- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
આ લેખ તમે વાંચતાં હશો ત્યારે બાંગ્લા દેશના વડા પ્રધાન તરીકે બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના નેતા તારીક રહેમાને શપથ લઇ લીધા હશે. લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને બળવા દ્વારા ઊથલાવીને લશ્કરી પ્રમુખ બની બેઠેલા જનરલ ઝીયા ઉર રહેમાન અને ખાલેદા ઝીયાના પુત્ર આ તારીક રહેમાનનો ભૂતકાળ ઘણી રીતે ખરડાયેલો છે.
સતત ત્રણ મુદત સુધી પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફની જેમ તારીકે પણ પોતાનો જાન બચાવવા સ્વૈચ્છિક દેશવટો સ્વીકારીને લગભગ સત્તર અઢાર વર્ષ બ્રિટનમાં વસવાટ કર્યો હતો. તાજેતરમાં સ્વદેશ પાછા ફરીને સંસદીય ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવ્યો. અગાઉનાં વરસોમાં તારીક સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપ થયા છે અને કેટલાક કેસમાં એ અપરાધી પણ સાબિત થઇ ચૂક્યા છે. લશ્કર દ્વારા એમની હત્યાનો કહેવાતો પ્રયાસ થયો ત્યારે ૨૦૦૭-૦૮માં તારીકે દેશ છોડયો અને લંડન ભાગી ગયા.
નવાઝ શરીફની જેમ તેમણે પણ લંડનમાં તબીબી સારવાર લઇ રહ્યા હોવાના અહેવાલો વહેતા કરેલા. હકીકતમાં લંડનમાં રહ્યે રહ્યે તારીક બાંગ્લાદેશના બનાવો પર બાજનજર રાખી રહ્યા હતા. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અને માઇક્રો-ફાઇનાન્સના સમર્થક મનાતા મુહમ્મદ યુનુસ લંડનમાં તારીકને મળ્યા અને સ્વદેશ પાછાં ફરવા સમજાવ્યા એવા અહેવાલો વહેતા કરાયા હતા.
આજનો બાંગ્લાદેશ હકીકતમાં પૂર્વ પાકિસ્તાન છે. અહીં પણ હિન્દુઓ લઘુમતીમાં છે અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અહીં પણ લઘુમતીને સતત કનડતો આવ્યો છે. તારીક રહેમાને સંસદીય ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવ્યો ત્યારે રાજકીય રીતરસમ મુજબ ભારતના વડા પ્રધાને એમને મુબારકબાદી આપી અને અખબારી અહેવાલો મુજબ રહેમાને ભારત સાથે સુમેળભર્યા સંબંધો જાળવવાની ખાતરી ઉચ્ચારી.
વાસ્તવિકતા જુદી છે. બાંગ્લાદેશમાં પણ પાકિસ્તાનની જેમ અવારનવાર લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને પછાડી દઇને લશ્કર ગમે ત્યારે સત્તા કબજે કરી લે છે એ ગઇ કાલનો ઇતિહાસ છે. સૌથી કડવી વાસ્તવિકતા છે કે બાંગ્લાદેશમાં પણ શિક્ષણ, સંસ્કાર અને વ્યાવસાયિક દ્રષ્ટિએ હિન્દુઓ આગળ વધેલા છે, પૈસે ટકે સુખી છે એ હકીકત બહુમતી પ્રજા સહન કરી શકતી નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શાસકો ગમે તેટલી ડંફાસ મારે, આ બંને દેશની મોટાભાગની પ્રજા ખપ પૂરતું શિક્ષણ માંડ માંડ મેળવે છે અને ત્યારબાદ મહેનત મજૂરી દ્વારા પરિવારના ભરણ પોષણનો પ્રયાસ કરે છે. રૂઢિચુસ્ત મુલ્લા-મૌલવીઓ આ પરિસ્થિતિનો ગેરલાભ લઇને આતંકવાદને પોષે છે. આ સંજોગોમાં રાજદ્વારી નેતાઓ અને લશ્કરી અધિકારીઓ માલામાલ થઇને મોજ કરે છે.
લઘુમતી પ્રજાને સુખી જોઇને દાઝે બળતા બહુમતી નેતાઓ પ્રજાને હિંસા તરફ ધકેલે છે. લઘુમતી પ્રજામાં ભારતની ન્યાતજાતમાં ખૂંપી ગયેલા હિન્દુ સમાજ જેવી સ્થિતિ છે. એકતા કે સંગઠન ઓછાં છે એટલે ગમે ત્યારે એકલદોકલ હિન્દુની ઘાતકી રીતે હત્યા કરાય છે, એની સ્થાવર સંપત્તિને આગ ચાંપી દેવાય છે. થોડો સમય હો હા થાય છે પછી ફરી એજ ઘાતકી ખેલ ખેલાતો રહે છે.
તારીક રહેમાન દોઢ દાયકો બ્રિટનમાં રહી આવ્યા છે એ સાચું, પરંતુ એમના હાથમાં સોએ સો ટકા સત્તાનો દોર રહેવાનો નથી. લશ્કરના અધિકારીઓ સતત સત્તા આંચકી લેવા બહાનાં શોધતા રહે છે. એ સંજોગોમાં તારીક રહેમાન હોદ્દાનાં પાંચ વર્ષ પૂરાં કરે તો એ આ સદીનો સૌથી મોટો ચમત્કાર ગણાશે. એમણે એક તરફ કટ્ટરવાદી મુલ્લા-મૌલવીઓ અને બીજી તરફ સત્તાલોલુપ લશ્કરી અધિકારીઓ વચ્ચે રહીને શાસન કરવાનું છે.
આ એક જોખમી ખેલ છે. એમને સ્થાનિક પ્રજાનો તેમજ લઘુમતી લોકોનો કેટલો સાથસહકાર મળી રહે છે એના પર પણ એમની સરકારનો ટકી રહેવાનો આધાર છે. સમય અને સંજોગો ભલભલાની આકરી કસોટી કરતાં રહે છે. હાલ તો આપણે તારીક રહેમાનને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા આપવા સિવાય કશું કહી શકીએ એમ નથી. તારીક રહેમાનના દેશના વડા પ્રધાન તરીકે નીવડયે વખાણ.


