For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'તમે તરછોડશો તેહને નાથજી, પછી ત્રિલોકમાં કોણ તારે ?'

Updated: Apr 20th, 2021

Article Content Image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- કહેવાતા લોકસેવકો કોરોના સામે રક્ષણ આપતા હજારો ઇંજેક્શનો મેળવી 

- લ્યે અને રાજ્યનો વડો લાચારી વ્યક્ત કરે એ કેવી કરુણતા !

- હાઇકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરીને શાસકોનો કાન આમળવો પડે એ રામ રાજ્યનું લક્ષણ તો નથી

'કૂળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વહેમ આવ્યો, મુજ તણા નામથી પથર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો ?' ભક્ત કવિ નરસિંહ મહેતાના લાડકા ઝૂલણા છંદમાં કાગબાપુએ એક અદ્ભૂત કલ્પના કરી છે. રામસેતુ બાંધતી વખતે કપિ સેનાએ રામનું નામ લખીને સાગરમાં પધરાવતાં એ પથ્થરો તરી ગયા એવી કથા છે. એ પ્રસંગને યાદ કરીને કાગ બાપુએ કાંકરી નામની આ રચના કરી છે. ખરેખર અદ્ભૂત રચના છે. ભગવાનને એવો વિચાર આવે છે કે મારા નામે પથરા તરે એ કેવી રીતે બને ?  એટલે રામ દરિયા કિનારે જાય છે અને એક કાંકરી લઇને દરિયામાં ફેંકે છે. કાંકરી ડૂબી જાય છે.

રામ હજુ લંકામાં છે એટલે શત્રુના પ્રદેશમાં કહેવાય. પરિણામે રામસેવક હનુમાનજી ભગવાનની પાછળ દરિયા કાંઠે આવ્યા છે. કાંકરી ડૂબી જવાથી ભોંઠા પડેલા રામને હનુમાનજી કહે છે, 'ચરણમાં જઇ કપિ હાથ જોડી કહે, નાથજી ! આ મતિ કેમ આવી ? હાથ જેનો ગ્રહ્યો તેહને ફેંકતાં આપના બિરદની શરમ ના'વી ? તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો, કરી ભૂલ ભારે, તમે તરછોડશો તેહને નાથજી ! પછી ત્રિલોકમાં કોણ તારે ?' કાગબાપુએ જ ઔર એક કાવ્ય રચ્યું છે જે ઘણા ગાયકોએ ગાયું છે- પગ મને ધોવા દ્યો રઘુરાય... આ કાવ્યમાં પણ અંતે કાગબાપુ લખે છે, 'નાયીની કદી નાયી લીયે નહીં આપણ ધંધાભાઇ જી, કાગ લિયે નહીં ખારવાની ખારવો ઉતરાઇ...' હું તમને નદીપાર ઊતારું, તમે મને ભવસાગર પાર ઊતારજો..

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એમ કહેવાય છે. આવતી કાલે રામ નવમી (ચૈત્ર સુદ નોમ) છે ત્યારે અનાયાસે કાગબાપુ યાદ આવી ગયા. આજે વસમી પરિસ્થિતિ છે. રામ રાજ્યની અને રામ મંદિર બનાવવાની વાતો કરતા લોકો રામ કરતાં વિપરીત વર્તન કરી રહ્યા હોય એવું લાગે છે. હાઇકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરીને શાસકોનો કાન આમળવો પડે એ રામ રાજ્યનું લક્ષણ તો નથી.

રામ રાજ્યની વાતો કરનારા કહેવાતા લોકસેવકો કોરોના સામે રક્ષણ આપતા હજારો ઇંજેક્શનો મેળવી લ્યે અને રાજ્યનો વડો લાચારી વ્યક્ત કરે એ કેવી કરુણતા ! જો કે કૂવામાં હોય તો હવાડામાં આવે. પશ્ચિમ બંગાળ કે આસામમાં કોરોના ગાઇડ લાઇન્સનો છડેચોક ભંગ કરીને હજારો લોકોની મેદની ભેગી કરવામાં આવે તો પછી ભગવાન રામે કાંકરી સમુદ્રમાં ફેંકી દેવી પડે. પછી ભલે એ કાંકરી ડૂબી જાય.

કોઇ કહેતાં કોઇને બિરદાવી શકાય એમ નથી. સત્તાતુરાણાં ન ભયં ન લજ્જા... મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય કે પશ્ચિમ બંગાળ યા આસામ હોય, દરેક રાજકીય પક્ષ અને દરેક કહેવાતા નેતા આજે પ્રજાવિમુખ થઇ ગયા જણાય છે. રામના નામે ચૂંટણી જીત્યા પરંતુ 'રામરાજ્ય' ક્યાંય સ્થપાયું નહીં. સ્થાપવાની દાનત જ નહોતી. આ તો ચૂંટણી જીતવા રામને પણ વટાવી ખાધા જેવી વાત છે.

ભગવાન રામ આજે હાજર હોય તો લક્ષ્મણે સુગ્રીવને આપેલી ચેતવણી યાદ કરાવે કે જે રસ્તે વાલી ગયો એ માર્ગ હજુ ખુલ્લો છે હોં ને ! પરાણે લખવાનું મન થાય કે શાસકો ગૂમરાહ થાય ત્યારે પ્રજાએ સંગઠિત થઇને ક્રાન્તિ કરવી પડે. ઇતિહાસ સાક્ષી છે, પ્રજા વિફરે ત્યારે ગમે તેવો ચમરબંધી પણ નરમઘેંસ થઇ જાય. કોરોના જેટલી જ દ્રઢતાથી નીંભર નેતાઓ સામે પણ અવાજ ઊઠાવવો પડે. ઉત્તિષ્ઠ જાગ્રતઃ... સ્વામી વિવેકાનંદે કહેલુ, ઊઠો, જાગો... !

Gujarat