Get The App

એકવાર પોઝિટિવ થવા માંડશો પછી આપોઆપ એકાગ્રતા વધશે

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
એકવાર પોઝિટિવ થવા માંડશો પછી આપોઆપ એકાગ્રતા વધશે 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- પોઝિટિવ વિચાર જન્માવવા માટે હકારાત્મક બોલવું જરૂરી છે. રોગનો ઉલ્લેખ કર્યા વિના જાતને કહેવાનું છે કે હું સ્વસ્થ છું. માત્ર વિચારથી પોઝિટિવ પ્રભાવ જનમતો નથી, વાણીથી જન્મે છે

મોટા ભાગના અધ્યાત્મ ગુરુઓ સતત એક વાત કરે છે- શૂન્યચિત્ત થાઓ. શૂન્યચિત્ત થવા માટે ધ્યાન કરવું જરૂરી છે. વાત તો મજાની છે. પરંતુ તમે જોયું હશે, અનુભવ્યું હશે. ધ્યાન કરવું છે એવું નક્કી કરીને ધ્યાન કરવા બેસો કે તરત હજારો વિચારો તમારા પર આક્રમણ શરૂ કરી દે છે. કારણ, મન તમને શાંત થવા દેવા તૈયાર નથી. સંતવાણીમાં તો કહ્યું છે, 'મન લોભી મન લાલચુ, મન ચંચળ મન ચોર, મનનું કહ્યું ન કરીએ, મન હરાયું ઢોર...' મન પોતાનો તમારા પરનો કાબુ જવા દેવા તૈયાર નથી. એ તમારા પર હાવી થઇ જવા સતત ઉત્સુક હોય છે. વિચારોના આક્રમણને કારણે તમારું ધ્યાન લાગતું નથી. તમે શૂન્ય ચિત્ત થઇ શકતા નથી. ફાઇન.

હવે એક સંશોધનને યાદ કરીએ. યુનિવસટી આફ કેલિફોનયાના ન્યૂરોલોજી વિભાગના નિષ્ણાતો (મગજના નિષ્ણાત) છેલ્લાં થોડાં વરસોથી એક વિશિષ્ટ સંશોધન કરી રહ્યા હતા. એ સંશોધન ખરેખર રસપ્રદ છે. આ સંશોધન કહે છે કે ચોવીસ કલાકમાં માણસ સરેરાશ, યસ, સરેરાશ સિત્તેરથી એંસી હજાર વિચારો કરે છે. એમાંના ૯૦ ટકાથી વધુ વિચારો નકારાત્મક હોય છે. આવા વિચારો દિવસ દરમિયાન ઘણું કરીને રિપીટ થયા કરે છે. ધારો કે વહેલી સવારે તમે એક એવો વિચાર કરો કે આજે તો પેલા ફલાણાને દેખાડી દેવું છે, ઘણા દિવસથી મારી પાછળ પડી ગયો છે, આજે એને જોઇ લઇશ. ત્યાર બાદ આ વિચાર સતત રિપીટ થયા કરવાથી બીજો કોઇ સારો કે કામનો વિચાર ઉપલી સપાટી પર આવતો નથી.

મગજ નિષ્ણાતોએ દસ દર્દીઓ પસંદ કર્યા. દસેદસ સેકન્ડ સ્ટેજના કેન્સરના રોગી હતા. કોઇને કોલોનનું કેન્સર હતું તો કોઇને અન્ય પ્રકારનું કેન્સર હતું. એક દર્દી એવો હતો જેને મગજમાં કેન્સરની ગાંઠ હતી. આ દસેદસની તબીબી સારવાર ચાલુ હતી. એમને સતત ઠસાવવામાં આવ્યું કે તમારે રોજ સવારે એકાંતમાં તમારી જાતને મોટેથી બોલીને સંભળાવવું કે હું સાજો સારો છું, હું તંદુરસ્ત છું.... તમારી નિકટ કોઇ અંગત સ્વજન કે સાથી હોય તો એને કહેવાનું કે જોઇ લો, આયમ ફાઇન. દિવસમાં ઓછામાં ઓછું સોથી દોઢસો વાર આમ બોલો. તમારે એવું બોલવાનું નથી કે મને કેન્સર નથી. એ તો આડકતરી રીતે કેન્સર છે એવો સ્વીકાર છે. તમારે કેન્સર શબ્દ જ બોલવાનો નથી. પોઝિટિવ વિચાર જન્માવવા માટે હકારાત્મક બોલવું જરૂરી છે. રોગનો ઉલ્લેખ કર્યા વિના જાતને કહેવાનું છે કે હું સ્વસ્થ છું. માત્ર વિચારથી પોઝિટિવ પ્રભાવ જનમતો નથી, વાણીથી જન્મે છે. 

તમે માની નહીં શકો, તબીબી સારવાર (દવા વગેરે) ચાલુ રાખીને આ રીતે દર્દીને પોઝિટિવ વિચાર તરફ વાળી દીધા. લગભગ મહિના દોઢ મહિના પછી દસે દર્દીની નવેસર તબીબી તપાસ કરવામાં આવી. દસમાંના આઠ દર્દી પૂરેપૂરા સાજા થઇ ગયા હતા, જાણે ક્યારેય કેન્સર થયું નહોતું. બે જણને કેમ સારું ન થયું એ જાણવા મનોચિકિત્સકની મદદ લેવામાં આવી. પેલા બંનેએ મનોચિકિત્સક સમક્ષ કબૂલ કર્યું કે અમે બોલીને જાતને માનસિક રીતે તૈયાર કરવામાં બેદરકાર રહ્યા હતા. આ સંશોધનની વાત બાજુ પર રાખીએ. આપણા સાધુસંતો સતત કહે છે કે સવારે ઊઠીને તમે તમારી જાતને થોડી હકારાત્મક વાત સંભળાવો. પછી પરિણામ જોજો. સ્વાધ્યાય કેન્દ્રોમાં તો વાગ્ભૂષણમ્ જેવી પોકેટ બુક આપે છે. એમાં આરંભના પૃોમાં પ્રભાતે કરદર્શનમ્ (હાથને લગતો શ્લોક) અને ધરતીમાતાને પ્રણામ કરવાના શ્લોક આપેલા છે જે એક પ્રકારનાં સૂચનો છે. જાતને વિધાયક બનાવવા માટે આ રામબાણ ઉપાય છે. 

એકવાર પોઝિટિવ થવા માંડો પછી આપોઆપ એકાગ્રતા વધશે. તમે સહેલાઇથી ધ્યાનમાં સરકી શકશો. ધ્યાન કરવું છે એવો વિચાર કરીને સભાન થવાની જરૂર નથી. એકાગ્ર થવા માંડો એટલું બસ છે. એ પહેલું પગથિયું છે.