Get The App

બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનાં લેખાંજોખાં

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનાં લેખાંજોખાં 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

ભલે ખપ પૂરતું અક્ષરજ્ઞાન ધરાવતા હોય, ભલે પીવાનું ચોખ્ખું પાણી કે પેટનો અગ્નિ ઠારવા એક ટંક ખાવા ન મળતું હોય, ગમે તેવી બેહાલ પરિસ્થિતિ હોય, ભારતનો મતદાર આગવી કોઠાસૂઝ ધરાવે છે એ હકીકત બિહાર વિધાનસભાની ચૂંટણીએ વધુ એકવાર પુરવાર કર્યું. બિહારની અડધોઅડધ વસતિ ગરીબ શબ્દ શરમાઇ જાય એટલી હદે ચીંથરેહાલ સ્થિતિમાં જીવે છે. તમામ પક્ષો અને નેતાઓએ ઘણાં મીઠ્ઠાં વચનોની લહાણી કરી, પરંતુ મતદાર છેતરાયો નહીં. સૌથી વધુ કરુણ સ્થિતિ કોંગ્રેસ અને લાલુ યાદવના  રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ની થઇ.

બહુ દૂર ન જઇએ. તાજેતરનો ઇતિહાસ તપાસીએ તો પણ ખ્યાલ આવે  કે કોંગ્રેસ પક્ષનો શતમુખ વિનિપાત થયો છે. છેલ્લી ત્રણ ચાર ચૂંટણીનાં પરિણામો જોઇએ તો કોંગ્રેસ કેટલી હદે વામણો  પુરવાર થયો છે એ સમજાઇ જાય. હકીકત એ છે કે કોંગ્રેસ પાસે આજની તારીખે કોઇ દૂરદ્રષ્ટા કે મેચ્યોર નેતા રહ્યો નથી. ૧૯૮૪માં ત્યારનાં વડા પ્રધાન ઇંદિરા ગાંધીની તેમના અંગરક્ષકો દ્વારા હત્યા થઇ ત્યારે આઘાતથી સ્તબ્ધ થઇ ગયેલા મતદારોએ કોંગ્રેસને ૪૦૦ જેટલી બેઠકો ભેટ ધરી હતી. પાઇલટ મટીને પ્રાઇમ મિનિસ્ટર બનેલા રાજીવ ગાંધીએ કરેલી કેટલીક રાજકીય ભૂલોના પગલે તેમની હત્યા થઇ એ પછીની કોઇ ચૂંટણીમાં કોંગ્રેસને ૧૯૮૪-૮૫ જેટલી બેઠકો મળી નહીં. સોનિયા ગાંધીને વડા પ્રધાન બનવાના અભરખા હતા પરંતુ અવકાશ વિજ્ઞાની રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામે સવિનય સોનિયા ગાંધીને જણાવી દીધું કે તમે વડાં પ્રધાન બની શકો નહીં. એટલે ન છૂટકે પી. વી. નરસિંહરાવને વડા પ્રધાન બનાવવા પડયા. દરેક નાનીમોટી ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો થતો રહ્યો. આત્મવિશ્વાસનો અતિરેક અને પક્ષના મોવડી મંડળને સાચી સલાહ આપી શકે એવો કોઇ ઠરેલ નેતા રહ્યો નહીં. એનું પરિણામ આપણી સામે છે. 

હજુ પણ કોંગ્રેસ બદલાયેલી પરિસ્થિતિને સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. મિથ્યાભિમાનમાં રાચવું અને દેશને પોતાના પૂજ્ય પિતાશ્રી કે દાદાશ્રીની જાગીર સમજીને વાણી-વર્તન બેફામ રાખવા એ કોંગ્રેસનું ઇ-મેઇલ આઇડી છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસવિહોણું ભારત ઇચ્છે છે. સાચું પૂછો તો શાસક પક્ષે કશું કરવાની જરૂર જ નથી. કોંગ્રેસ પોતાની બેજવાબદાર નીતિના કારણે નામશેષ થઇ જાય એવાં લક્ષણો અત્યારે સ્પષ્ટ દેખાય છે.

રહી રાજદની વાત. લાલુ યાદવ રેલવે પ્રધાન હતા ત્યારે બિહારના ગરીબ લોકોની કોણીએ ગોળ લગાડેલો કે તમારી ખેતીની જમીન અમને (એટલે કે લાલુ યાદવના પરિવારને) આપી દો, હું તમને રેલવેમાં નોકરી આપીશ. ઘણા ભોળિયા ખેડૂતો લાલુની વાતમાં આવી ગયા અને પોતાની ફળદ્રુપ જમીન લાલુને આપી દીધી. એવા સેંકડો ખેડૂતો આજે પણ રેલવેની નોકરીની વાટ જુએ છે. જોગસંજોગ તો જુઓ. કોંગ્રેસની જેમ લાલુ યાદવનો પરિવાર પણ જામીન પર બહાર છે. લાલુને મતદારો બરાબર ઓળખી ગયેલા એટલે લાલુ પ્રચારમાં બહુ દેખાયા નહીં એ સારું જ થયું.

ચૂંટણી પહેલાં જ લાલુના પરિવારમાં આપસી યાદવાસ્થળી શરૂ થઇ ગયેલી. તેજસ્વી અને તેજપ્રતાપ બંને માજણ્યા ભાઇઓની આંખો વઢતી હતી. ચૂંટણીમાં ભૂંડે હાલે પરાજિત થયા બાદ કૌટુંબિક વિખવાદ વણસવાનો છે એ નક્કી. લાલુની પુત્રી રોહિણીએ પરિવાર અને રાજદ પક્ષ બંનેનો ત્યાગ કર્યો. પોતાના પરાજય માટે રોહિણીએ તેજસ્વી અને એના સાથીઓને જવાબદાર ગણાવ્યા. લાલુ યાદવ આ કૌટુંબિક વિખવાદને લાચારીથી જોયા કરવા સિવાય બીજું કશું કરી શકે એમ નથી. 

હવે  રહ્યા નીતિશ કુમાર. આ માણસ રાજનીતિમાં શકુનિને પણ મહાત કરી નાખે એવો ભરાડી રાજકારણી છે. જોવાનું છે કે ભાજપ નીતિશ કુમારને મુખ્ય પ્રધાનપદે ચાલુ રાખે છે કે બીજી કોઇ વ્યવસ્થા વિચારે છે. ચિરાગ પાસવાન પણ ખૂબ મહત્ત્વાકાંક્ષી છે. ચૂંટણી જીતવા પોતે યોગ્ય વ્યૂહરચના કરી શકે છે એ ચિરાગે પુરવાર કર્યું. અન્ય પક્ષો કોઇ મોટી ધાડ મારી શક્યા નહીં. એનું કારણ અકળ મતદારો છે. છેલ્લી ઘડી સુધી મતદારોનું મન કોઇ કળી શક્યું નહીં. ચૂંટણી આયોજનના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોર તો કોઇને મોં દેખાડવાની સ્થિતિમાં રહ્યા નથી. મતદારોએ કચકચાવીને એમને લપડાક ઠોકી દીધી છે. એમને એ લપડાકની કળ વળતાં ઘણો સમય લાગશે.