For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફિલ્મો અને સિરિયલો અંધશ્રદ્ધા કે ફેન્ટસી દ્વારા જ કમાય છે, યોર ઓનર!

Updated: Oct 18th, 2022

Article Content Image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

દેશની સર્વોચ્ચ અદાલતે ગયા અઠવાડિયે સાસ-બહુ અને નાગિન જેવી સિરિયલોથી અઢળક કમાણી કરતી પ્રોડયુસર એકતા કપૂરને જાહેરમાં ખખડાવી નાખી કે તમે 'ટ્રિપલ એક્સ' જેવા શો દ્વારા ઊગતી પેઢીને અવળે રવાડે ચડાવી રહ્યાં છો... આવા મુદ્દાનો નિકાલ સુપ્રીમ કોર્ટે કરવો પડે એ આ દેશની કરુણતા છે. આવા વાહિયાત કેસ સુપ્રીમ કોર્ટે હાથ ધરવા પડે એ સૌથી મોટી ટ્રેજેડી છે.

'ટ્રિપલ એક્સ' એ એકતા કપૂરના ઓટીટી પ્લેટફૉર્મ ઓલ્ટ બાલાજી પર સ્ટ્રીમ થયેલો વેબ શો છે. એકતા ટીવી માટે સાસુ-વહુની પારિવારિક સિરિયલો બનાવે છે, જ્યારે પોતાના ઓટીટી પ્લેટફૉર્મ પર સેક્સ્યુઅલ કોન્ટેન્ટથી ભરપૂર એડલ્ટ શોઝની ભરમાર કરે છે. 'ટ્રિપલ એક્સ'ની કથાનું મૂળ કોઇ વિદેશી ફિલ્મ યા સિરિયલ પરથી લેવાયું છે એ જુદી વાત છે. 

હોલિવૂડની નબળી નકલ જેવી ફિલ્મો બોલિવુડમાં કે સાઉથમાં બને છે. હોલિવુડની ફિલ્મો સિનમા અને વીએફએક્સ (વિઝ્યુઅલ ઇફેક્ટ્સ) ક્ષેત્રે થયેલી લેટેસ્ટ ટેક્નોલોજીના સાર જેવી હોય, જ્યારે આપણા ફિલ્મ અને સિરિયલ સર્જકો તૈયાર માલની દેશી આવૃત્તિ બનાવીને કમાય. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે 'રોબો' અને શાહરુખ ખાને 'રા.વન' જેવી ફિલ્મો બનાવેલી. એમાં વીએફએક્સથી આપણે જેને ચમત્કાર કહીએ એવાં દ્રશ્યો ઉમેરી દેવાય છે. તાજેતરમાં રજૂ થયેલી 'બ્રહ્માસ્ત્ર' પણ એવી ફિલ્મ હતી. તેને બોક્સઓફિસ પર સફળ ગણવી કે નિષ્ફળ તે સવાલ છે. 

એકતા કપૂરે અગાઉ ઇચ્છાધારી નાગ-નાગણની સિરિયલ બનાવેલી. એનો વિચાર એના પિતા અભિનેતા જિતેન્દ્રની ફિલ્મ પરથી એને આવ્યો હશે. ૧૯૭૬માં જિતેન્દ્ર અને રીના રોયને ચમકાવતી 'નાગિન' ફિલ્મ આવેલી. એવી જ એક ફિલ્મ 'નગીના'માં શ્રીદેવી અને રિશિ કપૂરે કામ કરેલું. આવી સિરિયલો કે ફિલ્મો આપણી કેટલીક પૌરાણિક કથાઓ પરથી પ્રેરણા લઇને બનાવાતી હશે.

વાસ્તવમાં ઘણી પૌરાણિક કથાઓ પ્રતીકાત્મક છે. એ પ્રતીકને સમજીને એનું આજના યુગને અનુરૂપ અર્થઘટન થાય એ જરૂરી છે. સ્વાધ્યાય પ્રણેતા દાદા પાંડુરંગ શાસ્ત્રીજીએ એનું અર્થઘટન સરસ રીતે કરેલું. દાખલા તરીકે હનુમાનજીની વાત સમજાવતાં દાદા કહેતા કે પવનપુત્ર એટલે આપણે સૌ. પ્રાણવાયુ વિના આપણે જીવી શકીએ નહીં. સમતોલ આહાર, નિયમિત વ્યાયામ-યોગાસનો અને સમજપૂર્વકના જીવન દ્વારા આપણે પણ હનુમાનજી જેવા બળવાન બની શકીએ. બીજાં પૌરાણિક પ્રતીકોનું પણ આજના સંદર્ભમાં આ રીતે અર્થઘટન થવું જોઇએ. ફિલ્મો કે સિરિયલો બનાવનારા એવું કરતા નથી. ચમત્કારોના નામે લોકોની અંધશ્રદ્ધાને બહેકાવે છે. છેલ્લા થોડા સમયથી સોશિયલ મિડિયા પર પણ આવી ત્રણ ચાર મિનિટની વિડિયો ંક્લિપ જોવા મળી જેમાં એક છોકરીને બે યુવાનો સતાવતા હોય અને પેલી માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજીના વેશે કોઇ યુવતી આવે અને પેલા બે જણને ઠમઠોરે. વાસ્તવ જીવનમાં આવું ક્યારેય બનતું નથી.

આ ઇચ્છાધારી નાગ અને નાગમણિ જેવી વાતો કાલ્પનિક છે. એમ તો સંસ્કૃતમાં એક શ્લોકનો ઉપાડ આવો છે-  શૈલે શૈલે ન માણિક્યં મૌક્તિકં ન ગજે ગજે... દરેક પર્વતમાં માણેક હોતા નથી અને દરેક હાથીના ગંડસ્થળમાં મોતી હોતાં નથી. આજે તો ભગવાધારી સાધુ મંડળી પણ હાથી લઇને ફરતી હોય છે. હાથીના ભાલપ્રદેશમાં મોતી મળતાં હોય તો બાવાઓ લખપતિ કરોડપતિ થઇ જાય. વાસ્તવિકતા એ છે કે ફિલ્મો અને સિરિયલો લોકોની અંધશ્રદ્ધાને બહેકાવે છે. તાજેતરમાં ધૈર્યા નામની બાળકીનું બલિદાન ચડાવાયું એ અંધશ્રદ્ધાનો જીવંત પુરાવો હતો.

એ પહેલાં બી આર ચોપરાની 'મહાભારત' સિરિયલમાં ભીષ્મ પિતામહની યાદગાર ભૂમિકા કરનારા મૂકેશ ખન્નાએ શક્તિમાન સિરિયલ બનાવેલી. એ જોઇને શક્તિમાન બનવા જતાં કેટલાંક બાળકોએ જાન ગુમાવ્યા હતા. આમાં નીચલી કે ઉપલી અદાલતોનું કામ નથી. સમાજના ડાહ્યા લોકોએ અને ટીનેજર સંતાન ધરાવતા માબાપોએ સ્વૈચ્છિક જવાબદારી સમજીને બાળકોને સાચે માર્ગે વાળવા જોઇએ. ફિલ્મો અને સિરિયલો બનાવનારા તો કમાવા બેઠાં છે. એમને માટે તો એવરીથીંગ ઇઝ ફેર ઇન બિઝનેસ....

Gujarat