કર્યા છે. ચીફ જસ્ટિસે મંગાવેલો રિપોર્ટ સાચો હશે તો વિગતો જરૂર બહાર આવશે.