Get The App

... તો મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ પડયું ન હોત

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
... તો મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ પડયું ન હોત 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- રાજકારણમાં જોડાવા પાછળ વહેલે મોડે સત્તાપ્રાપ્ત કરવાની દરેકની મહેચ્છા હોય છે

તૃણમૂલ  કોંગ્રેસના સ્થાપક-પ્રમુખ અને પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનરજીની મનોદશા કલ્પી શકાય છે. દોઢેક દાયકાના એકહથ્થુ શાસન અને પક્ષ પરની પોલાદી પકડ પછી અત્યારે મમતા સાવ જ એકલાં પડી ગયાં છે. એમણે સ્વપ્નેય કલ્પના નહીં કરી હોય કે વિધાનસભાની ચૂંટણીમાં પરાજય પછી તેમના પક્ષમાં આ રીતે તડાં પડી જશે. રવિવારે પંદરમી જૂને સાંજે લોકસભાના સ્પીકર ઓમ બિરલાના બંગલે પહોંચેલા તૃણમૂલના સાંસદોએ ઇલેક્ટ્રોનિક મિડીયાને સંબોધતાં એવો સૂર વ્યક્ત કર્યો હતો કે મમતાના અહંકાર અને ઇમોશનલ અત્યાચારના પગલે અમે એમનો સાથ છોડયો છે.

વાત નવી નથી. કેટલીકવાર કેટલીક વ્યક્તિ કળે યા બળે કે પછી નસીબના જોરે જે-તે સંસ્થાના ટોચના સ્થાને પહોંચી જાય ત્યારે ખરી કસોટી શરૂ થતી હોય છે. ભારતીય લશ્કરના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનો એક સરસ અનુભવ આત્મકથાત્મક ડાયરીમાં વર્ણવ્યો છે. તે દરેક નેતાએ યાદ રાખવા જેવો છે. 

'એક દિવસ મારા ઉપરીએ મને પૂછયું, અરે કેપ્ટન, તમારી બટાલિયનમાં પેલો ગુરદીપ છે એની માતા બીમાર હતી... એને હવે કેમ છે? આ સવાલ સાંભળીને હું થોડો મૂંઝાયો. આવો સવાલ મારા ઉપરી પૂછે એ હું કલ્પી શકતો નહોતો. મારી મૂંઝવણ મારા ઉપરી સમજી ગયા. એમણે મારા ખભે હાથ રાખીને કહ્યું, આપણી બટાલિયનના દરેક જવાન સાથે થોડો ઘરોબો રાખવો જરૂરી છે. એના સુખદુઃખમાં શક્ય તેટલો ભાગ પડાવવાથી એની આપણા પ્રત્યેની અને દેશ પ્રત્યેની ભાવના સુદ્રઢ થાય છે. ફરજ પર એ ભલે આપણો જુનિયર હોય, વ્યક્તિગત રીતે સરહદ પર એ આપણો સ્વજન હોય છે. બીજીવાર યાદ રાખજો અને દરેક જવાનને વિશ્વાસમાં લેતા રહેજો....'  

આ વાત દરેક ક્ષેત્રના ઉપરીઓને લાગુ પડે છે. 'ચાલો, આપણે કામ કરીએ' અને 'જાઓ, કામ કરો' એ બે આદેશમાં આસમાન જમીન જેટલો ફરક છે. મમતા બેનરજી આ વાત ભૂલી ગયાં. રાજકીય પક્ષ અને એમાં રહેલા સભ્યો પણ આખરે તો મારા તમારા જેવા માણસ છે અને રાજકારણમાં જોડાવા પાછળ વહેલે મોડે સત્તાપ્રાપ્ત કરવાની દરેકની મહેચ્છા હોય છે. મમતાએ પોતાના અહંકારનું જે રીતે જાહેરમાં પ્રદર્શન કર્યું એ સૌ કોઇ જાણે છે. ઇડીના કાર્યાલયમાં કે ચૂંટણી પક્ષની ઑફિસમાં એમનું જે વર્તન હતું એની આકરી નોંધ સુપ્રીમ કોર્ટે પણ લેવી પડેલી. મમતા એ ભૂલી ગયેલાં કે પશ્ચિમ બંગાળ તેમની બાપીકી જાગીર નથી. વહેલા-મોડા તેમણે શાસનધુરા છોડવી પડશે.  

ડિટ્ટો કોંગ્રેસ. કોંગ્રેેસ પક્ષની નેતાગીરી એવું માનતી રહી છે કે અમે આઝાદીનાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષ દેશ પર રાજ કર્યું એટલે ભારત દેશ પર સૌથી પહેલો હક અમારો છે. એ ભ્રમ હજુ સુધી ભાંગ્યો નથી. ગાંધી પરિવારના નબીરાઓ આજે પણ એમ માની રહ્યાં છે કે કેન્દ્રમાં સરકાર તો અમારી જ હોવી જોઇએ. વડા પ્રધાનપદ પર પહેલો હક અમારો છે. મમતા બેનરજીએ પોતાના પક્ષના ધારાસભ્યો અને સાંસદો સાથે સૌમ્ય વાણી-વર્તન રાખ્યાં હોત તો અત્યારે એમની સ્થિતિ આટલી કરુણ ન હોત.

આ જ વાત વિરોધ પક્ષોના ટોળાને (ઇન્ડિયા અલાયન્સ એમ વાંચો)ને લાગુ પડે છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, અસદુદ્દીન ઓવૈસી, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર વગેરેને વડા પ્રધાનપદનાં સપનાં આવે છે. દરેક નેતા પોતાને દેશના વડા પ્રધાન તરીકે કલ્પીને એકબીજા સાથે વર્તે છે. હકીકત એ છે કે દરેક પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલે છે. ઇવન, શાસક પક્ષ ભાજપમાં પણ બધું સમુંસુતરું નથી. વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બંને ટોચના નેતાઓ આ હકીકત જાણે છે એટલે જ સાવચેતીથી પગલાં ભરે છે. 

શાસક પક્ષને જે ઠરાવો પસાર કરવા છે એ માટે સંસદનાં બંને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતી થાય એ જરૂરી છે. એટલે જે-તે પક્ષના બળવાખોરો શાસક પક્ષમાં જોડાવા આવે તેમને આવકારી લે છે, પરંતુ આવા બળવાખોરો પર લાંબો સમય વિશ્વાસ રાખી શકાય નહીં. શાસક પક્ષમાં જોડાતા દરેકની એવી મહત્ત્વાકાંક્ષા હોય કે અમને કોઇ સત્તાસ્થાન મળે. એ ન મળે ત્યારે અસંતોષ પેદા થાય અને ક્યારેક વિશ્વાસઘાત પણ થાય. મમતા બેનરજી પોતાના પરાજય પછીની સ્થિતિનું સમતોલ વિષ્લેષણ કરે તો એમને માટે સારું છે. એમણે સતત કેન્દ્ર સરકાર સામે શીંગડાં ભરાવવાના પ્રયાસો કરેલાં. એમાં ય એમનો અહંકાર દેખાઇ આવેલો. એ સમયસર સમજી ગયાં હોત તો આટલી હદે પક્ષમાં ભંગાણ ન પડયું હોત.