- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- આક્રમણખોર કોઇ ધર્મસ્થળ પૂરેપૂરું નષ્ટ કર્યું નથી. મૂળ ધર્મસ્થળના થોડાક અવશેષો જાણે કરીને એ સ્થાને રહેવા દીધા છે
છેલ્લાં થોડાં વરસોથી એવું જોવા મળ્યું છે કે મુઘલ બાદશાહોએ બંધાવેલી મસ્જિદો કે ઇબાદતગાહોમાં અન્ય ધર્મનાં બાંધકામોના અવશેષ મળી આવે. ક્યાંક જૈન દહેરાંસરના અવશેષ મળે તો ક્યાંક શિવાલય કે ભગવાન કૃષ્ણના મંદિરના અવશેષો મળે. વધુ ખોદકામ કરતાં એ અવશેષો એવા પુરાવા પણ દેખાડે કે આ સ્થાને બસો પાંચસો વરસ પહેલાં હિન્દુ કે જૈન મંદિર હોવું જોઇએ. ઉત્તર ભારતમાં આવાં ઘણાં સ્થળો છે અને એને લઇને અદાલતોમાં ડઝનબંધ કેસ ચાલે છે. કેટલેક સ્થળે બહુમતી લોકોએ પોતાના મૂળ ધર્મસ્થાન પર હક્કદાવો કર્યો હોય અને થોડું ટેન્શન સર્જાયું હોય એવું પણ જોવા મળ્યું.
પ્રાચીન શિલ્પ સ્થાપત્યના જાણકાર અને મૌલિક વિચારક એવા એક વિદ્વાને બહુ સરસ અને લોજિકલ સમજ આપી છે. એનો સાર અહીં પ્રસ્તુત છે. આ વિદ્વાન કહે છે કે જે આક્રમણખોર પોતાની સાથે અસંખ્ય યોદ્ધા અને સામર્થ્ય લઇને આવ્યો હશે એણે કોઇ ધર્મસ્થળ પૂરેપૂરું નષ્ટ કર્યું નથી. મૂળ ધર્મસ્થળના થોડાક અવશેષો જાણે કરીને એ સ્થાને રહેવા દીધા છે. એણે ધાર્યું હોત તો ધર્મસ્થાન પૂરેપૂરું નષ્ટ કરીને પોતાના કડિયા-કારીગરો પાસે નવું ધર્મસ્થળ બંધાવી શક્યો હોત. એની પાસે શક્તિ હતી, સૈન્ય હતું, લૂંટેલી સંપત્તિ હતી અને એના બળાબળની ધાક હતી. આમ છતાં એણે કોઇ ધર્મસ્થળ પૂરેપૂરું તોડી પાડયું નથી. આયોજનપૂર્વક આંશિક તોડફોડ કરી છે.
આવું કેમ? એ વિચારવાની ખાસ જરૂર છે. તલવારના ઝાટકે માણસનું માથું ઊડાવી દો તો થોડીવાર તરફડીને મરી જાય. કોઇ ઇમારત ધરાશાયી કરી દો તો વાત પૂરી થઇ જાય, પરંતુ માણસને મારી નાખવાને બદલે એના મર્મસ્થાન પર, એના અહંકાર પર ઘા કરો તો એને વરસો સુધી કળ ન વળે. એને થયેલો માનસિક જખમ સૈકાઓ સુધી લીલો રહે. એ સતત ઘવાયેલા જાનવરની જેમ પોતાનો જખમ ચાટતો રહે. વિધર્મી આક્રમણકારોએ એવો ઘા કર્યો છે. એવો પ્રહાર કર્યો છે. મૂળ ધર્મસ્થળના કેટલાક હિસ્સાને અકબંધ રહેવા દીધા છે એટલે સદીઓ સુધી જે-તે પ્રજાના જખમ દૂઝતા રહે. આ બળાત્કાર સંસ્કૃતિ પર છે, સાંસ્કૃતિક વારસા પર છે. પ્રાચીન કાળના સંસ્કારોના શિયળ પર હુમલો થયો છે. રજપૂત મહિલાઓ તો કૂવા પૂરતી કે જૌહર કરતી. આ સ્થાપત્યો પોતાનો બચાવ કરે તો કઇ રીતે કરે?
વાત વિચારવા જેવી છે. કોઇ વિધર્મી ધર્મસ્થળે શિવજીના નંદીની પ્રતિમા જોવા મળે તો ક્યાંક જૈન પરંપરાનાં ચિત્રો જોવા મળે, ક્યાંક દીવાલ પર ગણેશજી કે નૃત્ય કરતી અપ્સરાઓનાં ચિત્રો હોય. આવું ખૂબ વિચારપૂર્વક અને ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું છે. આવું માત્ર ઉત્તર ભારતનાં ધર્મસ્થાનો સાથે થયેલું જોવા મળે છે. દક્ષિણમાં આવી ભાંગફોડ ઝાઝી જોવા મળતી નથી. સાઉથમાં તમે સુતેલા ભગવાન કૃષ્ણની બારથી પંદર ફૂટ લાંબી પાષાણ પ્રતિમાનાં દર્શન કરી શકો છો. રામ લખેલા પથ્થર પાણીમાં તરતાં નિહાળી શકો છો જેથી ખાતરી થાય કે અહીં ભગવાન રામની સેનાએ સેતુ બાંધ્યો હતો અને લંકા પર ચડાઇ કરી હતી. સાઉથના મોટા ભાગનાં ધર્મસ્થળો લગભગ અખંડ રહ્યાં છે. અલબત્ત, હજારો વર્ષનાં પ્રાચીન હોવાથી ટાઢ, તડકો અને વરસાદ વેઠીને આ સ્થળોને કેટલુંક નુકસાન થયું છે ખરું પણ એ માનવસજત નથી.
વાતનો સાર એ કે આક્રમણખોરે જ્યાં જ્યાં હુમલા કર્યા ત્યાંની પ્રજાના મર્મસ્થળ પર અને અહંકાર પર પ્રહારો કર્યા, ખમીર ભાંગી નાખવાના પેંતરા કર્યા. એમણે જ્યાં બાકી રાખ્યું ત્યાં ડાબેરી ઇતિહાસકારોએ કામ પૂરું કરી આપ્યું. આ ઇતિહાસકારોએ આક્રમણખોરોની બિરદાવલી સર્જી. ઇતિહાસનાં મૂળ તથ્યો સાથે ચેડાં કર્યાં અને પેઢી દર પેઢી બાળકોને ગુમરાહ કર્યા. આજે એવું રહ્યું નથી. પાઠયપુસ્તકોમાં નક્કર હકીકતો રજૂ કરવાના પ્રયાસો કેન્દ્ર સરકારે હા ધર્યા છે. એ આવકાર્ય પગલું છે.


