Get The App

મુનીરને ટ્રમ્પે ખોળામાં બેહાડયા એટલે ઊપડી લવારી...

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
મુનીરને ટ્રમ્પે ખોળામાં બેહાડયા એટલે ઊપડી લવારી... 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

વરસો પહેલાં એક માતબર અખબારે વાચકોને આમંત્રણ આપેલું કે 'હસવું ક્યારે આવે' એ વિશે સો શબ્દોમાં કંઇક લખી મોકલો. શ્રેષ્ઠ લખાણને ઇનામ આપવામાં આવશે. આ સ્પર્ધા આજે હોય તો સો શબ્દ સુધી જવાની જરૂર નહીં. હસવું ક્યારે આવે, જ્યારે પોતાની મેળે કોઇ લાયકાત વિના ફિલ્ડ માર્શલ બની બેઠેલા પાકિસ્તાની લશ્કરી વડા ભારતને અણુ હુમલાની ધમકી આપે.... હા.. હા... હા... વધુ હસવું હોય તો આગળ વાંચો અમેરિકી ડિફેન્સ મંત્રાલયના. અધિકારી માઇકલ રુબિને પાકિસ્તાની લશ્કરી વડા અસીમ મુનીરને ઓસામા બિન લાદેન સાથે સરખાવ્યા. તમેજ વિચારો પ્રિય વાચક, ક્યાં ઓસામા બિન લાદેન અને ક્યાં આ વહેંતિયો મુનીર ! ઓસામા બિન લાદેનની આયોજન શક્તિનો સોમો ભાગ પણ મુનીરમાં નથી. માઇકલ રુબિનની સમજશક્તિ વિશે શંકા જાગે.

ખરેખર રસપ્રદ સિનારિયો છે.  ચસકેલ ભેજાવાળા ગણાતા અમેરિકી પ્રમુખે કદાચ ભારતને બીવડાવવા મુનીરને અમેરિકા તેડાવ્યા અને પોતાની સાથે લંચ લેવડાવ્યું. એટલે મુનીર રાજા પાઠમાં આવી ગયા. અમેરિકાની ધરતી પરથી ભારતને અણુ હુમલાની ધમકી આપવા માંડયા. ખુદ અમેરિકી સાંસદોએ મુનીરની આ લવારી સામે ગંભીર  વાંધો લીધો અને મુનીરને તત્કાળ પાછા મોકલી દેવાની માગણી કરી. જે વાત અમેરિકી સાંસદો સમજી ગયા એ ટ્રમ્પ કે મુનીર પોતે નહીં સમજતા હોય ?  અમેરિકી ધરતી પરથી તમે ભારતને ધમકી આપો એનો અર્થ એવો કરવો કે મુનીરના સનેપાતને અમેરિકાનો ટેકો છે ?  ના જી. પાકિસ્તાન પર ડોળો જમાવી બેઠેલા ચીનને અમેરિકા પાકિસ્તાન પર ઓવારી જાય એ ગમે નહીં. મુનીર અમેરિકા ગયા ત્યારથી ચીનની એના પર બાજનજર રહી છે.

બીજી બાજુ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સવાયા રાજાપાઠમાં છે. શાંતિદૂતનો ડોળ ઘાલીને શાંતિના નોબેલ પ્રાઇઝ પર ત્રાટક કરી રહ્યા છે. પોતે વિશ્વશાંતિ સ્થાપવા માગે છે એવી હવા ઊભી કરી રહ્યા છે પણ ખુદ અમેરિકી મિડિયા ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષાને સમર્થન આપતા નથી. મુનીર તો અમેરિકામાં રહી પડયા. અમેરિકી સરકારના મહેમાન એટલે જલસા એમ સમજી બેઠા છે.

રમૂજ જવા દઇએ, ખુદ પાકિસ્તાની લશ્કરમાં મુનીર સામે જબરો વિરોધ છે. પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ આ હકીકત જાણે છે. પરંતુ એ પોતે લશ્કરની અમીનજરથી વડા પ્રધાન બન્યા છે એટલે મુનીર વિરુદ્ધ કશું બોલતાં અચકાય છે. શુક્રવારે રાત્રે પાકિસ્તાનની પ્રજા મુનીરને ટ્રમ્પ કા કૂત્તા કહીને ગાળો આપતી હતી. જે દેશની પ્રજાને એક ટંક પણ પરાઠો (કે ભાખરી યા રોટલો) ન મળતો હોય અને જે દેશ દુનિયા આખીમાં વાટકો લઇને ભીખ માગતો હોય એને પ્રજા બીજી કઇ રીતે બિરદાવે ?  પોતાના દેશનો સેનાપતિ પારકા ખોળામાં બેસીને વિરાટ પાડોશી દેશને લુખ્ખી ધમકી આપે એ દેશની પ્રજા આવા ઘેલા સેનાપતિને શી રીતે બિરદાવે ? પાકિસ્તાનનો દરેક નાગરિક જાણે છે કે મુનીર આતંકવાદીઓનો સૌથી મોટો સમર્થક છે. હાફિઝ સૈયદ અને સલાહુદ્દીન એના દોસ્તો છે.

ઔર એક વાત. છેલ્લા થોડા મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે જે કંઇ બોલ્યા અને  પાછળથી પવન પલટીને ફરી ગયા એ જોતાં મુનીરે એક વાત સમજી લેવાની ખાસ જરૂર છે. આજે તમને ખોળે બેસીને ખવરાવતા ટ્રમ્પ આવતી કાલે તમને બેસવાની જગ્યાએ ખાસડું મારીને હાંકી કાઢે તો નવાઇ નહીં. ટ્રમ્પ દિવસે દિવસે વધુ ને વધુ અનપ્રેડિક્ટેબલ (શું કરશું આ અંગ્રેજી શબ્દનો તરજુમો ? અકળ, આગાહીથી પર, બિનભરોસેદાર ?) કોઇએ સાચું કહ્યું છે કે રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત કે દુશ્મન હોતો નથી. ટ્રમ્પે મોટે ઉપાડે અલાસ્કામાં રશિયન પ્રમુખ પુટિનને તેડાવેલા. બે  અઢી કલાકની ચર્ચાનું શું પરિણામ આવ્યું ? તો કહે, કંઇ નહીં.

આપણા અસદુદ્દીન ઓવૈસીએ મુનીરને 'સડકછાપ આદમી' કહીને આકરી ટીકા કરી. અણુ હુમલો શબ્દો બોલવા જેટલા આસાન છે એટલું એ સહેલું નથી. એક દેશના લશ્કરી વડા હોવા છતાં મુનીર આટલું પણ ન સમજે તો નસીબ એ દેશના, જેના મુનીર સિપહસાલાર છે !

Tags :